Homeગુર્જર નગરીખરી જીવદયાઃ વૃદ્ધે ફિક્સ ડિપોઝિટમાં વારસદાર તરીકે વઢવાણ મહાજન પાંજરાપોળનું નામ રાખ્યું

ખરી જીવદયાઃ વૃદ્ધે ફિક્સ ડિપોઝિટમાં વારસદાર તરીકે વઢવાણ મહાજન પાંજરાપોળનું નામ રાખ્યું

Team Chabuk-Gujarat Desk: ખરી જીવદયા કોને કહેવાય તેના પુરાવા સમાન એક ઘટના સુરેન્દ્રનગરના વઢવાણમાં સામે આવી છે. મૂળ વઢવાણના વતની અને અમદાવાદ સ્થાયી થયેલા એક વૃદ્ધે જે કાર્ય કર્યું છે તેના ચોમેર વખાણ થઈ રહ્યા છે. આ વૃદ્ધનું ગત 21મી નવેમ્બર 2021ના રોજ અવસાન થયું. ત્યારબાદ જ્યારે તેમના બેંક ખાતામાં તપાસ કરી તો ખબર પડી કે તેમણે 29-08-2019ના રોજ અમદાવાદની બેંક ઓફ બરોડાની બ્રાંચમાં રૂપિયા પાંચ લાખની ફિક્સ ડિપોઝીટ એટલે કે એફડી કરાવી હતી. અને આ એફડીમાં નોમિનેશન તરીકે તેમણે તેમના પરિવારજનોને નહીં પરંતુ વઢવાણ મહાજન પાંજરાપોળનું નામ રાખ્યું હતું. આમ વૃદ્ધના વસિયતનામામાં વઢવાણ પાંજરાપોળ પ્રત્યેની લાગણી અને જીવદયા પ્રત્યેની ભાવના જોઈને સૌ કોઈ તેમના આ કાર્યને વધાવી રહ્યા છે.

મૂળ વઢવાણના વતની અને હાલ અમદાવાદ રહેતા કમલભાઈ ધોળકિયા તેમજ મુંબઈ રહેતા અજયભાઈના પિતા વિનોદચંદ્ર ધોળકિયા જીવતાં હતાં ત્યારે તેમના પેન્શનની રકમ સતત સેવાકાર્યોમાં વાપરતા હતા. તેમાંથી તેઓ દર વર્ષે તેમની જેટલી ઉંમર થઈ હોય, તેટલા હજારનો ચેક વઢવાણ મહાજન પાંજરાપોળને આપતા હતા. આ નિયમ તેમણે 75મા જન્મ દિવસે રૂ. 75,000ની રકમ દાનમાં આપવાથી શરૂ કર્યો હતો. બાદમાં પહેલી સપ્ટેમ્બર, 2021ના રોજ 84મા જન્મદિને તેમણે વઢવાણ મહાજન પાંજરાપોળ- અમદાવાદના કલેક્શન સેન્ટરમાં સેવા આપતા જયપ્રકાશભાઈ શાહને રૂ. 84,000 અર્પણ કર્યા હતા.

જોકે, વિનોદચંદ્ર ધોળકિયાનું વૃદ્ધાવસ્થાના કારણે અવસાન થયું, ત્યારે તેમના પુત્રોએ જયપ્રકાશભાઈને રુબરુ બોલાવી જણાવ્યું હતું કે, તેમના પિતાએ 29મી ઓગસ્ટ, 2019ના રોજ બેન્ક ઓફ બરોડાની અમદાવાદ શાખામાં રૂ. પાંચ લાખની એફ.ડી. કરાવી હતી. તેના નોમિનેશનમાં વઢવાણ મહાજન પાંજરાપોળનું નામ દર્શાવ્યું છે. આ ઉપરાંત રૂ. 2 લાખનો ચેક વઢવાણ પાંજરાપોળમાં તકતી મૂકવા પણ આપ્યો હતા. આ માટે વિનોદચંદ્ર ધોળકિયા દ્વારા ત્રણ વર્ષ પહેલાં રૂ. 5 લાખની ફિક્સ ડિપોઝિટ પણ બનાવી હતી. તેના વારસદાર તરીકે કોઈ પરિવારના વ્યક્તિનું નામ રાખવાને બદલે તેમણે વઢવાણ મહાજન પાંજરાપોળનું નામ રાખ્યું છે.

આ અંગે વઢવાણ મહાજન પાંજરાપોળના સેક્રેટરી ભરતભાઈ મઠિયાએ જણાવ્યું કે, સ્વજનના નામના બદલે કોઈ સંસ્થાના નામે એફ.ડી. કરાવી હોય તેવી આ દેશમાં આવી સૌપ્રથમ ઘટના છે. વિનોદભાઈના દિલમાં વઢવાણ મહાજન પાંજરાપોળ પ્રત્યેની લાગણી તેમજ જીવદયા પ્રત્યેના કરુણા ભાવના દર્શન થાય છે. આથી આ જીવને પાંજરાપોળના સભ્યો કોટિ કોટિ પ્રણામ કરે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments