Homeગુર્જર નગરીગીર સોમનાથઃ ધારાસભ્યએ કહ્યું, સરકારે અમારી વાત સાંભળી હોત તો આ દિવસો...

ગીર સોમનાથઃ ધારાસભ્યએ કહ્યું, સરકારે અમારી વાત સાંભળી હોત તો આ દિવસો જોવા ના પડત

શૈલેષ નાઘેરા: વેરાવળમાં કાર્યરત જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલ ખુદ બીમાર પડી ગઈ છે. કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના અભાવે દર્દીને રઝળવું પડી રહ્યું હોવાનો દર્દીના પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે. એવામાં વેરાવળના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં દર્દીઓ વિશે માહિતી મેળવી હતી.

હોસ્પિટલના અધિકારીઓએ આપેલી માહિતી અંગે ખુદ વિમલ ચુડાસમા પણ ચોંકી ઉઠ્યા હતા અને કહ્યું હતું કે, જો સરકાર અને આરોગ્ય મંત્રીએ અમારી વાત સાંભળી હોત તો આ દિવસ  ન જોવા પડ્યા હોત.

અધિકારીઓએ વિમલ ચુડાસમાને કહ્યું હતું કે, છેલ્‍લા 16 દિવસમાં હોસ્પિટલમાં 39થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. હોસ્પિટલમાં કેટલાક બેડ ખાલી હોવા છતાં ઓક્સિજનના અભાવે સિમિત સંખ્યામાં સારવાર આપી શકાય છે. વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યો કે, ગીર સોમનાથના દર્દીઓની આ હાલત માટે સરકાર અને આરોગ્યમંત્રી જ જવાબદાર છે.

વેરાવળની કોવિડ હોસ્પિટલની મુલાકાત અંગે વિમલ ચુડાસમાએ કહ્યું કે, અત્રેની સિવિલ હોસ્પિટલમાં એમ.ડી.જેવા નિષ્‍ણાત તબીબોની નિમણૂક કરવા, સિટી સ્‍કેન મશીન મુકવા જેવી દર્દીઓની જરૂરિયાતની સુવિધા વધારવા તાજેતરમાં વિધાનસભા સત્ર દરમિયાન જ રાજય સરકાર અને આરોગ્યમંત્રીને લેખિત-મૌખિક રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો હોવાથી હોસ્પિટલમાં વહેલી તકે ખુટતી તમામ સુવિધાઓ પુરી પાડવા માંગણી કરી હતી. તેમ છતાં સરકાર અને મંત્રીએ કોઇ ધ્યાન ન આપ્યું હાલ ગીર સોમનાથના દર્દીઓ પરેશાની ભોગવી રહયા છે.તેમણે કહ્યું કે, હાલ હોસ્‍પિટલમાં 75 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે અને અમુક દર્દીઓ વેઇટીંગમાં છે.

14 એપ્રિલે વેરાવળ કોવિડ હોસ્પિટલની સ્થિતિ અત્યંત દયનીય હતી. આ દિવસે વેરાવળમાં સારવાર દરમિયાન કુલ 8 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.ગીર સોમનાથ જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. શુક્રવારે વધુ 32 કેસ નોંધાયા છે.

વેરાવળમાં કોરોનાના કેસ વધવા પાછળનું કારણ લોકોની બેદરકારી પણ છે. શહેરમાં કેટલાક લોકો માસ્ક વગર જ બેફામ ફરી રહ્યા છે. તો સ્વૈચ્છિક લૉકડાઉન પણ નિષ્ફળ ગયું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકોએ જાગૃત બનવું પડશે અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments