Team Chabuk Gujarat Desk: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને જ્યાં એક બાજુ રાજકીય દાવપેચ ચાલી રહ્યા છે તો બીજી તરફ હવે પ્રજા પણ પોતાના વિસ્તારોમાં ન દેખાનાર ઉમેદવારો અને તેઓની સમસ્યાઓના અત્યાર સુધી હલ ન કરનાર રાજકીય પાર્ટીઓ સામે બાયો ચઢાવી છે..
ઊના તાલુકાના ખજુદ્રા ગામમાં શાહી નદી પર નાળુ ન બનાવાતા સ્થાનિકો રોષે ભરાયા છે અને ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવારની રજૂઆત છતાં ન તો તંત્રએ ધ્યાન દીધુ છે ન તો સત્તાધારી પક્ષે કે વિપક્ષે આ તરફ ડોકીયું કર્યું છે. ખજુદ્રા ગામના સામા કાંઠા વિસ્તારના લોકોને નાળુ ન બનતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દાની રજૂઆત કરવા માટે સ્થાનિકો એકવાર ફરી ખજુદ્રા ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને સરપંચ ભાણજી સોલંકીને રૂબરૂ આવેદનપત્ર આપી ફરી એકવાર રજૂઆત કરી હતી. બીજી તરફ પોસ્ટ દ્વારા ઊના પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ એક બે નહીં પરંતુ સતત પાંચ વર્ષથી અમે રજૂઆત કરી રહ્યા છીએ છતાં સમસ્યા જૈસે થે જ છે. ખાસ કરીને ખજુદ્રા ગામથી ગરાળ બાયપાસ રસ્તો શાહી નદી પરથી પસાર થાય છે જેના કારણે ચોમાસા દરમિયાન હજારો લોકોને આ નદી પાર કરવી પડે છે.

અત્યાર સુધી બેથી ત્રણ લોકો શાહી નદીના પૂરમાં તણાયા છે. સ્થાનિકોનું કહેવું છે કે, આટલી મોટી દુર્ઘટના છતાં તંત્રની આંખ ખુલતી નથી તો નેતાઓ પણ આ મુદ્દે ઊંઘી જ રહ્યા છે. માત્ર માણસો જ નહીં આ નદીએ પુલ કે નાળુ ન હોવાથી અનેક પશુનો પણ ભોગ લીધો છે.
સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે, ચૂંટણી સમયે નેતાઓ મોટા-મોટા વચનો આપીને જતાં રહે છે પરંતુ એકવાર ચૂંટણી પતી ગયા પછી ન તો કોઈ નેતા અહીં દેખાય છે કે ન તો તેમની પાર્ટીઓનો એક પણ કાર્યકર્તા. એટલે જ સ્થાનિકો આ વખતે મક્કમ બન્યા છે અને પૂલ નહીં તો મતદાન નહીંના સૂત્રો સાથે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ વખતે અમને માત્ર વચનો જ નહીં પરિણામ પણ જોઈએ છે.
મેટ્રો શહેરના સ્થાનિકો પણ આપી ચુક્યા છે ચૂંટણીના બહિષ્કારની ચીમકી
સુરતના મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં.24ની આશાપુરી સોસાયટીમાં સ્થાનિકોએ “સુવિદ્યાઓ નહીં ત્યાં સુધી મત નહીં”ના બેનરો લગાડ્યા છે. આ સાથે બેનરો પર સોસાયટીની સમસ્યાઓ પણ લખવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો દ્વારા પાયાની જરૂરિયાતોને લઈને માગ કરવામા આવતી હતી પરંતુ તંત્ર તથા સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. આખરે ચૂંટણી આવતા સ્થાનિકો દ્વારા બેનરો લગાડી રાજકીય પક્ષોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે.
સુરતના બારડોલીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા હતા. વોર્ડ નં-4ની ગોવિંદનગર સોસાયટીમાં રસ્તા, સફાઇ, પાણી મુદ્દે સોસાયટીના મતદારોમાં નારાજગી છે. સ્થાનિકોના કામ નહીં થાય તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. બેનરમાં રાજકીય નેતાઓને સોસાયટીમાં ન પ્રવેશવાનો ઉલ્લેખ કર્યો છે. ગોવિંદનગર સોસાયટીમાં 300થી વધુ મતદારો રહે છે.
રાજકોટ શહેરના વધુ એક વિસ્તારમાં સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં.11ના હેમાદ્રી પાર્કના સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાના અભાવને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. છેલ્લા દોઢ મહિનાથી વિસ્તારના રોડને ખોદી નાખ્યા બાદ તેને બનાવવામા જ આવ્યો નથી તેને લઈને સ્થાનિકો દ્વારા અનેકવાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ અધિકારીઓએ સ્થાનિકોની એક પણ વાત સાંભળી ન હતી તો કોર્પોરેટર પણ સ્થાનિકોની મદદે ન આવ્યા હોવાનો આરોપ છે. હવે વારો સ્થાનિકોનો છે.
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના શાસ્ત્રીનગરના રહેવાસીઓએ ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે. રાજકોટ વોર્ડ નં.1માં આવેલ શાસ્ત્રીનગર ખાતે રહેતા લોકો 20 વર્ષથી રસ્તા, ગટર,પાણી જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે. નારાજ સ્થાનિકોએ હવે ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
ભાવનગરમાં મૂડકીધાર ગામે સ્થાનિકોએ સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગામમાં ST બસની સુવિધા બંધ હોવાનો ગામ લોકોનો આરોપ છે. પાલીતાણાના TDOને ચૂંટણી બહિષ્કારની લેખિતમાં જાણકારી આપી હતી. સાથે જ બસની વ્યવસ્થા વહેલી તકે કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગણી કરી હતી. અગાઉ પણ મૂડકીધાર ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરી ચુક્યા છે.
મહીસાગરના ખાનપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ખાનપુરના બાકોર ગામના લોકો દ્વારા રસ્તા અને પાણીની માગને લઈને સાંસદ, ધારાસભ્ય સહિત વહીવટી તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતા તંત્રએ કોઈ દરકાર લીધી નહીં.. તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક ધક્કા ખાધા બાદ પણ કામ ન થતાં હવે ગ્રામજનોએ કંટાળીને ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો છે.. ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી રાજકીય લોકોને ગામમાં આવવાની મનાઈ ફરમાવી દીધી છે.
ભરૂચ શહેરના વોર્ડ નંબર 11માં અનેક સ્થળે ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગ્યા છે. અને રાજકીય પાર્ટીઓને આ વિસ્તારોમાં પ્રચાર પણ ન કરવા આવવાની સ્પષ્ટ ચીમકીઓ સ્થાનિકોએ ઉચ્ચારતા રાજકીય માહોલ ગરમાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત