Homeગુર્જર નગરીમોરબી સિરામિક એસોસિએશનની મહેનત રંગ લાવી, ઓક્સિજન પ્લાન્ટ ચાર દિવસમાં જ કર્યો...

મોરબી સિરામિક એસોસિએશનની મહેનત રંગ લાવી, ઓક્સિજન પ્લાન્ટ ચાર દિવસમાં જ કર્યો તૈયાર

Team Chabuk-Gujarat Desk: મોરબીમાં કોરોના મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલથી લઈ ખાનગી હોસ્પિટલ અને હોમ આઇસોલેશનમાં રહેનારા દર્દીઓને ઓક્સિજન માટે હવે ભટકવું નહીં પડે. કારણ કે, મોરબી સિરામિક એસોસિએશન નિર્મિત ઓક્સિજન પ્લાન્ટમાં ઓક્સિજનનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે. દૈનિક 1000 સિલિન્ડર ભરી શકાય તેવા નવ ટન કેપેસિટીનો પ્લાન્ટ મોરબી જિલ્લાની મહત્તમ જરૂરિયાત પૂર્ણ કરશે. મોરબીના લખધીરપુર રોડ પર એસર ગ્રેનાઈટો ખાતે સિરામિક એસોસિએશનના ચારે પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગકારો તેમજ સાંસદ મોહન કુંડારિયાની હાજરીમાં આ ઓક્સિજન પ્લાન્ટને કાર્યરત કરવામાં આવ્યો હતો.

મહામારીના ભયંકર પ્રકોપ વચ્ચે મોરબી જિલ્લાને ઓક્સિજનની ગંભીર કટોકટીનો સામનો કરવો પડ્યો છે અને રાજકોટ સુરેન્દ્રનગરથી મળતો ઓક્સિજન મર્યાદિત બનતા મોરબીના લોકોને કચ્છ અને ભાવનગરથી ઓક્સિજન પૂરવઠો મેળવવા લાંબુ થવું પડતું હતું. જેથી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા અંદાજીત ચાર કરોડના ખર્ચે મોરબીને ઓક્સિજન માટે આત્મનિર્ભર બનાવવા માત્ર ચારથી પાંચ દિવસમાં જ ઓક્સિજન રિફિલ પ્લાન્ટ ઉભો કરી દીધો હતો. શહેરના લખધીરપુર રોડ સ્થિત એસર ગ્રેનાઈટો ખાતે ઓક્સિજન રિફિલ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. 9 ટન ક્ષમતાવાળા આ ઓક્સિજન પ્લાન્ટ માટે જરૂરી લિક્વીડ ઓક્સિજનનો ક્વોટા ત્વરિત ફાળવવા માટે સાંસદ મોહન કુંડારિયા અને ઉદ્યોગકારોએ સઘન પ્રયાસ કર્યા હતા.

મોરબીને રોજ 1000 ઓક્સિજન સિલિન્ડર રિફિલ થઈ શકે તેવા આ ઓક્સિજન પ્લાન્ટ માટે પ્રથમ તબક્કે 14 ટન લિક્વીડ ઓક્સિજન ફાળવવામાં આવ્યો છે. આજે સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયા, મુકેશભાઈ કુંડારિયા, કિરીટભાઇ પટેલ, વિનોદભાઈ ભાડજા, સાંસદ મોહન કુંડારિયા તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરીમાં આ પ્લાન્ટ શરૂ કરાયો હતો.

ઓક્સિજન રિફિલ પ્લાન્ટની મંજૂરીમાં સામાન્ય રીતે ચાર મહિના જેટલો સમય લાગે છે પરંતુ મોરબીના હિતમાં સિરામિક એસોસિએશન દ્વારા માત્ર ચાર જ દિવસમાં આ પ્લાન્ટની મંજૂરી લેવામાં આવી હતી. ઓક્સિજન રિફિલ પ્લાન્ટ શરૂ થતાં હવે મોરબી શહેરમાં દાખલ દર્દીઓને થોડી રાહત મળી છે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments