Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ભાજપે રૂપાણી સરકારને ઘરે બેસાડીને નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યની કમાન સોંપી છે. મંત્રીમંડળ પણ નવું બન્યું છે. નવા બનેલા મંત્રીઓ હાલ જનતાના આશીર્વાદ લેવા માટે જન આશીર્વાદ યાત્રાએ નીકળ્યા છે. ત્યારે સુરતમાં નવા મંત્રીઓની જન આશીર્વાદ યાત્રાને જનતાના રોષનો સામનો કરવો પડ્યો છે. સુરતમાં મંત્રી વિનુ મોરડિયા અને મુકેશ પટેલ સામે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.
વિનુ મોરડિયાના બેનરો ફાડવામાં આવ્યા
જન આશીર્વાદ યાત્રાને લઈને સુરતના કતારગામ વિસ્તારમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણમંત્રી વિનુ મોરડિયા નીકળ્યા હતા. કતારગામ વિધાનસભા મત વિસ્તારની અંદર મંત્રી બન્યા બાદ વિનુ મોરડિયા પ્રથમ વખત આવ્યા હતા. તેમનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે તેમના જ મતવિસ્તાર એવા કતારગામ વિસ્તારમાં લાગેલા વિનુ મોરડિયાના બેનરો ફાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી વિનુ મોરડિયાના બેનરો ફાડવાને લઈને અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે, એવી પણ ચર્ચા થઈ રહી છે કે વિનુ મોરડીયાને લઈને તેના જ વિસ્તારના લોકોમાં તેમની કામગીરીને લઇને પણ રોષ છે. તેમના વિસ્તારમાં નીકળી જન આશીર્વાદ યાત્રાને પણ જોઈએ એવો પ્રતિસાદ મળ્યો ન હતો. સિંગણપોર ચાર રસ્તા તરફના બેનરો પણ ફાટેલા જોવા મળતા રાજકીય ચર્ચા પણ શરૂ થઈ છે. આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખૂબ જ સક્રિય છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મોડી રાતે આ બેનરો ફાડવામાં આવ્યા હોય તેવી પણ ચર્ચા થઈ રહી છે.
ઓલપાડમાં રાજ્ય કૃષિમંત્રી મુકેશ પટેલનો વિરોધ
તો આ તરફ મંત્રી બન્યા બાદ જનતાના આશીર્વાદ લેવા માટે પોતાના મતવિસ્તાર ઓલપાડમાં નીકળેલા રાજ્ય કૃષિ અને ઊર્જા મંત્રી મુકેશ પટેલને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મુકેશ પટેલ પોતાના મતવિસ્તારમાં જન આશીર્વાદ યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે ઓલપાડ તાલુકાના કુવાદ ગામ ખાતે જન આશીર્વાદ યાત્રા પહોંચતા ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ગામ લોકોનું કહેવું છે કે, સિદ્ધનાથ ટેમ્પલ બોર્ડ દ્વારા મંદિર પરિસરમાં ધાર્મિક અને કર્મકાંડની વિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બાબતને લઈને મુકેશ પટેલને અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં કામ થઈ શક્યું નથી.

આ મુદ્દાને લઈને કોંગ્રેસના કાર્યકરો તેમજ સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ મુકેશ પટેલના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય તે પ્રકારની સ્થિતિ પણ ઉભી થઈ હતી. જો કે પોલીસે વિરોધ નોંધાવતા લોકો દૂર ખસેડીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત