IPLની વધુ એક દિલધકડ મેચ અબુ ધાબીના મેદાનમાં રમાઈ હતી. જેમાં દિલ્હીએ હૈદરાબાદને 17 રને હરાવ્યું હતું. કાગીસો રબાડાએ 4 વિકેટ લઈ દિલ્હીની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ ઉપરાંત સ્ટોઈનિસે પણ 3 વિકેટ લઈ દિલ્હીની ટીમને જીતના કિનારે લાવીને રાખી દીધી હતી. આ સાથે જ દસમી નવેમ્બરે દિલ્હી મુંબઈ ઈન્ડિયન્સ સામે ફાઈનલમાં ટકરાશે.
હૈદરાબાદ માટે કેન વિલિયમ્સને 4 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 67 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત અબ્દુલ સામદે 33, મનીષ પાંડેએ 21, પ્રિયમ ગર્ગે 17 રન ફટકાર્યા હતા. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કેન વિલિયમ્સનને સ્ટોઈનિસે પોતાનો શિકાર બનાવ્યો હતો. તો અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી.
સન રાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 3 વિકેટે 189 રન કર્યા હતા. દિલ્હી તરફથી સૌથી વધુ શિખર ધવને 50 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 78 રન ફટકાર્યા હતા.
મેદાન પર હેટમાયરનું બેટ પણ બોલ્યું. હેટમાયરે 22 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા. આ ઉપરાંત સ્ટોઈનિસે 38, કેપ્ટન શ્રેયસ અય્યરે 21 અને રિષભ પંતે ટીમ માટે 2 રન જોડ્યા હતા. સ્ટોઈનીસ અને શિખર ધવને 82 રનની પાર્ટનરશીપ નોંધાવી મજબૂત શરૂઆત કરાવી હતી.
સન રાઈઝર્સ હૈદરાબાદ તરફથી સંદીપ શર્માએ 1, હોલ્ડરે 1 અને રાશીદ ખાને 1 વિકેટ ઝડપી હતી. હૈદરાબાદનો હોલ્ડર સૌથી મોંઘો બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 50 રન આપ્યા. બીજા નંબરે નદીમે 48 રન આપ્યા હતા.
શિખર ધવનની વધુ એક સિદ્ધી
ગબ્બરના હુલામણા નામે ઓળખાતા શિખર ધવને IPLમાં સૌથી વધુ 41 ફિફ્ટી મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. ધવને આ સીઝનમાં 2 સદી સહિત 600થી વધુ રન કર્યા છે. બીજા નંબરે 39 ફિફ્ટી સાથે વિરાટ કોહલી છે.
IPLમાં સૌથી વધુ ફિફ્ટી
IPLમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારો બેટ્સમેન ડેવિડ વોર્નર છે. વોર્નર કુલ 48 વખત હાફસેન્ચુરી ફટકારી ચૂક્યો છે