Team Chabuk-Gujarat Desk: ભાવનગરમાં લોકલ ક્રાઈમ બ્રાંચે એક શંકાસ્પદ બાઈકચાલકને રોકાવ્યો અને જે હકીકત સામે આવી તેને લઈને પોલીસ પણ ચોંકી ગઈ. માત્ર શંકાના આધારે રોકેલો વ્યક્તિ બાઈક ચોર નીકળ્યો. પોલીસે તેની પાસેથી એક-બે નહીં પરંતુ પુરેપુરી 32 સ્પેલન્ડર બાઈક જપ્ત કરી છે.

તસવીરમાં જે વ્યક્તિ હાથ જોડીને બેઠો છે. જેના મોં પર નકલી ભોળપણની રેખાઓ દેખાઈ રહી છે તે વ્યક્તિના ચહેરા પર જરા પણ જવાની જરૂર નથી. કારણ કે, કદાચ એવું બની શકે છે, કે આ સમાચાર વાંચી રહેલા કોઈ વ્યક્તિના બાઈકનું એડ્રેસ આ શખ્સે જ બદલી નાખ્યું હોઈ ! આ શખ્સનું નામ છે રાજુ નટવરલાલ મિસ્ત્રી. આ ભાઈ 54 વર્ષના થઈ ગયા છે પરંતુ તેમની હરકતો જરા પણ ઓછી નથી ! રાજુને બાઈક ચોરીમાં એટલી ફાવટ આવી ગઈ હતી કે 31-31 બાઈક ચોરી લીધી છતાં પોલીસ પકડમાં ન આવ્યો. જો કે, આખરે 32મી બાઈકની ચોરી કરવામાં રાજુને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. પોલીસે તેને ઝડપી લઈ ભાવનગર, અમદાવાદ, સુરત, બોટાદ સહિતના જિલ્લાઓમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. અને 9 લાખ 15 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે વિઠ્ઠલવાડી પેટ્રોલપંપ પાસે તેમણે એક શંકાસ્પદ બાઈકચાલકને રોકાવ્યો હતો. તેનું નામ-સરનામું, ધંધો તથા બાઈકના દસ્તાવેજ તપાસ માટે માગ્યા હતા. આ શખ્સે પોતાનું નામ રાજુ નટવરલાલ મિસ્ત્રી ઉ.54 રે.કૃષ્ણનગર સોસાયટી પ્લોટનં-21 ધોળકા રોડ બાવળા ગામ હાલ ધંધૂકા તાલુકાના રાયકા ગામે ભાડાના મકાનમાં હોવાનું જણાવ્યું હતું. જો કે, રાજુ બાઈકના કાગળો અંગે સંતોષકારક જવાબ ન હતો આપી શક્યો. જેથી તેને પોલીસ મથકે લવાયો હતો અને સઘન પૂછપરછ કરાઈ હતી. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, તેના કબજામાં રહેલી બાઈક ચોરી કરેલી છે.

એલસીબીના જવાનોએ વધુ પૂછપરછ કરતાં તેણે ભાવનગર, સુરત, અમદાવાદ, બોટાદ સહિતના જિલ્લામાંથી કુલ 32 બાઈક ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. રાજુ માત્ર સ્પ્લેન્ડર બાઈકની જ ચોરી કરતો હતો. હાલ પોલીસે આ સમગ્ર કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
