Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અનેક લોકો રખડતાં ઢોરના કારણે અકસ્માતનો ભોગ બને છે. ઘણા લોકોએ આ સમસ્યાના કારણે જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે નવસારી શહેરમાં આવો જ વધુ એક દુઃખદ બનાવ બન્યો છે. આજે સવારે કોલેજમાં પેપર આપવા જઈ રહેલા એક આશાસ્પદ યુવાનનું ઢોરની અડફેટે આવી જતાં મોત નિપજ્યું છે. સવારે પેપર હોવાથી બાઈક પર કોલેજ જવા નીકળેલા યુવાનનું આમ અચાનક મોત નિપજતાં પરિવારમાં શોકમાં ડૂબી ગયો છે.
મળતી વિગતો પ્રમાણે નવસારી શહેરમાં રહેતો વિશાલ હળપતિ નામનો યુવાન ગાર્ડા આર્ટ્સ એન્ડ પી.કે.પટેલ કોમર્સ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આજે તેને બી.કોમ.ના ત્રીજા વર્ષનું પેપર હોવાથી તે વહેલી સવારે કોલેજ જવા નીકળ્યો હતો. આ દરમિયાન કાલીયાવાડીની એ.બી.સ્કૂલ પાસે ઢોરની અડફેટે વિશાલ આવી ગયો હતો. રખડતાં ઢોરે તેને એકાએક ટક્કર મારતા તે ફંગોળાઈને નીચે પડ્યો હતો. અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થતા તે બેભાન થઈ ગયો હતો. બેભાન હાલતમાં જ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તબીબોએ વિશાલને મૃત જાહેર કર્યો હતો.
વિશાલનો અકસ્માત થયો હોવાની જાણ થતાં જ પરિવારજનો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. વિશાલને તબીબીઓએ મૃત જાહેર કરતાં જ પરિવાર પર દુઃખનો પહાટ તૂટી પડ્યો હતો. વિશાલની માતા અને પરિવારજનોના રુદનથી સિવિલ હોસ્પિટલનું વાતાવરણ ભારે થઈ ગયું હતું. રડતાં રડતાં વિશાલના માતાએ જણાવ્યું હતું કે, મારા દીકરાએ આખી રાત વાંચ્યું હતું અને આજે તેનું બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું પેપર હોવાથી તે વહેલી સવારે બાઈક લઈને ઘરેથી કોલેજ જવા નીકળ્યો હતો.

કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં પરિવારના આશાસ્પદ દીકરાનું અકાળે મોત થતાં માતા-પિતા, ભાઈને ભારે આઘાત લાગ્યો છે. વિશાલ હળપતિના મિત્રોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. વિશાલના એક મિત્રએ નગરપાલિકાને વિનંતી કરતાં કહ્યું હતું કે, આવા રખડતાં ઢોરને ભેગા કરીને શહેરમાંથી દૂર કરવા જોઈએ.
અકસ્માતને નજરે જોનારા લોકોનું કહેવું છે કે, દરરોજ સવારે અહીં પશુપાલકો પોતાના ઢોરને છોડી મૂકતા હોય છે. આ યુવાન ઢોર સાથે એટલી જોરથી અથડાયો કે તેનું માથું ફાડી નાખ્યું હતું અને તે રસ્તા ઉપર લોહીલુહાણ હાલતમાં પડયો હતો. અમે તેની પાસે તાત્કાલિક પહોંચતાં તે બેભાન અવસ્થામાં પડ્યો હતો. આ વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં મુખ્ય માર્ગ પર ઢોરનો જમાવડો હોય છે. દુધિયા તળાવ વિસ્તારમાં પણ આ જ પરિસ્થિતિ હોય છે. નગરપાલિકાને અનેક વખત જાણ કરવામાં આવી છે કે પશુપાલકો ઢોરને છૂટા મૂકી દે છે જેને લઈને અકસ્માતો થાય છે. પરંતુ નગરપાલિકા દ્વારા આ અંગે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. જેથી નિર્દોષ લોકોને તેનું ભોગ બનવું પડી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ