Homeગુર્જર નગરીજૂનાગઢઃ ઈતિહાસમાં પ્રથમ વખત પાણીના ભાવે કેરી વેચાઈ

જૂનાગઢઃ ઈતિહાસમાં પ્રથમ વખત પાણીના ભાવે કેરી વેચાઈ

Team Chabuk-Gujarat Desk: વાવાઝોડાના કારણે સૌથી મોટું નુકસાન કેરીના પાકને થયું છે. ઘણી જગ્યાએ આખા આંબા મૂળમાંથી ઉખડી ગયા છે તો ઘણી જગ્યાએ ડાળીઓ સમેત કેરીનો પાક ખરી પડ્યો છે. જેના કારણે કેરીના ભાવ તળિયે પહોંચી ગયા છે. માર્કેટિંગ યાર્ડોમાં કેરી બટેટા-ટામેટાના ભાવે વેચાઈ રહી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ઈતિહાસમાં સૌપ્રથમ વખત કેરી 5 રૂપિયે કિલો વેચાઈ છે. પાણીના ભાવે કેરી વેચવી પડતી હોવાથી કેરીની બાગ ધરાવતા ખેડૂતો, ઇજારાદારોની આર્થિક હાલત ખૂબ જ કફોડી બની છે.

તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર પંથકમાં તબાહી મચાવતા ઠેર ઠેર કેરીનો પાક ખરી પડ્યો છે. આંબા પરની કિંમતી કેરીઓ ખરી પડતાં તેના ભાવ સાવ ગગડી ગયા છે. વાવાઝોડાના કારણે ખરી પડેલો કેરીનો પાક હાલ ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવી રહ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે 60 હજારથી વધુ કેરીના બોક્સ વેચાણ માટે આવ્યા હતા. પરંતુ મોટા પ્રમાણમાં કેરી વેચાણમાં આવતા કેરીના ભાવ સાવ ઓછા બોલાયા હતા.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખતે કેરીના 5 રૂપિયાથી 8 રૂપિયા કિલોના ભાવ બોલાયા હતા. એટલે કે 10 કિલો કેરીના બોક્સના માંડ માંડ 50 રૂપિયાથી 80 રૂપિયા બોલાયા હતા. આ અંગે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા 1200 થી 1500 રૂપિયા કેરીનું બોક્સ વેચાતું હતું. ત્યારબાદ વાવાઝોડા પહેલા આ જ બોક્સ 500 થી 700 રૂપિયામાં વહેંચાયા હતા અને હવે વાવાઝોડા બાદ આજે મોટી માત્રામાં આવક થતાં કેરીના બોક્સના ભાવ 50 રૂપિયાથી 80 રૂપિયા થઈ ગયા છે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીનું વેચાણ કરવા આવેલા ખેડૂતો પાણીના ભાવે હાલ કેરી વેચી રહ્યા છે. વાવાઝોડાએ ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો છે. ખેડૂતોના ચહેરા પર ચિંતા સાફ જોવા મળી રહી છે. ખેડૂતો કહી રહ્યા છે કે કોરોનાના કારણે મજૂરો પણ મળતાં ન હોવાથી મોંઘી મજૂરી ચૂકવી હતી. ઉપરથી વાવાઝોડાએ આંબા પરની કેરીઓ ખેરવી નાખી છે. મોટા ભાગની કેરીઓ નીચે ખરી ગઈ છે. ખરી ગયેલી કેરીઓ અમારે શાકભાજીના ભાવે વેચવાનો વારો આવ્યો છે. ઘણા આંબા પણ આખે આખા પડી ગયા હોવાથી આ વર્ષે અમારે ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે.

માર્કેટિંગ યાર્ડમાં કેરી વેચવા આવેલા ખેડૂતોની માગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરીને સહાય ચૂકવવામાં આવે. સોરઠ પંથકના મેંદરડા, સાસણ, વંથલી, કેશોદ અને જૂનાગઢ આસપાસના ગામડાઓમાં તથા જંગલ વિસ્તારમાં કેસર કેરીનું મોટી માત્રામાં ઉત્પાદન થાય છે. આ કેરી દેશ-વિદેશમાં પણ મોકલવામાં આવતી હોય છે. ત્યારે ફળોના રાજા કહેવાતી આ કેરી ખરી પડતાં કેરી રસીકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments