Team Chabuk-Gujarat Desk: ગુજરાતની આશાસ્પદ ખેલાડીનું ડેન્ગ્યુના કારણે મોત થતાં પરિવાર અને સગાસંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડોદરાની 19 વર્ષીય નેશનલ જુડો ચેમ્પિયન સાક્ષી રાવલનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે. પરિવારજનોએ સાક્ષીના મોત અંગે તબીબીની બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિવારનો આરોપ છે કે તબીબે ડેન્ગ્યુના બદલે ટાઈફોઈડના રોગની સારવાર કરતાં સાક્ષીનું મૃત્યુ થયું છે.
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા ખોડિયાર નગર વિસ્તારમાં આવેલી સયાજી ટાઉનશીપમાં રહેતી અને ઝારખંડ ખાતે રમાયેલી રાષ્ટ્રીય કક્ષાની જુડો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવનાર 19 વર્,ની સાક્ષી રાવલનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું છે. રમત-ગમત ક્ષેત્રે પોતાનું ભવિષ્ય બનાવી રહેલી આશાસ્પદ યુવતીનું મોત થતાં પરિવાર અને સગા-સંબંધીઓ અને સાથી ખેલાડીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સાક્ષી રાવલ માતા ગાયત્રીબહેન સાથે રહેતી હતી અને સાક્ષી અને તેમના માતા નોકરી કરીને જીવન ગુજારી રહ્યા હતા.
મૃતક સાક્ષી રાવલના મામા ભાવિન રાવલે જણાવ્યું હતું કે, હાલમાં જ સાક્ષી રાવલ એનસીસી કેમ્પ પૂર્ણ કરીને ઘરે પરત ફરી હતી. ઘરે આવ્યા બાદ તેને તાવ આવ્યો હતો. જેથી તેને ફેમિલી ડોક્ટર પાસેથી દવા લીધી હતી. પરંતુ તબિયત વધુ લથડતાં ફેમિલી ડોક્ટરે બોટલ ચડાવી હતી. બોટલ ચડાવ્યા બાદ સાક્ષીને રિએક્શન આવ્યું હતું. તબિયત વધુ બગડતાં સાક્ષીને સંગમ હોસ્પિટલમાં રવિવારે લઈ જવામાં આવી હતી. ત્યાં પણ તબીબોએ પ્રાથમિક સારવાર આપી હોવા છતાં સાક્ષીની તબિયતમાં સુધારો આવ્યો ન હતો. જેથી તેને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સયાજી હોસ્પિટલમાં એક કલાક ભટક્યા બાદ સાક્ષીને દાખલ કરવામાં આવી હતી. પરંતુ દુર્ભાગ્યે ત્યાં તેનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું.
સાક્ષી રાવલના મામા ભાવિન રાવલે આરોપ લગાવતાં કહ્યું કે, ફેમિલી ડોક્ટરે ઘરે જવાની ઉતાવળમાં સાક્ષીની યોગ્ય સારવાર ન થઈ અને તેનો જીવ ગયો. સામાન્ય રીતે દર્દીને ચડાવવામાં આવતી બોટલ એક કલાકમાં પૂરી થાય છે, પરંતુ ડોક્ટરને દવાખાનું બંધ કરીને જવાનું હોવાથી સાક્ષીને અડધી કલાકમાં બોટલ ચડાવી દીધી હતી અને દવાખાનું બંધ કરીને ડોક્ટર રવાના થઈ ગયા હતા. સાક્ષીને ઘરે લાવ્યા બાદ તેની તબિયત વધુ બગડી હતી. જેથી તેને સંગમ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં સારવાર આપ્યા બાદ સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા. સયાજી હોસ્પિટલમાં તેનું સારવારમાં મોત નિપજ્યું હતું. ભાવિન રાવલે કહ્યું કે, મારી ભાણી સાક્ષીનું મોત ડોક્ટરોની બેદરકારીના કારણે થયું છે.
સાક્ષીના જુડો કોચ વાસુદેવભાઈ કદમે જણાવ્યું હતું કે, સાક્ષી રાવલની ઈચ્છા ઓલિમ્પિકમાં રમવાની હતી અને તેના માટે તે દિવસ-રાત મહેનત કરતી હતી. જુડોમાં તેની ટેલેન્ટ અદભુત હતી. મળેલી માહિતી પ્રમાણે સાક્ષીના માતા ગાયત્રીબહેન સાક્ષી એક વર્ષની હતી ત્યારથી એકલા હાથે મોટી કરી હતી. ગાયત્રીબહેનનું સ્વપ્ન હતું કે તેમની દીકરી ઓલિમ્પિકમાં રમે અને દેશનું નામ રોશન કરે. પરંતુ ડેન્ગ્યુ અને ડોક્ટરોની બેદરકારીના કારણે સાક્ષીનું મોત થતાં તેમનું આ સ્વપ્ન અધૂરું રહી ગયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત