Team Chabuk-Gujarat Desk: ગઈકાલે ફ્રેન્ડશીપ ડે ઉજવાયો. ફ્રેન્ડશીપ ડેના દિવસે મોરબીમાં એક કરુણાંતિકા સર્જાઈ. મોરબીના ભાગોળે આવેલા લજાઈ નજીક ભીમનાથ મહાદેવ મંદિર પાછળ ન્હાવા જતાં ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. ફ્રેન્ડશીપ ડેના દિવસે જ ત્રણેય મિત્રોના મોત થતાં પરિવારજનોમાં આક્રંદ ફેલાયો છે. એક સાથે ત્રણ-ત્રણ પરિવારે પોતાના વ્હાલસોયા દીકરા ગુમાવતા શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે ગઈકાલે રવિવારની રજા હોવાથી મોરબીના ત્રણ યુવાન મિત્રો મોરબી-રાજકોટ હાઈવે લજાઈ ગામે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે ગયા હતા. મંદિરની પાછળ આવેલા ડેમી-2માં ત્રણેય મિત્રો ન્હાવા માટે ગયા હતા. પાણીમાં મસ્તી કરતી વખતે એક યુવકનો પગ લપસતાં તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને બચાવવા જતાં એક બાદ એક બીજા બે મિત્રો પણ પાણીમાં ઉતર્યા હતાં પરંતુ ત્રણેય ડૂબી ગયા હતા. પાણીમાં ડૂબી જવાથી ત્રણેય મિત્રોના મોત નિપજ્યા હતા.
આ દુર્ઘટનાની જાણ ગ્રામજનોને થતાં મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં તુરંત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ત્રણેય યુવાનોના મૃતદેહ શોધીને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર યુવકના નામ 1. દિપક દિનેશભાઈ હડિયલ (ઉ.વ. 19), ક્રિષ્ના પાર્ક, મોરબી 2. સ્વયં જેઠાભાઈ ભાનુશાલી (ઉ.વ. 17) ક્રિષ્ના પાર્ક, મોરબી અને 3. રિશી ભાવેશભાઈ દોશી (ઉ.વ. 17) પુનિતનગર, મોરબી હોવાનું જાણવા મળ્યું છે.
એકેયને તરતા નહતું આવડતું
પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામનાર ત્રણ યુવકોમાંથી એકેયને તરતા આવડતું નહતું. ત્રણેય મિત્રો પાણીમાં ન્હાતા હતા તે વખતે એક મિત્રનો પગ લપસતાં તે ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો. મિત્રને પાણીમાં ડૂબતો જોઈને તેને બચાવવા માટે બાકીના બન્ને મિત્રોએ તરતા ન આવડતું હોવા છતાં તેને બચાવવા ઉંડા પાણીમાં ગયા હતા. પરંતુ કરુણાંતિકા એ હતી કે એકેયને તરતા ન આવડતું હોવાથી એક બાદ એક ત્રણેય મિત્રો પાણીમાં ડૂબી ગયા હતા અને તેઓના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં ત્રણેય યુવકોના પરિવારજનોમાં પણ આક્રંદ ફેલાઈ ગયો છે. જુવાનજોધ દીકરાની આ રીતે અણધારી વિદાયથી પરિવારમાં ભારે વિલાપ જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ભીમનાથ મહાદેવ મંદિર પાછળ આવેલા ડેમી-2 ડેમના ઠેલના ભાગમાં મોરબીના મહિલાઓના મોત નિપજ્યા હોવા ઉપરાંત આ ગોઝારા સ્થળે અનેક લોકોનો ભોગ લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ ત્રણેય યુવાનોના મોત મામલે ટંકારા પોલીસે એડી નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત