Team Chabuk-Gujarat Desk: દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ દેવોના દેવ મહાદેવ સોમનાથ દાદાને (Somnath temple) શીશ નમાવી મહાશિવરાત્રી (mahashivratri) પર મહાદેવની અનુકંપા પ્રાપ્ત કરવા લાખો શ્રદ્ધાળુ સોમનાથમાં ઉમટી પડ્યા હતા. મહાશિવરાત્રીએ વહેલી સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. જે દરમિયાન સાંજે 6:00 વાગ્યા સુધીમાં 50000 થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. દેશના પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યાત્રી સુવિધાઓનો વિસ્તાર કરવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત નવી પ્રવેશ વ્યવસ્થા અનુસાર ક્લોકરૂમ, શુઝ હાઉસ, પૂજા વિધિ કાઉન્ટર અને ફ્રીસ્કિંગ સુવિધા સુધી હરોળમાં આવી હોય લોકોએ ખૂબ જ સરળતાથી પૂર્વક સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.
પી.કે.લહેરી દ્વારા પાલખી પૂજન અને ધ્વજા પૂજા કરી મહાશિવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે રાજ્ય સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ મંત્રી મુળુ બેરા પણ પૂજનમાં જોડાયા હતા અને મહાદેવની ધજા પૂજા કરી ધન્ય થયા હતા. આ મહોત્સવમાં દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને અને પૂજા અર્ચના કરી પુણ્ય અર્જિત કરવા સોમનાથ પહોંચ્યા હતા. આજના વિશેષ અવસર પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા અને સોમનાથ મહદેવનું ધ્વજારોપણ કરી ધન્ય થયા હતા.

મહાશિવરાત્રીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિક્રમ જનક 5000 ભક્તો સાથે 1000 પરિવારોને મારુતિ બીચ ખાતે પંચમહાભૂતનો અનુભવ કરાવતી પાર્થેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટના વિઝન સાથે સોમનાથ ટ્રસ્ટ ઇકો ફ્રેન્ડલી અને ઝીરો વેસ્ટ પૂજા તરીકે પાર્થિવેશ્વર શિવલિંગ પૂજા શ્રદ્ધાળુઓને કરાવે છે. માટીનું બનેલું શિવલિંગ સનાતન ધર્મમાં પ્રકૃતિ પ્રેમ અને સ્વચ્છતા તેમજ ત્યાગનું પ્રતિક હોય વેદોક્ત મંત્રોચાર સાથે પૂજન તો કરાવવામાં આવ્યું જ સાથે સાથે શિવજીને પ્રિય આ શ્લોકોનો ભાવાનુંવાદ કરીને દર્શનાર્થીઓને પૂજા પદ્ધતિની તલસ્પર્શી માહિતી પણ આપવામાં આવી હતી. આ પૂજાનો ભાગ બની 1,000 પરિવારો ધન્ય બન્યા હતા.
શ્રી સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના પ્રતિક રૂપને પાલખીમાં વિરાજમાન કરી ભવ્ય પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે હજારો શ્રદ્ધાળુ જોડાયા હતા.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ પરંપરા અનુસાર શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના યજમાન પદે સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ભારત દેશના શાંતિ સુખાકારી અને વિકાસની પ્રાર્થના સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસની કૃષ્ણ ત્રયોદશી પર આ યજ્ઞ કરવામાં આવે છે જે વિશેષ ઉલ્લાસ સાથે મહાશિવરાત્રીના પાવન પરવે પણ કરવામાં આવ્યો હતો.
આજના દિવસમાં સોમનાથ મંદિરમાં 101 સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી. સાથે સાથે સોમનાથના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક 56 ધ્વજા સોમનાથ મંદિરના શિખર પર આરોહિત કરવામાં આવી હતી. શિવજીને અત્યંત પ્રિય રુદ્રાષ્ટાધ્યાય એટલે કે રુદ્રાભિષેકના 2161 પાઠ કરવામાં આવ્યા હતા. સાથે સાથે આજના દિવસ દરમિયાન કુલ 68 લઘુરુદ્ર યજ્ઞ પણ સંપન્ન થયા હતા.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર