Team Chabuk-Gujarat Desk: રમત-ગમત સાથે જોડાયેલા વધુ એક યુવકનું મોત થયું. ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવાનને હાર્ટ એટેક આવ્યો અને મેદાન પર જ તેનું મોત થયું. છેલ્લા એક મહિનાથી ગુજરાતના વિવિધ શહેરોમાં યુવાઓનાં ચિંતાજનક રીતે આકસ્મિક મોત થઈ રહ્યા છે. તેમાં પણ ક્રિકેટ કે ફૂટબોલ રમતા જોતજોતામાં યુવાઓ ઢળી પડે છે અને મોતને ભેટે છે. આ ઘટનાઓ ચિંતામાં વધારો કરી રહી છે તેવામાં અમદાવાદ પાસે ભાડજના શાંતિનિકેતનમાં આવેલા ક્રિકેટ મેદાનમાં એક યુવા જીએસટી ઓફિસરનું મેચ દરમિયાન મોત થયું હતું.
આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અમદાવાદના ભાડજમાં ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી હતી. GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ચાલતી મેચમાં મૂળ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ધામા ગામના વતની વસંત રાઠોડ બોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ગભરામણ થતું હોય તેવી રીતે વર્તન કરી રહ્યા છે. જે બાદ અચાનક જ તેઓ બેસે છે અને પછી પાછા ઊભા થાય છે. પરંતુ તબિયતમાં કંઈ સુધારો ન લાગતા ફરી બેસે છે અને ઢળી પડે છે. જે દરમિયાન ક્રિકેટ રમતા અન્ય ઓફિસર્સ તેમની નજીક દોડી જાય છે. તેમને પાણી આપે છે અને તેમને CPR આપવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તેમને પીઠમાં માલિશ કરવાનો પ્રયાસ કરે છે.
વસંતને એટેક આવ્યો તે પહેલાં મેચમાં શાનદાર બોલિંગ કરી રહ્યા હતા. તેમણે 2.5 ઓવરમાં એક વિકેટ પણ લીધી હતી. ટિંગમાં પણ 14 બોલમાં 16 રન ફટકાર્યા હતા. પહેલી બેટિંગમાં જીએસટીની ટીમ દ્વારા 20 ઓવરમાં 104/10 સ્કોર કર્યો હતો. બીજી બેટિંગમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમનો સ્કોર 7.1 ઓવરમાં 45/4 હતો. જોકે જીએસટી ઓફિસર વસંત રાઠોડને ચાલુ મેચ દરમિયાન જ હાર્ટ અટેક આવતા તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મેચ રોકી દેવામાં આવી હતી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમને વિજેતા જાહેર કરી દેવામાં આવી હતી.
વસંત રાઠોડને હાર્ટ અટેક આવતા સમગ્ર જીએસટી ઓફિસર્સની ટીમ સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. પોતાના સાથી જીએસટી ઓફિસરને આવેલા જીવલેણ હાર્ટ અટેકથી ટીમ સ્તબ્ધ હતી. સાથી ઓફિસરને રમતા-રમતા મળેલા મોતથી સૌ શોકમગ્ન છે. તો વસંત રાઠોડના પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો છે.
મહત્વનું છે કે, છેલ્લા 25 દિવસમાં સાત આવી ઘટના બની ગઈ છે જેમાં ક્રિકેટ કે ફૂટબોલ રમતા રમતા યુવાનો મેદાન પર અથવા રમીને જતી વખતે રસ્તા પર ઢળી પડ્યા હોય. તાજેતરમાં જ એક જ દિવસે રાજકોટ અને સુરતમાં યુવાનોને ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવ્યો હતો અને મેચની ઈનિંગ પહેલાં તેમના જીવનની ઈનિંગ સમાપ્ત થઈ હતી.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા