Team Chabuk-Gujarat Desk: મહામારીના સમયે પણ કોઈની મજબૂરીનો લાભ ઊઠાવવામાં ભાજપના આ આગેવાનને શરમ ન આવી. આ ઘટના બની છે રાજકોટમાં. જ્યાં કોરોનાગ્રસ્ત મહિલાને ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના નામ પર ભાજપના આગેવાન સહિત બે લોકોએ 45 હજાર રૂપિયા પડાવવાની તૈયારી કરી લીધી હતી. આ રૂપિયા તેમણે બીમારના સંબંધી પાસેથી લીધાં હતાં. પણ આ પાપ છાપરે ચડીને પોકાર્યું. સંબંધીઓને શંકા જતાં ચૂનો ચોપડવા આવેલા આ ત્રિ-પાપીઓનો ભાંડો ફૂટી ગયો. હાલ પોલીસે એક વ્યક્તિની આ ઘટનામાં ધરપકડ કરી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને એ પણ કોરોના જેવી બીમારી સામે પોતાનું કોઈ સ્વજન લડી રહ્યું હોય તેનો જીવ બચાવવા માટે વ્યક્તિ કંઈ પણ કરી છૂટે તે સ્વાભાવિક છે. મહિલા દર્દી સારવાર માટે દાખલ હતા ત્યારે તેમના સંબંધીના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો. એ સંદેશમાં લખવામાં આવ્યું હતું કે, જો આપના પરિવારમાં દર્દી હોય અને તેને ટોસિલિઝુમેબ દવાની આવશ્યકતા હોય તો અમે 42થી 45 હજારમાં કરી આપીશું. મહિલાનો જીવ બચાવવા માટે તેમના સંબંધી તાત્કાલિક તૈયાર થઈ ગયા જોકે તેમને ખબર નહોતી કે આ ચૂનો ચોપડવાનો ધંધો થઈ રહ્યો છે.
આ ઘટના આગળ વધે તે પહેલા જ ગઈકાલના મંગળવારના રોજ તારીખ 13મી એપ્રિલે મેસેજ કરનારાએ ફોન કરી જણાવ્યું હતું કે, આપના દર્દીને બાટલા મારફતે ઈન્જેક્શન આપી દેવામાં આવ્યું છે. હવે પૈસા આપી જજો.
આ સમગ્ર ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સંબંધીઓને ખબર પડી કે ટોસિલિઝુમેબ નામનું ઈન્જેક્શન બાટલા દ્વારા નહીં પણ હાથમાં આપવામાં આવે છે. બાદમાં હોસ્પિટલમાં હાજર કર્મચારીઓ અને પોલીસને જાણ કરવામાં આવતા આ લોકોને પકડવાનો કારસો ઘડવામાં આવ્યો હતો. ટ્રોમા સેન્ટર પાસે તેને પૈસા દેવા માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં ફ્રિ ડ્રેસમાં હાજર પોલીસ ઓફિસરો એક ધૂતારાની ધરપકડ કરી હતી.
પોલીસે આપેલી માહિતીના આધારે આ વ્યક્તિનું નામ મયૂર છે. જે ઈન્જેક્શનના પૈસા લેવા માટે આવ્યો હતો. તેણે ભાજપના આગેવાન સંજય ગોસ્વામી સાથે મળીને દર્દીના સબંધીને ઈન્જેક્શન માટે ફોન કર્યો હતો. બાદમાં ઈન્જેક્શન લગાવ્યા વગર જ 45 હજારનું ઉઠમણું કરવાનું વિચારી લીધું હતું. હવે પોલીસે સંજયને પકડવાની દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત