Team Chabuk-Gujarat Desk: છેલ્લા ઘણા દિવસોથી હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર અને સમાજ સેવા સાથે સંકળાયેલા એવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ટ્રસ્ટી કલ્પેશભાઈ તંતીનું ગઈકાલે તારીખ 14 ઓગસ્ટ ને સોમવારના રોજ હાર્ટ અટેકથી નિધન થયું છે. નાની વયે કલ્પેશભાઈ તંતીનું નિધન થતાં પરિવાર સહિત પાટીદાર સમાજમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો છે.
મળતી વિગતો પ્રમાણે 46 વર્ષીય કલ્પેશભાઈ વલ્લભભાઈ તંતી પોતાના ઘરે પૂજાપાઠ કરી રહ્યા હતા તે દરમિયાન જ હાર્ટ એટેક આવતા નિધન થયું છે. કલ્પેશભાઈ તંતી રાજકોટ શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલી રાજ રેસીડેન્સીમાં પરિવાર સાથે રહેતા હતા. મહત્વનું છે કે, કલ્પેશભાઈ તંતી લેઉવા પાટીદારની સંસ્થા શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ટ્રસ્ટી હતા અને શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ સોમનાથ ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હતા. આ ઉપરાંત તેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હોય તેઓના નિધનથી પાટીદાર સમાજમાં પણ શોકનો માહોલ છવાયો છે. તેઓના અંતિમ દર્શન માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ પણ ગયા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેઓના પરિવારમાં માતા-પિતા, પત્ની, પુત્ર, પુત્રી, મોટાભાઈ-ભાભી અને ભત્રીજો છે. જેઓને તેઓ વિલાપ કરતા છોડી ગયા છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ પણ ઘણું વધી ગયું છે. આ સ્થિતિમાં સાયલન્ટ હાર્ટ એટેક શું છે અને તે સામાન્ય હાર્ટ એટેકથી કેટલો અલગ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ સાયલન્ટ હાર્ટ એટેક સંબંધિત તમામ મહત્વની જાણકારી અંગે.
સાઈલેન્ટ હાર્ટ એટેકમાં લક્ષણો દેખાયા વગર તમે જીવ ગુમાવી શકો છો, જાણો કઈ રીતે બચાવ કરવો જોઈએ
શું હોય છે સાયલેન્ટ હાર્ટ એટેક ?
સાયલેન્ટ હાર્ટ એટેકને સાયલેન્ટ ઇસ્કેમિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. સાયલેન્ટ હાર્ટ એટેક આવવા પર તેના કોઈપણ લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી. સામાન્ય રીતે હાર્ટ એટેક આવવા પર છાતીમાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને પરસેવો વળવો જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ સાયલેન્ટ હાર્ટ એટેકમાં એવું જરૂરી નથી કે વ્યક્તિ આ બધા લક્ષણોને અનુભવે.
હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે તમારા હૃદયને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતું. સામાન્ય રીતે ધમનીઓમાં પ્લાક જમા થવાને કારણે હૃદય સુધી લોહી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી. એવા ઘણા લોકો છે જેમને ખબર પણ નથી હોતી કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. ઘણા કિસ્સાઓમાં જ્યારે ડોકટર તપાસ કરે છે ત્યારે ખબર પડે આવે છે. ઈસીજીની સાથે અન્ય ઘણા ટેસ્ટ છે જેના દ્વારા સાયલેન્ટ હાર્ટ એટેકની ખબર પડી શકે છે. ઘણી વખત હાર્ટ એટેકના લક્ષણોને લોકો અન્ય કોઈ સમસ્યાના લક્ષણો સમજી ઈગ્નોર કરતા હોય છે.
ખબર વગર પણ આવી શકે છે હાર્ટ એટેક ?
હા ઘણી વાર વ્યક્તિને જાણ વગર જ હાર્ટ એટેક આવી શકે છે અને તેથી જ તેને સાયલેન્ટ હાર્ટ એટેક કહેવામાં આવે છે. જ્યારે સાયલેન્ટ હાર્ટ એટેક આવે છે ત્યારે તેના લક્ષણો ખૂબ જ હળવા હોય છે અથવા તો બિલકુલ દેખાતા નથી. આ સ્થિતિમાં હ્રદયમાં જતો લોહીનો પ્રવાહ થોડા સમય માટે બંધ થઈ જાય છે જેના કારણે હૃદયની માંસપેશીઓ ડેમેજ થઈ જાય છે.
ક્યાં લોકોને સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ સૌથી વધુ છે ?
ઉત્તર પ્રદેશના જાણીતા સિનિયર ફિઝિશિયન કન્સલ્ટન્ટ ડૉ.કલીમ અહમદ, એમડી મેડિસિને જણાવ્યું કે સામાન્ય હાર્ટ એટેકમાં છાતીમાં ખૂબ જ દુખાવો થાય છે જ્યારે સાયલેન્ટ હાર્ટ એટેકમાં આ પ્રકારના કોઈ લક્ષણો જોવા મળતા નથી.
ડૉક્ટર અહમદનું કહેવું છે કે ડાયાબિટીસ અને મોટી ઉંમરના લોકોમાં સાયલેન્ટ હાર્ટ એટેકનું જોખમ ઘણું વધારે જોવા મળે છે. ડૉક્ટરે જણાવ્યું કે ઘણી વખત કોઈ અંડરલાઈન રોગને કારણે લોકોની ધમનીઓ બ્લોક થઈ જાય છે જેના વિશે તેમને પહેલાથી કોઈ જાણકારી નથી હોતી. આ સ્થિતિમાં સાયલેન્ટ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. તેમણે કહ્યું કે એવા ઘણા લોકો છે જેઓ હાર્ટ એટેકના લક્ષણોને એસિડિટી અથવા અન્ય કોઈ સમસ્યા સમજીને તેની અવગણના કરે છે.
સાયલેન્ટ હાર્ટ એટેકના લક્ષણો
ડો. કલીમ અહમદે જણાવ્યું કે સામાન્ય રીતે સાયલેન્ટ હાર્ટ એટેકના કોઈ લક્ષણો દેખાતા નથી પરંતુ બહુ ઓછા કેસમાં સાયલેન્ટ હાર્ટ એટેક પહેલા વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બીજી બાજુ તેનાથી ઉલટુ સામાન્ય હાર્ટ એટેકમાં વ્યક્તિને છાતીમાં તીવ્ર દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો અને ડાબા હાથમાં દુખાવો અને જડબામાં દુખાવો જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
