Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પીપળવા ગામે ખેતી કામ કરતા 20 વર્ષીય ખેડૂત પર સિંહે અચાનક હુમલો કરી માથા અને કમરના ભાગે ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ખેડૂત પર સિંહે કરેલા હુમલાના કારણે ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો બીજી તરફ વન વિભાગનો કાફલો પણ સિંહના હુમલાને લઈ સતર્ક થઈ ગયો છે.
ગઈકાલે વીસ વર્ષીય ખેડૂત યુવરાજભાઈ બપોરના સમયે સીમમાં આવેલા ખેતરમાં ગયા હતા. અહીં પોતાના ઢોરને બાજુમાં આવેલી ગૌચર જમીનમાં ચરાવવા માટે ઢોરવાડામાંથી બહાર કાઢ્યા હતા. એ સમયે એક સિંહ ઘાત લગાવી હુમલો કરવાની ફિરાકમાં બાવળની ઝાડીઓની પાછળ સંતાયેલો બેઠો હતો, જેની યુવરાજભાઈને ખબર નહોતી.
તક મળતા સિંહે ઝપટ મારી ઢોર ઉપર હુમલો કર્યો હતો પરંતુ યુવરાજ બરાડા પાડી સિંહને ઢોરનો શિકાર કરતા રોકી રહ્યો હતો. શિકારની આડે આવેલા યુવરાજની આ હરકતના કારણે સિંહ ઢોરને છોડી યુવરાજ પર ત્રાટક્યો હતો. ઈજાઓ પહોંચાડી સિંહ ફરી બાવળની ઝાડીઓની પાછળ ભાગી ગયો હતો. યુવરાજે સિંહના હુમલાને લઈ મોટાભાઈને મોબાઈલ મારફતે જાણ કરી હતી. બાદમાં ઈજાગ્રસ્ત યુવરાજને કોડિનારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની યોગ્ય સારવાર કરી તેને ભયમુક્ત કરવામાં આવ્યો હતો.
વન વિભાગે પણ સિંહના હુમલાની ઘટનાને ગંભીરતાથી લેતા તાત્કાલિક બે પાંજરા ગોઠવ્યા હતા અને બે સિંહોને પૂર્યા હતા. જોકે ખેડૂતોનો ફફડાટ હજુ શમ્યો નથી. ખેડૂતો કહી રહ્યા છે કે આ વિસ્તારમાં હજુ પણ કેટલાક સિંહો છે. જેના કારણે ખેતરે જવામાં તકલીફ પડી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકના અંતરિયાળ ગામડામાં કેટલા સિંહો માનવ વસાહત બાજુ રખડતા હોય છે, તેના નમૂના રૂપ અવાર નવાર સિંહના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં રહે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
