Team Chabuk-Gujarat Desk: હાલ કોરોના મહામારી સામે ઝઝુમી રહેલા અનેક દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. ઓક્સિજનના અભાવે અનેક દર્દીઓના મોત પણ થઈ ચૂક્યા છે. ત્યારે કોરોનાથી સંક્રમિત આવા દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની જરૂર ઉભી થાય તો તાત્કાલિક પૂરી કરી શકાય તે દિશામાં રાજકોટના યુવાનોએ એક પહેલ કરી છે. રાજકોટના યુવા સાહસિકોએ પ્રાયોગિક ધોરણે પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટર બનાવ્યું છે. રાજકોટના યુવાનોએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ આ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટર રજૂ કર્યું હતું.
મુખ્યમંત્રીએ યુવાનોની પહેલને બીરદાવી
મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ફ્રેબી ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડના યુવા એન્જિનિયરોએ આ પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટરનું ગાંધીનગર ખાતે નિદર્શન કર્યુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યુવાઓને તેમની પહેલ બદલ અભિનંદન અને પ્રોત્સાહન આપતાં કહ્યું કે, રાજકોટની આ પહેલ આત્મનિર્ભર ભારત, મેઇક ઇન ગુજરાતને સાકાર કરશે.
એક સાથે બે દર્દીઓને સારવાર આપી શકાશે
મુખ્યમંત્રી સમક્ષ આ પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટનટ્રેટરનું નિદર્શન કરતાં મુકેશ વીરડીયાએ જણાવ્યું કે, ૧૦ લીટર પ્રતિ મિનિટનો ઓક્સિજન ફલો ધરાવતું આ મશીન પ્લગ એન્ડ પ્લે-પોર્ટેબલ છે અને તેના દ્વારા એક સાથે બે દર્દીઓને સારવાર આપી શકાય તે માટે બે ફલો ધરાવતું આ મશીન બનાવવામાં આવ્યું છે.
મુકેશ વીરડીયાએ કહ્યું કે, આ મશીન પ્રાયોગિક ધોરણે ત્રણ દિવસ માટે ટેસ્ટીંગ કર્યા બાદ હવે રશિયન સ્ટાર્ન્ડડ પ્રમાણેના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરી-પરવાનગીઓ મેળવ્યા બાદ જ ફાઇનલ પ્રોડકટ ટ્રાયલ રન માટે તબીબોને આપવામાં આવશે.
મ્યુકોરમાઈકોસિસ રોગ થવાની સંભાવના ઘટશે
રાજકોટના યુવા એન્જિનિયરોએ બનાવેલું આ પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટરથી કોરોના બાદ થતાં મ્યુકોરમાઈકોસિસ જેવા રોગની સંભાવના પણ ઘટી જશે તેવો દાવો કરાયો છે. આ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટરમાં શ્વાસમાં ભેજ આવતો ન હોવાથી ભેજ જન્ય રોગ થવાની સંભાવના ઘટી જશે તેવું કંપની દ્વારા કહેવાયું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિદર્શન નિહાળ્યા બાદ તેમને જરૂરી મંજૂરીઓ મેળવવામાં રાજ્ય સરકાર માર્ગદર્શન આપશે તેમ જણાવ્યું હતું. આ પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટરનું નિદર્શન રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૬ના કોર્પોરેટર બિપીન બેરા સાથે મુકેશ વીરડીયા, રાજેન્દ્રભાઈ, ગોવિંદભાઈ અને ઉમેશભાઈએ મુખ્યમંત્રી સમક્ષ ગાંધીનગર ખાતે કર્યુ હતું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત