Homeગુર્જર નગરીલોકો પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી સંક્રમણ નહીં અટકેઃ નીતિન પટેલ

લોકો પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી સંક્રમણ નહીં અટકેઃ નીતિન પટેલ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં વણસી રહેલી કોરોનાની સ્થિતિની વચ્ચે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને હાલની પરિસ્થિતિ અંગેની માહિતી આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં નીતિન પટેલે સ્વીકાર્યું કે ગુજરાતમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યના દરેક જિલ્લામાં સંક્રમણ ફેલાયું છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. નીતિન પટેલે કહ્યું કે, ‘કોર ગ્રુપની સૂચના પ્રમાણે રાજ્યભરમાં કામગીરી ચાલી રહી છે. જો કે તંત્રની તૈયારી સામે દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે.’ નીતિન પટેલે ક્હ્યું કે, ‘ગઈકાલે જામનગર અને ભુજની મુલાકાત લીધી હતી, ત્યાં પણ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.’

108માં વેઇટિંગ

નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું કે, ‘સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે 108 સેવામાં ઘણા કેસ આવી રહ્યા છે. 108 પર કોલનું ભારણ વધ્યું છે. 108માં હજુ પણ 300-400 કોલનું વેઇટિંગ છે. દર્દીઓને ક્યાં દાખલ કરવા તેની વ્યવસ્થાની જવાબદારી આઈએએસ દિલીપ રાણાને સોંપવામાં આવી છે.’ વધુમાં નીતિન પટેલે કહ્યું કે, ‘અન્ય કોઈ હોસ્પિટલ દાખલ કરે કે ન કરે પરંતુ સિવિલ હોસ્પિટલમાં આવનાર તમામ દર્દીઓને દાખલ કરવાના પ્રયત્ન કરીએ છીએ. તમામ હોસ્પિટલમાં બેડ ફૂલ હોવાની વાત પણ નીતિન પટેલે કહી હતી.’

સ્ટાફ રજા લીધા વિના કામ કરી રહ્યો છે

નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે, ‘હોસ્પિટલોમાં દર્દીઓ સતત આવી રહ્યા છે. ત્યારે દર્દીઓની સેવામાં હોસ્પિટલનો સ્ટાફ દિવસ રાત ખડેપગે છે. આરોગ્યના સ્ટાફ પર પણ ભારણ વધ્યું છે. ડોક્ટર્સ અને સ્ટાફ રજા લીધા વિના કામ કરી રહ્યો છે. ઘરની જવાબદારીઓ મૂકીને સ્ટાફ હોસ્પિટલમાં સેવા આપી રહ્યો છે.’

બેડ વધારવામાં આવી રહ્યા છે

નીતિન પટેલે કહ્યું કે, ‘કોરોનાનો આ બીજો વેવ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આરોગ્ય વિભાગની કેપિસિટી કરતાં બેડની જરૂરિયાત વધુ છે. તેથી બેડની વ્યવસ્થા વધારવાનું કામ તંત્ર કરી રહ્યું છે. અમદાવાદની યુ.એન.મહેતા રેસિડેન્ટ ડોક્ટર હોસ્ટેલમાં 7 દિવસમાં 160 બેડની વ્યવસ્થા કરાઈ છે. જેથી દર્દીઓને હવે ત્યાં પણ દાખલ કરવામાં આવશે. આજથી જ આ હોસ્ટેલમાં દર્દીઓને દાખલ કરવામાં આવશે. 80 બેડ મંજુશ્રી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યા છે. કેન્સર હોસ્પિટલમાં પણ આવતીકાલ સુધીમાં વધુ 30 બેડ વધારવામાં આવશે.’

નીતિન પટેલે એમ પણ કહ્યું કે, ‘અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 900 બેડની હોસ્પિટલ કેન્દ્ર સરકાર હેઠળ શરૂ થશે. એક અઠવાડિયામાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હોસ્પિટલ શરૂ થઈ જાય તેવા પ્રયત્નો ચાલુ છે.’

લોકડાઉન અંગે શું કહ્યું

લોકડાઉન અંગે જવાબ આપતા નીતિન પટેલે કહ્યું કે, ‘રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. અનેક ગામડાઓ, શહેરોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવે છે. લોકડાઉન કરવું ઉપયોગી નહીં થાય. એટલે લોકો પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી સંક્રમણ નહીં અટકે.’

જરૂર હોય તે જ દાખલ થાય

હોસ્પિટલોમાં જગ્યા નથી રહી ત્યારે નીતિન પટેલે અપીલ કરી છે કે, ‘ઓક્સિજન લેવલ 85થી નીચે જાય તો જ દાખલ થવાનો આગ્રહ રાખો. સરકારી અને મનપાની હોસ્પિટલો પણ ભરેલી છે. અન્ય હોસ્પિટલમાં દર્દીઓને દાખલ ન કરાતા હોવાની પણ ફરિયાદ આવે છે. સિવિલ હોસ્પિટલની બહાર લાઈનો લાગે છે અને આ અમને પણ શોભતું નથી પરંતુ આ મહામારી છે. હોસ્પિટલમાં જગ્યા થાય એટલે તરત જ દર્દીઓને દાખલ કરીએ છીએ.’ મા કાર્ડ ઉપર સારવાર અંગે નીતિન પટેલે જણાવ્યું કે, ‘મા કાર્ડ પર સારવાર માન્યતા પ્રાપ્ત થયેલી હોસ્પિટલમાં જ થાય છે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments