Homeગુર્જર નગરીજૂનાગઢના સાંસદને જન્મદિવસનો દેખાડો કરવો ભારે પડી ગયો

જૂનાગઢના સાંસદને જન્મદિવસનો દેખાડો કરવો ભારે પડી ગયો

શૈલેષ નાઘેરા : ગુજરાતમાં કોરોના વાયરસ યમદૂત બનીને ત્રાટક્યો છે. બીજી લહેરમાં નાના બાળકો પણ કોરોનાની આગમાં હોમાઈ રહ્યા છે. સ્વજનોને બચાવવા માટે લોકો 14-14 કલાક સુધી ભૂખ્યા અને તરસ્યા ઈન્જેક્શન માટે લાઈનમાં ઉભા રહે છે. સરકાર નિયમો કડક બનાવી રહી છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંંગ ન જળવાય તો સરકારી તંત્ર તોતિંગ દંડ ફટકારે છે. સરકારે બનાવેલા આ નિયમો જો સામાન્ય લોકો તોડે તો તંત્ર તે આરોપીને આજીવન યાદ રહે તેવી સજા આપે છે. બીજી તરફ સરકારમાં જ બેસેલા લોકોએ આ નિયમોને પડીકુંવાળીને પોતાના ખિસ્સામાં મૂકી દીધા હોય તેવો ઘાટ વધુ એક વાર સર્જાયો છે.

આ વખતે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા કોરોનાની ગાઈડલાઈનને ઘોળીને પી ગયા અને નિયમોને જરા પણ અચકાયા વગર નેવે મૂકી દીધા હોવાની રજૂઆત થઈ છે. રાજેશ ચુડાસમાએ 10 એપ્રિલે 30 દિવ્યાંગ બાળકો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ વાતની પોતે જ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમના ટ્વીટ પર લોકોએ શુભેચ્છા પણ વરસાવી હતી.

બીજી તરફ વીડિયો અને ફોટા વાયરલ થતાં વિવાદ ગીર સોમનાથ SP કચેરી સુધી પહોંચ્યો છે. અભય લખમણ ભરડા નામના જાગૃત નાગરિકે સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવા માગણી કરી છે.

રાજેશ ચુડાસમા વિરુદ્ધ અરજી કરનારા નાગરિકે આરોપ લગાવ્યો છે કે, રાજેશ ચુડાસમાએ તાજેતરમાં વેરાવળ રોડ પર આવેલા દિવ્યાંગ લોકોના આશ્રમ ખાતે જન્મદિવસની ઉજવણી કરી હતી. તેણે અરજીમાં લખ્યું છે કે, દિવ્યાંગ બાળક પોતાની સંભાળ રાખવામાં અક્ષમ છે એવામાં તે નિયમોનું પાલન કઈ રીતે કરી શકે ? રાજેશ ચુડાસમાએ ખોટી પ્રસિદ્ધી મેળવવા માટે નિર્દોશ દિવ્યાંગ લોકોને કોરોનાનો ભોગ બનાવ્યો છે. અરજીમાં તેણે આરોપ લગાવ્યો છે કે, રાજેશ ચુડાસમાએ ખુદ સુપર સ્પ્રેડર તરીકે કામ કર્યું છે. જેથી તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવે. અરજીમાં તેણે એવો પણ દાવો કર્યો છે કે, જન્મદિવસની ઉજવણી બાદ કેટલાક બાળકોની તબિયત લથડી છે તેમના તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવવામાં આવે અને જો કોઈ સંક્રમિત જણાય તો રાજેશ ચુડાસમાના અંગત ખર્ચે તેમની સારવાર કરાવવામાં આવે.

સાંસદ રાજેશ ચુડાસમાએ ટ્વીટર પર જે વીડિયો શેર કરી માહીતી આપી છે તેમાં તેઓ દિવ્યાંગ બાળકોને પોતાના હાથે જ કેક ખવડાવતા જોવા મળી રહ્યા છે. રાજેશ ચુડાસમા સાથે કેટલાક લોકો છે જેમણે માસ્ક પણ નથી પહેર્યું અને બાળકોને જમવાની થાળી પીરસી રહ્યા છે. આ ઉપરાંત જે બાળકોએ જન્મદિવસની ઉજવણીમાં હાજર છે તેમાંથી કેટલાક બાળકોના ચહેરા પરથી માસ્ક ઉતરેલું જોવા મળી રહ્યું છે. ત્યારે સવાલ ચોક્કસ થાય કે, કોરોનાની બીજી લહેર ઘાતક છે તે સાંસદને ખબર હોવા છતાં શા માટે બાળકોને જીવ જોખમમાં મૂક્યા ?  શું રાજેશ ચુડાસમાએ જન્મદિવસની ઉજવણી પહેલાં ટેસ્ટ કરાવ્યો હતો ?  શું રાજેશ ચુડાસમા સાથે જે વ્યક્તિઓ દેખાય છે તેઓ કોરોના ટેસ્ટ કરાવીને દિવ્યાંગ બાળકો પાસે પહોંચ્યા હતા ?  શું આ મુદ્દે સાંસદ રાજેશ ચુડાસમા પાસેથી તંત્ર જવાબ માગશે ?  ઉલ્લેખનીય છે કે, રાજેશ ચુડાસમાનો જન્મદિવસ હતો તે દિવસે જૂનાગઢમાં છેલ્લા અઠવાડિયાના સૌથી વધુ 93 કેસ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજેશ ચુડાસમાએ પોતોનો જન્મદિવસ 10મી એપ્રિલે ઉજવ્યો હતો. રાજ્ય સરકારે તેના 2 દિવસ બાદ જન્મદિવસની ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ સહિતના નિયમો બનાવ્યા છે. જો કે, સવાલ એ છે કે 9 અને 10 એપ્રિલે પણ રાજ્યમાં કોરોનાના કારણે સ્થિતિ ખરાબ જ હતી. શું સાંસદ પોતાની જવાબદારી સમજીને જન્મદિવસની ઉજવણી ટાળી ન શકે ?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments