Team Chabuk-Gujarat Desk: ગઈકાલે કોંગ્રેસ નેતા અર્જુભાઈ મોઢવાડિયાએ ગુજરાતમાં ભાજપના રાજમાં દારૂબંધીની ફજેતી થઈ હોય એવો વીડિયો મૂક્યા બાદ તુરંત ચાબુકે આપને માહિતી આપી હતી. હવે સરકારી કચેરીમાં દારૂકાંડની ઘટનામાં તલાટીનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો મહીસાગર જિલ્લાના ડેભારી ગામના તલાટી મહેશ ચૌહાણનો છે, જેઓ ગ્રામ્યજનોના કામ કરવાની જગ્યાએ દારૂની મહેફિલ માણી રહ્યા છે. ફરી એક વખત ગુજરાત સરકારની આબરુને ડાઘ લાગ્યા છે, કારણ કે વારંવાર ગુજરાતમાં દારબંધી હોવાના બણગા ફૂંકતી ગુજરાત સરકારને આ વખતે એમના જ એક સરકારી કર્મચારીએ ઉઘાડા પાડી દીધા છે.
પાંચ લોકોની જામી હતી મહેફીલ
વાઈરલ વીડિયોમાં તલાટી સિવાય અન્ય ચાર લોકો મહેફીલ માંડીને બેઠા છે. દારૂબંધીના લીરેલીરા અહીં ઊડી રહ્યાની સાબિતી એ વાતથી મળે છે કે ગ્રામપંચાયતની આસપાસ ખાલી બોટલના ટીનના કેન પણ મળી આવ્યા છે. બીજી બાજુ તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરી ત્યારે તેમને કોઈ પણ માદક ચીજવસ્તુઓ હાથ નહોતી લાગી. જે વાત શંકાના દાયરામાં આવે છે.
શું કહે છે તાલુકા વિકાસ અધિકારી ?
તાલુકા વિકાસ અધિકારી બી.કે.કટારાએ જણાવ્યું હતું કે, ‘ડેભારી ગ્રામ પંચાયતના તલાટી રમેશ ચૌહાણની દારૂની મહેફિલનો વીડિયો વાઇરલ થયો છે. જે વાઇરલ વીડિયોને લઈ ડેભારી ગ્રામ પંચાયતની તપાસ કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતની આજુબાજુમાં કોઈ પણ પ્રકારના માદક પ્રકારની ચીજવસ્તુઓ જોવા મળી નથી તેમજ વિરપુર પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે ત્યારે તપાસ દરમ્યાન જે પણ હશે તેની જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવશે.’
તલાટી અમારી પાસે બોટલ માગે છે: સ્થાનિકો
હાલ આ ઘટનામાં તલાટીના લોહીનું પરીક્ષણ કરવા નમૂનો લેવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી થશે. એવું વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.વી. છાસટીયા સાહેબે જણાવ્યું હતું. આ મુદ્દે તેમણે વીડિયો અંગે કહ્યું કે, વીડિયો ક્યારનો છે તે ચોક્કસ જાણી શકાયું નથી. બીજી બાજુ સ્થાનિકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે વાઈરલ વીડિયો સાચો છે. અમે કામ માટે જઈએ છીએ ત્યારે તલાટી દારૂની બોટલો માગે છે. ગામ લોકો એક જ રટણ કરી રહ્યા છે કે આ તલાટીને બદલો અને બીજો કોઈ સારો તલાટી આપો. જેથી અમારા કામ થાય.
કોંગ્રેસ નેતાએ શું કહ્યું ?
ગઈકાલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આ વીડિયો ફેસબુકના માધ્યમથી શેર કર્યો હતો અને ઘટના પ્રકાશમાં લાવી હતી. ફેસબુક પર કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ લખ્યું હતું કે, ‘ગુજરાતમાં દારૂબંધીને ભાજપ સરકારે એવી ક્રુર મજાક સમાન બનાવી દીધી છે કે હવે બેરોકટોક કર્મચારીઓ ઓન ડ્યુટી સરકારી કચેરીમાં દારૂની મહેફીલ માણે છે.’ વીડિયોમાં જોઈ શકાય છે કે ટેબલ પર એક પાણીની બોટલ છે અને એક વ્યક્તિ ગ્લાસમાં બીજી બોટલથી કશુંક ઠલવી રહ્યો છે. આ વીડિયો અગિયાર સેકન્ડનો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
