Team Chabuk-Gujarat Desk: જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ-તેમ કોરોના વાઇરસ ગુજરાતમાં તાંડવ મચાવી રહ્યો છે. ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ તેમજ દવાઓની અછત જ આ સ્થિતિનો ચિતાર રજૂ કરી રહી છે. એટલું જ નહીં ગુજરાતના કેટલાક ગામડાઓ તો એવા છે જ્યાંથી કોરોનાના ટેસ્ટ કરાવવા માટે શહેરમાં જવું પડી રહ્યું છે અને જો લાઈનો લાંબી હોય તો એ જ દર્દીનો ટેસ્ટ કરાવવાનો વારો બીજા દિવસ પર મોકૂફ રહે છે. એટલું જ નહીં કોરોના સામે તંત્ર ક્યાંક પાંગળુ પુરવાર થતું હોય તેમ કેટલાક ગામડાઓમાં ડોક્ટરની પણ ઘટ સર્જાઈ રહી છે. એક જગ્યાએ ડોક્ટર્સની જગ્યા ભરવા માટે તંત્ર બીજી જગ્યાને રામ ભરોસે છોડી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
હાલ પોરબંદરના રાણાવાવ તાલુકામાં કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. એક ખાનગી ન્યૂઝપોર્ટલે દાવો કર્યો છે કે, હાલ રાણાવાવ તાલુકાના 32 ગામડાઓ મહામારીની આ કપરી લડાઈ માત્ર એક ડોક્ટરની મદદથી લડી રહ્યા છે. આ તમામ ગામડાઓની કુલ વસતી અંદાજીત 1 લાખ છે. આ તમામ લોકો રાણાવાવની સરકારી હોસ્પિટલમાં જ સારવાર માટે આવે છે.
રાણાવાવની સરકારી હોસ્પિટલમાં માત્ર એક ડોક્ટર ડ્યૂટી માટે ઉપલબ્ધ છે. થોડા સમય પહેલાં આ હોસ્પિટલમાં કુલ 5 ડોક્ટર ફરજ બજાવી રહ્યા હતા પરંતુ પોરબંદર જિલ્લામાં જેમ જેમ કોરોનાનું સંક્રમણ વધતું ગયું તેમ તેમ રાણાવાવ હોસ્પિટલમાંથી ડોક્ટરનું સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર થતું ગયુ. કુલ 5 ડોક્ટરમાંથી 4 ડોક્ટરને પોરબંદર સિવિલમાં શિફ્ટ કરી દેવાયા.
હાલ રાણાવાવની સરકારી હોસ્પિટલમાં એસ.એસ.પ્રસાદ નામના એક માત્ર ડોક્ટર વધ્યા છે જે રોજ 17થી 18 કલાક ડ્યૂટી કરી લોકોના જીવ બચાવવાની કોશિશ કરી રહ્યા છે. એડમિટ દર્દીઓ ઉપરાંત રોજના 200 જેટલા દર્દીઓ ઓપીડીમાં આવે છે જેમની સારવાર એસ.એસ.પ્રસાદ કરી રહ્યા છે.
બીજી તરફ પોરબંદરની ચીફ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર આ વાતને માનવાનો ઈનકાર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, રાણાવાવમાં હાલ કોઈ પરેશાની નથી. ત્યાં હજુ પણ ચાર ડોક્ટર છે પરંતુ અન્ય ડોક્ટર્સ અન્ય જગ્યાએ તૈનાત છે.
આ મુદ્દે રાણાવાવ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતાપ ક્ષત્રિયએ જણાવ્યું કે, સ્ટાફના અભાવે લોકોને સારવાર માટે કલાકો રાહ જોવી પડી રહી છે. તેમણે કહ્યું કે, હાલ રાણાવાવના ગામડાઓમાં કુલ 1 હજાર જેટલા પોઝિટિવ કેસ છે. છેલ્લા અઠવાડિયામાં કેટલાય લોકો મોતને પણ ભેટ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત