Team Chabuk National Desk: દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે વાહનચાલકોના ખિસ્સા પર વજન પડી રહ્યો છે. ઇંધણના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. તેવામાં હવે ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં સીએનજીથી ચાલતું પ્રથમ ટ્રેક્ટર આજે લોન્ચ થયું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, સીએનજી ટ્રેક્ટરથી ખેડૂતને દર વર્ષે દોઢ લાખથી બે લાખ રૂપિયાનો ફાયદો થશે. ખેડૂતો આ ટ્રેક્ટરને સીએનજીથી ચલાવી શકશે. તેથી ડીઝલનો વપરાશ ઓછો થશે.
સીએનજીથી ચાલતા દેશના પ્રથમ ટ્રેક્ટરનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે આ સીએનજી ટ્રેક્ટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલા લોન્ચિંગ કાર્યક્રમમાં દેશના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પુરુષોત્તમ રૂપાલા, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને વી.કે. સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. આ સીએનજી ટ્રેક્ટરમાં રાવમેટ ટેક્નો સોલ્યૂશન્સ અને ટોમાસેટો એશિલ ઇન્ડિયા દ્વારા સીએનજી કિટ લગાવવામાં આવી છે. સીએનજીના ભાવ ડીઝલ કરતાં ઘણા ઓછો હોવાથી તેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે. ડીઝલના હાલ ભાવ 78 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે જ્યારે સીએનજીની કિંમત 42 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ છે. પેટ્રોલ- ડિઝલના વધી રહેલા ભાવની સામે ખેડૂતોને સીએનજી ટ્રેક્ટરનો વિકલ્પ મળતાં ખેડૂતોના ખેતી ખર્ચમાં ઘટાડો થશે.
લોન્ચિંગ કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું કે, ‘આ ટ્રેક્ટર ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે. વર્ષભરમાં એક ટ્રેક્ટર પાછળ ખેડૂતને લગભગ ત્રણ લાખ રૂપિયાનું ડીઝલ વાપરવું પડે છે. ત્યારે સીએનજી ટ્રેક્ટરથી ખેડૂતોને લગભગ દોઢ લાખ રૂપિયાની વર્ષે બચત થશે. હાલ એક ટ્રેક્ટરના ઇંધણ પાછળ દરરોજના 1800 રૂપિયા ખર્ચ થઈ રહ્યો છે. જે સીએનજીમાં 940 રૂપિયા જ ખર્ચ થશે.’ ગડકરીએ કહ્યું કે, ‘ખેડૂતો પણ બાયો સીએનજી ઉત્પન્ન કરીને ટ્રેક્ટરમાં ઉપયોગ કરી શકશે. ખેડૂતો ખેતરમાં પાક લણી લીધા બાદ વધતા પરાલીને સળગાવવાની જગ્યાએ તેમાંથી બાયો સીએનજી પેદા કરી શકશે. બાયો સીએનજી પંપ ખુલવાથી રોજગારી પણ વધશે.’
ગડકરીએ બાયો સીએનજીથી ચાલતા ટ્રેક્ટર અંગે વાત કરતાં કહ્યું કે, ‘આજે જે દેશનુ પ્રથમ સીએનજીથી ચાલતું ટ્રેક્ટર લોન્ચ કરાયું છે તે મારું પોતાનું જ છે. કંપનીએ તેના પર મહેનત અને સંશોધન કરીને તેમાં સીએનજી કીટ લગાવીને કન્વર્ટ કર્યું છે. અન્ય ખેડૂતો પણ હવે પોતાના ડીઝલથી ચાલતા ટ્રેક્ટરને સીએનજીમાં કન્વર્ટ કરાવી શકશે.’
સીએનજી ટ્રેક્ટરના ફાયદા
સીએનજી ટ્રેક્ટરથી ખેડૂતોને સીધો ફાયદો થશે. ખેડૂતોનો ઇંધણ પાછળ થતો ખર્ચ ઘટશે. ડીઝલની સરખામણીએ સીએનજીમાંથી 70 ટકા કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે. જેથી સીએનજી ટ્રેક્ટરથી પ્રદુષ્ણ પણ ઘટશે. દાવો કરવામાં આવ્યો છે કે સીએનજી ટ્રેક્ટરની લાઈફ ડીઝલ એન્જિન ટ્રેક્ટર કરતાં વધુ હશે. એવરેજ પણ ડીઝલ ટ્રેક્ટર કરતાં વધુ આપશે. નીતિન ગડકરીના કહ્યા મુજબ સીએનજી ટ્રેક્ટરથી ખેડૂતો દર વર્ષે અંદાજે 1.5 લાખથી વધુ રૂપિયાની બચત કરી શકશે. એટલે કે ડીઝલ ટ્રેક્ટર પાછળ જે ઇંધણ અથવા અન્ય ખર્ચ થતો હતો તેનાથી સીએનજી ટ્રેક્ટરમાં ખર્ચ ઓછો થઈ જશે.
સીએનજી ટ્રેક્ટર કેટલું સફળ થશે ?
ભારત ખેતી પ્રધાન અને ગામડાનો દેશ છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો હાલ ડીઝલથી ચાલતા ટ્રેક્ટરોથી ખેતી કામ કરી રહ્યા છે. ત્યારે હવે સીએનજી ટ્રેક્ટરનો વિકલ્પ આવતા ખેડૂતો તેને અપનાવશે કે કેમ તેના પર પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે. કેમ કે ડીઝલ માટેના પંપ પણ ગામડાઓમાં નથી. જો કે ખેડૂતો એક સાથે બેરલમાં ડીઝલ ભરીને આખું વર્ષ ચલાવતા હોય છે. વારંવાર તેઓ ટ્રેક્ટર લઈને પેટ્રોલ પંપ સુધી જતાં નથી પરંતુ સીએનજી ટ્રેક્ટરમાં આ શક્ય નહીં બને. કેમ કે ડીઝલની જેમ સીએનજી ગેસનો સંગ્રહ કરવો અઘરો છે. તેથી સીએનજી પૂરાવવા માટે ખેડૂતોને નજીકના સીએનજી પંપ પર વારંવાર જવું પડી શકે છે. આથી પ્રશ્ન છે કે શું સીએનજી ટ્રેક્ટરનો કોન્સેપ્ટ સફળ થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત