Homeગુર્જર નગરીકોટડા સાંગાણી: કેવી રીતે ગોળના ઉત્પાદન થકી વીઘે રૂપિયા દોઢ લાખ જેટલી...

કોટડા સાંગાણી: કેવી રીતે ગોળના ઉત્પાદન થકી વીઘે રૂપિયા દોઢ લાખ જેટલી આવક થાય છે?

Team Chabuk-Gujarat Desk: છેલ્લા કેટલાક સમયથી લોકો ખાનપાનની વસ્તુઓ, શાકભાજી, ફળ-ફળાદી સહીત ઓર્ગેનિક વસ્તુઓ પ્રત્યે સજાગ થયા છે. જેના કારણે ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. જેમાં દેશી ઓર્ગેનિક ગોળ પણ હવે લોકોના ભોજનનો ભાગ બન્યો છે. રાજકોટના કોટડા સાંગાણી નગરની આસપાસ ભાડવા અને રાજગઢ ગામે શેરડીનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેને કારણે અહીં જ દેશી ગોળની બનાવટનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.

કેવી રીતે તૈયાર કરે છે?

ગોળનું ઉત્પાદન હજુ પણ પરંપગત રીતે કરવામાં આવે છે. જેમાં ખેતરમાં જ ભઠ્ઠી બનાવી રાબડામાં રસને પકવવામાં આવે છે અને તેમાંથી ગોળનું ઉત્પાદન કરવામાં આવે છે. ભઠ્ઠી ઉપર ત્રણ મોટા તાવડા તૈયાર કરવામાં આવે છે. જેમાં પ્રથમ તાવડામા શેરડીના રસમાંથી કચરો દૂર કરી સફાઈ કરવામાં આવે છે. ત્યાર બાદ આ રસને ઘન સ્વરૂપ આપવા બીજા તાવડામાં નાખી ઉકાળવામાં આવે છે. ઘટ્ટ બનેલા આ રસને ત્રીજા તાવડામાં ઠાલવવામાં આવે છે. રસ એકદમ ઘાટો કણીદાર બની જાય એટલે તેને ખાસ ચોકડીમાં કાઢવામાં આવે છે. અને તેને પાવડીથી સતત વલોવવામાં આવે છે. રસ ઠંડો પડતા તે એકદમ ઘટ્ટ બની જાય છે. જેને ડબામાં અથવા ભીલા બનાવવા માટે ખાસ બીબામાં ઢાળવામાં આવે છે.

વીઘે 100 મણ ગોળનું ઉત્પાદન

ગોળના ઉત્પાદન માટે ખાસ ઉત્તર પ્રદેશથી કારીગરોને બોલાવવામાં આવે છે. જેઓ ગોળ બનાવવામાં નિષ્ણાત હોય છે. ગોળ કરતાં વધેલા શેરડીના છોતરાને સુકવીને બળતણ તરીકે પણ વાપરવામાં આવે છે. કોટડા સાંગાણીના એવા જ એક ગોળ ઉત્પાદક સાગરભાઈ વઘાસીયા જણાવે છે કે, અમારે ૪૦ વીઘામાં શેરડી થાય છે. અહીં પાણી પુષ્ક્ળ પ્રમાણમાં મળી રહે છે તેથી શેરડી મીઠી અને રસદાર હોય છે. જેમાંથી સારા પ્રમાણમાં ગોળનું ઉત્પાદન કરી શકાય છે. વીઘે ૧૦૦ મણ જેટલુ ગોળનું ઉત્પાદન થાય છે. રોજ મોટા ભાગનો તાજેતાજો ગોળ અહીં વાડીએથી જ લોકો લઈ જાય  છે. રાજકોટ  સહીત સમગ્ર રાજકોટ  જિલ્લામાં આ મીઠા ગોળની ખાસ ડીમાન્ડ છે તેમ સાગર ભાઈ જણાવે છે. ૨૦૦ લીટર શેરડીના રસમાંથી ૫૦ કિલો જેટલો ગોળ તૈયાર થાય છે તેમ સાગરભાઈ  જણાવે છે. બાપદાદાના વ્યવસાય સાથે સંકળાયેલા સાગરભાઈ અને તેમનો પરિવાર છેલ્લા ૪૦ વર્ષોથી ગોળનું ઉત્પાદન કરી રહ્યા છે

કોટડા સાંગાણીમાં ક્યાં ક્યાં ઉત્પાદન થાય છે ?

આજ રીતે ભાડવા ગામે પ્રતાપસિંહ અને તેમના પરિવારજનો વર્ષોથી દેશી ગોળની બનાવટ પરંપરાગત રીતે કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, લોકોના આરોગ્યને ધ્યાને રાખી ગોળ બનવવામાં કે પ્રોસેસ કરવામાં કોઈ કેમિકલ નાખવામાં આવતું નથી, ખાસ હાઈજેનીક રીતે ગોળ બનાવવાની સમગ્ર પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. કોટડા સાંગાણીના ખેતી વિસ્તરણ અધિકારી નિલેશભાઈ સાકરીયા જણાવે છે કે, કોટડા સાંગાણી તાલુકા સહીત  આ  પંથકમાં ૧૦ થી ૧૨  હેક્ટરમાં શેરડીનું ઉત્પાદન ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. મોટા ખેડૂતો તેમના ખેતરમાં જ ભઠ્ઠા બનાવી શેરડીમાંથી ગોળનું ઉત્પાદન કરે છે. કોટડા સાંગાણીમાં ચારથી પાંચ, ભાડવામાં એક તેમજ રાજગઢમાં એક મળી છ થી સાત  જગ્યાએ ગોળનું ઉત્પાદન  કરવામાં આવતું હોવાનું તેઓ જણાવે છે.

અને ગોળ બગળતો નથી…

દેશી ગોળના ગ્રાહક અને નેચરોપેથી જાણકાર નિવૃત શિક્ષિકા મંજુલાબેન પંચોલી દર વર્ષે  ખાસ ગોળ લેવા માટે વાડીએ તેમના પરિવારજનો સાથે આવે છે ને આખા વર્ષના  ગોળની ખરીદી કરી લે છે. તેઓ જણાવે છે કે, આ ગોળના ડબામાં દેશી ઘીનો એક ચમચો નાખી દેવાથી આખું વર્ષ ગોળ સારી રીતે જાળવી શકાય છે. અને ગોળ બગડતો નથી. ખાસ કરીને આ ગોળ બાળકો માટે ખુબ લાભદાયી છે. તેઓ રસોઈ અને મીઠાઈમાં મૉટે ભાગે ગોળનો જ વપરાશ કરતા હોવાનું ઉમેરે છે. ખેડૂતો શેરડીની ખેતી અને ગોળના ઉત્પાદન થકી વીઘે દોઢ લાખ જેવી આવક મેળવી લે છે. ત્યારે ખેડૂતો માટે ગોળ મીઠી આમદની પેદા કરવાનું સશક્ત માધ્યમ બન્યું છે. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments