Homeદે ઘુમા કેકમિન્સ અને સ્ટાર્કે લાહોર ટેસ્ટમાં પાકિસ્તાનની ટીમનું ફિંડલું વાળી દીધું, 20 રનમાં...

કમિન્સ અને સ્ટાર્કે લાહોર ટેસ્ટમાં પાકિસ્તાનની ટીમનું ફિંડલું વાળી દીધું, 20 રનમાં જ 7 વિકેટ પડી જતાં ફજેતી થઈ

Team Chabuk-Sports Desk: લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વચ્ચે ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ રમાઈ રહી છે. જેમાં પાકિસ્તાનની ઘર આંગણે જ મોઢું દેખાડવા જેવી સ્થિતિ નથી રહી. ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સ અને તેના સાથી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે અડધી કલાકમાં મેચનું પાસું બદલી નાખતા પાકિસ્તાનની આખી ટીમને ઘૂંટણીયે લાવી રાખી દીધી હતી. એક મોટા સ્કોર તરફ વધી રહેલી પાકિસ્તાનની ટીમની 10 ઓવરમાં 20 રનની અંદર અંદર સાત વિકેટ પડી જતાં ફજેતી થઈ હતી. પેટ કમિન્સે લાહોર ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ પ્રાપ્ત કરી હતી. મિચેલ સ્ટાર્કે ચાર વિકેટ પોતાના નામે કરી હતી.

પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીને વાઈસ કેપ્ટન સ્ટિવ સ્મિથના હાથે કેચ આઉટ કરાવી પેટ કમિન્સે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી છે. સાથે જ એશિયામાં પ્રથમ વખત ઈનિંગમાં પાંચ વિકેટ પોતાના નામે કરી છે. ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિકેટની સેન્ચુરી પૂર્ણ કરનારો કમિન્સ વિશ્વનો બીજો બોલર છે. આ પૂર્વે ભારતના રવિચંદ્રન અશ્વિને શ્રીલંકા સામે ઘર આંગણે રમાયેલી શ્રેણીમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

વિકેટની સેન્ચુરી પૂર્ણ કરતા બંને બોલર્સને 21 ટેસ્ટ મેચ રમવી પડી. અશ્વિને 47ની સ્ટ્રાઈક રેટથી 100 વિકેટ લીધી જ્યારે કમિન્સે 46ની સ્ટ્રાઈક રેટથી એટલી જ ટેસ્ટમાં 100 વિકેટનો કિર્તીમાન રચ્યો. હવે પેટ કમિન્સ 200 વિકેટથી માત્ર 6 ડગલાં દૂર છે.

વિશ્વના નંબર એક બોલર પેટ કમિન્સના જાદુ આગળ પાકિસ્તાનના બેટર્સ રમવાનું ભૂલી ગયા હતા. લાહોર ટેસ્ટમાં એક સમયે મેચમાંથી પસ્ત થતી દેખાતી ઓસ્ટ્રેલિયાની ટીમે અચાનક પુનરાગમન કર્યું હતું અને પાકિસ્તાનના બેટર્સને ધોળા દિવસે તારા બતાડી દીધા હતા. ત્રીજા દિવસની રમત પૂર્ણ થાય ત્યાં સુધીમાં સુકાની કમિન્સનો સાથ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે આપ્યો હતો. બંનેએ ભેગા થઈ પાકિસ્તાનનું ટીમનું ફિંડલું વાળી દીધું હતું.

કમિન્સે મિચેલ સ્ટાર્કની સાથે ભાગીદારીમાં બોલિંગ કરતા દસ ઓવરમાં સાત વિકેટ લીધી હતી. ત્રીજા દિવસની રમત પૂર્ણ થતાં ઓસ્ટ્રેલિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વિના 11 રન કર્યાં છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 391 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાન 268 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાની પાસે હજુ પણ 134 રનની લીડ છે અને બે દિવસની રમત બાકી છે.

પાકિસ્તાનની ટીમના પતનની વાર્તા

એવું નથી કે પાકિસ્તાનની ટીમે સારો સ્કોર નહોતો કર્યો. પાકિસ્તાને ઘર આંગણે મેચ હોય તેનો ફાયદો ઉઠાવતા ઓસ્ટ્રેલિયાના બોલર્સને કાબૂમાં રાખ્યા હતા. અબ્દુલ્લા શરીફ 81, અઝહર અલી 78 એ પ્રથમ વિકેટનું પતન થયા બાદ ટીમની ઈનિંગને સંભાળી હતી અને બીજી વિકેટ માટે 150 રનની ભાગીદારી નોંધાવી. બાબર આઝમ 67, બેટીંગ કરવા માટે ક્રિઝ પર આવ્યો અને અઝહરની સાથે મળી 44 રનની ભાગીદારી નોંધાવી. એક સમયે ટીમે 214 રન પર ત્રણ વિકેટ ગુમાવી હતી. એ સમયે એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાના સ્કોરને આરામથી ઓળંગી જશે.

એક બાજુ સુકાની બાબર આઝમ અણનમ હતો પરંતુ બીજી બાજુ ધડાધડ વિકેટનું પતન થઈ રહ્યું હતું. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે પાકિસ્તાનની ટીમની અંતિમ 5 વિકેટ માત્ર 4 રનના સરેરાશ અંતરમાં પડી ગઈ. 264ના સ્કોર પર સાજીદ ખાનના રૂપે પાકિસ્તાનને 6ઠ્ઠી વિકેટ પ્રાપ્ત થઈ. એ પછી નૌમાલ અલી, હસન અલી, બાબર આઝમ, નસીમ શાહ માત્ર દસ રનના અંતરમાં જ વિકેટ ગુમાવી પવેલિયન પરત ફર્યાં. આ સાથે જ પાકિસ્તાનના ક્રિકેટ ઈતિહાસનું સૌથી મોટું પતન થયું. પાકિસ્તાને 2003માં કેપટાઉનમાં સાઉથ આફ્રિકાની સામે રમતા માત્ર પાંચ રનની અંદર અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે 247 પર પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ પડી હતી અને બાદમાં આખી ટીમ 252માં ઘર ભેગી થઈ ગઈ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments