Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક જોવા મળ્યો છે. સુત્રાપાડાના મટાણા ગામમાં દીપડાએ 2 વર્ષના બાળક અને 75 વર્ષના વૃદ્ધા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બાળકનું મોત થયું છે, જયારે વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મટાણા ગામમાં રમેશભાઈ જાદવ નામના ખેડૂત રાત્રિભોજન કરી પરિવાર સાથે ઘરમાં બેઠા હતા. આ દરમિયાન તેમનો આશરે બે વર્ષનો પુત્ર માનવ ઘર બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન દીપડાએ તેના પર હુમલો કરી તેને ખેંચી લઇ ગયો હતો. પરિવારજનોને જાણ થતા અચાનક બુમાબુમ થઇ હતી અને આસપાસના લોકોએ ભેગા થઇ બાળકની શોધખોળ હાથ ધરી હતી. આ બાળકનો મૃતદેહ દૂર શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો.
મટાણા ગામમાં જ બીજા દિવસે વહેલી સવારે એ જ દીપડાએ 75 વર્ષીય લક્ષ્મીબેન સામતભાઈ નકુમ પર હુમલો કર્યો હતો. જો કે આસપાસ રહેલા લોકોએ બુમાબુમ કરતા દીપડો નાસી ગયો હતો. આ વૃદ્ધાને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઇ છે, જેમને સારવાર અર્થે કોડીનાર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યાં છે.

ગામના બે લોકો પર દીપડાએ હુમલો કરતા મટાણા ગામ સહિત સમગ્ર સુત્રાપાડા પંથકમાં ભયનો માહોલ છે. આ ઘટનાને લઈ વન વિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગે 8 પાંજરાઓ મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત