Homeગુર્જર નગરીકોરોનાના કપરા સમયમાં તન અને મનને ટાઢક આપતા જૂનાગઢી રાવણાં

કોરોનાના કપરા સમયમાં તન અને મનને ટાઢક આપતા જૂનાગઢી રાવણાં

Team Chabuk-Gujarat Desk: સરસ મજાના સંતરા, વીટામીન સીથી ભરપુર મોસંબી અને પાઇનેપલ વચ્ચે એકદમ કાળો કે જાંબુડી રંગનો ઢગલો પડ્યો હોય એ રાવણાંને જોઈને જ મોઢામાં પાણી આવશે. કોરોનાના કપરા સમયમાં તન અને મનને ટાઢક આપતા જૂનાગઢી રાવણાં ઔષધિય ગુણોથી ભરપુર છે.

રાવણાં કહેવાતા જાંબુ ડાયાબિટીસના દર્દી માટે પારંપારિક ઔષધ છે. રાવણાંની છાલ, ગર્ભ અને ઠળિયા બધું જ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ રાવણાં વિશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હોર્ટીકલ્ચર વિભાગના પ્રોફેસર અને હેડ ડો. ડી.કે. વરૂએ કહ્યું કે, રાવણાંના બગીચા ગણ્યા ગાંઠ્યા જ છે. ખેડૂતો ગ્રીન બેલ્ટ તેમજ પવન અને તડકાના મારથી આંબાના બગીચાને રક્ષિત ફરતે રાવણાંના ઝાડ વાવે છે. જૂનાગઢ પાસેના સોડવદર, ઘુડવદર, વિજાપુર અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં થોડા બગીચા છે. બાકી આંબાના બગીચા ફરતે ખેડૂતો ૧૦ થી ૨૫ ઝાડ ઉછેરે છે. રાવણાંમાં સારો પાક હોય તો ખેડૂતને રાવણાંનું એક ઝાડ ૫ થી ૨૦ હજારની આવક રળી આપે છે.

નાના બાળકોને પેટમાં કૃમિની સમસ્યા રહેતી હોય તો રાવણાંનું સેવન લાભદાયી છે. ત્વચાને પણ સુંદર રાખતા રાવણાંનું ઘર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે. અહીં રાવણાંના બે બગીચા ઉપરાંત અંદરના રોડ રસ્તાઓ ઉપર અનેક છુટાછવાયા ઝાડ છે. આમ તો સોરઠ રાવણાંનું હબ છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં રાવણાંના વેપારી પેઢી નરેશકુમારના માલિકના જણાવ્યા મુજબ અહીંના રાવણાંની દિલ્હી, બેંગ્લોર, મુંબઈ અને અમદાવાદમાં જબરી ડિમાન્ડ છે. દિલ્હીના વેપારી જૂનાગઢ યાર્ડમાંથી રાવણાં લઈ એક-એક કીલોનાં પેકીંગ બનાવી દિલ્હી મોકલે છે.

ઔષધિય ગુણોથી ભરપુર રાવણાં હાલ જૂનાગઢ અને વંથલીની બજારોમાં આવવા લાગ્યા છે. રૂા. ૧૦૦ થી માંડીને ૨૫૦ના કીલોના ભાવે મળતા રાવણાં ટોપલા લઈને વેંચતી બહેનો માટે રોજગારીનું માધ્યમ પણ છે. રાવણાંનો ઇજારો રાખી વહેલી સવારથી બપોર સુધી રાવણાં ઉતારતા પરિવારની મહિલા સભ્યો ટોપલો ભરીને વેંચવા આવે અને એક બે પૈસા રળી ઘરે જાય ત્યારે એના ચહેરા પરનો આનંદ સ્પષ્ટ જોઈ શકાય છે. પરંતું રાવણાં વેંચતી આ બહેન આપણને રૂા. ૫૦ના પાંચસો ગ્રામ રાવણાં કહે અને આપણે રૂા. ૭૫નો કીલો માગી ભાવતાલ કરવાથી દુર રહીએ તો એ બહેન તમને રૂા. ૧૦૦ નો કિલોમાં વજન વધારે આપશે એ એના જીવનની મોટાઈ છે.

આ કોરોનાકાળમાં લોકોના સ્વાસ્થ્ય માટે પણ રાવણાં ઘણા ફાયદાકારક છે. દર્દીઓ માટે પણ રાવણાં ઉત્તમ છે. અન્ય ફળોના ભાવ આસમાને આંબી રહ્યા છે ત્યારે લોકો રાવણાંને સસ્તા ભાવમાં ખરીદીને ખાઈ શકે છે.

રાવણાં ખાવાના ફાયદા

ડાયાબિટીસના દર્દીઓ માટે રાવણાં જાદુ જેવું કામ કરે છે. રાવણાંમાં ભરપુર માત્રામાં પોટેશિયમ હોવાથી હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, સ્ટ્રોક જેવી બીમારીથી બચી શકાય છે. લોહીની માત્રા વધારવામાં પણ રાવણાં ઉપયોગી સાબિત થાય છે. રાવણાંના રસને પાણી સાથે પીવાથી ઉધરસ અને શરદીમાં ફાયદો થાય છે. રાવણાંનો રસ પીવાથી કબજિયાત, કફ, દમ અને પેટની સમસ્યા દૂર થાય છે. ચહેરા પર ચમક લાવવામાં પણ રાવણાં ઉપયોગી છે. ચહેરા પરની કરચલીઓ અને ખીલ મટાડવામાં રાવણાં રામબાણ ઈલાજ છે. રાવણા વાળની પણ ચમક વધારે છે. આવા અનેક ફાયદા રાવણાં ખાવાથી થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments