Team Chabuk-Gujarat Desk: કોરોનાના દર્દીઓ માટે પ્રાણ રક્ષક બની ગયેલા રેમડેસિવિર ઇન્જેક્શનની રાજ્યભરમાં વિપુલ માત્રામાં માગ છે. ઘણી જગ્યાએ લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે લાંબી લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે, તો ઘણી જગ્યાએ ધક્કા ખાવા છતાં રેમડેસિવિર ઇન્જેક્શન મળતાં નથી. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં આ ઇન્જેક્શનની અછત હોવાની પણ ફરિયાદો સામે આવી છે. ઘણી જગ્યાએ દર્દીઓની સ્થિતિનો લાભ લઈ કાળાબજારીયાઓ પણ એક્ટિવ થઈ ગયા છે. આફતને અવસર બનાવી આવા લોકો રેમડેસિવિર ઇન્જેક્સન મોંઘા ભાવે વેંચી રહ્યા છે. જો કે વલસાડ જિલ્લામાં કલેક્ટરે એવી વ્યવસ્થા ગોઠવી છે કે કોઈપણ વ્યક્તિને રેમડેસિવિર ઇન્જેક્શન માટે ભટકવું નહીં પડે.
સરકારના આદેશ પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણ માટે વલસાડ જિલ્લા કલેક્ટરે સુવ્યવસ્થિત વિતરણ વ્યવસ્થા ગોઠવી છે. જેથી હવે વલસાડ જિલ્લામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નિમાયેલી કમિટી દ્વારા જ ઇન્જેક્શન પૂરા પાડવામાં આવશે. આ કમિટિ દ્વારા જ હવેથી રેમડેસિવિર ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવશે. આ વ્યવસ્થા ગોઠવાતા હવે દર્દીના સંબંધીઓને ઇન્જેક્શન માટે હોસ્પિટલ કે મેડિકલ સ્ટોરના ધક્કા ખાવામાંથી મૂક્તિ મળશે.
કેવી રીતે મળશે ઇન્જેક્શન
વલસાડ કલેક્ટર દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી કોવિડ-19 દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલોને સીધો જ ઇન્જેક્શનનો જથ્થો પૂરો પાડવામાં આવશે. આ માટે કોવિડ હોસ્પિટલોને વલસાડ જિલ્લા કલેક્ટર ઓફિસ અને આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલા ઇમેઈલ આઈડી અને વોટ્સએપ નંબર પર સાંજે ચાર વાગ્યા સુધીમાં દાખલ દર્દીઓની પરિસ્થિતિ મુજબ કેટલા ઇન્જેક્શનની જરૂરિયાત છે તે જણાવવાનું રહેશે. હોસ્પિટલોએ પોતાના લેટરહેડ પર તંત્ર સમક્ષ ઇન્જેક્શનની માગ કરવી પડશે. આ બાદ વલસાડ તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલમાંથી કમિટી જે તે હોસ્પિટલને જરૂરિયાતના આધારે ઇન્જેક્શન પૂરા પાડશે. એટલે કે દર્દીઓના સગા-સંબંધીઓએ ક્યાંય ધક્કા ખાવા નહીં પડે.
કાળા બજાર પર રહેશે નજર
રેમડેસિવિર ઇન્જેક્શનની માગ વધુ હોવાથી બજારમાં ઘણા લોકો દર્દીઓનો ગેરલાભ ઉઠાવી વધુ ભાવે ઇન્જેક્શન આપી ખિસ્સા ભરતા હોય છે. જો કે વલસાડ જિલ્લામાં આવું ન થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ ચાંપતી નજર રાખશે. કોવિડ હોસ્પિટલનો એક વ્યક્તિ સત્તાવાર લેટરહેડ સાથે સિવિલ હોસ્પિટલમાંથી જ ઇન્જેક્શનનો જરૂરી જથ્થો લઈ જઈ શકશે. આ ઇન્જેક્શન કોવિડ હોસ્પિટલો દ્વારા પણ દર્દીઓને બજાર ભાવ પ્રમાણે જ આપવાના રહેશે. જ્યારે બીજી વખત હોસ્પિટલનો વ્યકિત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા આવે ત્યારે ખાલી થયેલા ઇન્જેક્શનના વોઈલ જમા કરાવવાના રહેશે. જેથી ઇન્જેક્શનની કાળા બજારી નહીં થઈ શકે. જો કોઈ હોસ્પિટલ કે વ્યક્તિ રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરતાં માલૂમ પડશે તો તેની સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કલેક્ટરે જણાવ્યું છે. આ વલસાડ જિલ્લામાં દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન સરળતાથી અને બજાર કિંમતથી મળી જાય તે માટે કલેક્ટર દ્વારા સૂચારું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પ્રકારની વ્યવસ્થા અન્ય જગ્યાએ પણ ગોઠવાય અને વ્યવસ્થિત રીતે વિતરણ વ્યવસ્થા ચાલતી રહે તો દર્દીઓને અને તેઓના સગા-સંબંધીઓને અનેક મુશ્કેલીમાંથી છૂટકારો મળી શકે છે.
તાજેતાજો ઘાણવો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?
- પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ થતાં 10 લોકોના મોતની આશંકા, યોગી સરકાર એક્શનમાં