Homeગુર્જર નગરીગુજરાતને પ્રથમ ગ્રિનફિલ્ડ એરપોર્ટની ભેટઃ વડાપ્રધાને રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કર્યું ઉદઘાટન, જાણો...

ગુજરાતને પ્રથમ ગ્રિનફિલ્ડ એરપોર્ટની ભેટઃ વડાપ્રધાને રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કર્યું ઉદઘાટન, જાણો આ એરપોર્ટની વિશેષતા

Team Chabuk-Gujarat Desk: આજથી બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. હાલ તેઓનું આગમન રાજકોટ નજીક હિરાસર ખાતે બનેલા રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે થઈ ચુક્યું છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદઘાટન કર્યું છે. ગુજરાતને પ્રથમ ગ્રિનફિલ્ડ એરપોર્ટ મળ્યું છે. તેઓએ ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને જનતાને સમર્પિત કર્યું છે. વડાપ્રધાને આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કર્યું હતું. આ પ્રસંગે તેઓની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ભાજપ સાંસદ સી.આર.પાટીલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની વિશેષતા

• રાજકોટથી આશરે ૩૦ કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-૨૭ નજીક હિરાસર ગામ પાસે રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે થયું રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ.

• ૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વરદહસ્તે ચોટીલા પાસે હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ ભૂમિપૂજન થયું હતું.

• રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનો પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટમાં સમાવેશ.

• સમગ્ર એરપોર્ટ સંકુલ ૨૫૩૪ એકરમાં ફેલાયેલું છે. આ એરપોર્ટ ૩૦૪૦ મીટર લાંબો અને ૪૫ મીટર પહોળો રન-વે ધરાવે છે. જેના પર એકસાથે ૧૪ વિમાનની પાર્કિંગ ક્ષમતા.

• એરપોર્ટમાં ૨૩ હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવાયું.

rajkot international airport

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. રાજકોટથી આશરે ૩૦ કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-૨૭ નજીક હિરાસર ગામ પાસે રૂ. ૧૪૦૫ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે.

સમગ્ર એરપોર્ટ સંકુલ ૧૦૨૫.૫૦ હેક્ટર (૨૫૩૪ એકર)માં ફેલાયેલું છે, જેમાં ૧૫૦૦ એકરમાં એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ ૩૦૪૦ મીટર (૩.૦૪ કિમી) લાંબો અને ૪૫ મીટર પહોળો રન-વે ધરાવે છે, જેના પર એકસાથે ૧૪ વિમાનો પાર્ક થઈ શકશે. ૫૦,૮૦૦ ચોરસ મીટરમાં એપ્રન બેય્ઝ બનાવવામાં આવ્યો છે. ૨૩ હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. આ ટર્મિનલ પીક અવર્સમાં દર કલાકે ૧૨૮૦ મુસાફરોનું સંચાલન કરી શકાશે.

આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરથી ‘C’- ટાઇપ પ્લેન પણ ઓપરેટ કરી શકાશે, અને ભવિષ્યમાં ‘E’- ટાઇપ પ્લેન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો એરબસ એ-380, બોઇંગ 747 અને બોઇંગ 777 જેવા મોટા કદના વિમાનોની સેવાઓ મેળવી શકશે.

એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર પેરેલલ હાફ ટેક્સી-વે, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો અને એમઆરઓ /હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

ગ્રીનફિલ્ડ એરપોર્ટને તાજેતરમાં ઇન્ટરનેશનલ એરોનોટિકલ ઇન્ફોર્મેશન પબ્લિકેશન (A.I.P) ટેગ આપવામાં આવ્યું છે. આ ટેગ એરક્રાફ્ટના સંચાલન માટે ખૂબ મહત્વનો ગણાય છે. આ એરપોર્ટ વિશિષ્ટ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ચાર પેસેન્જર બોર્ડિંગ બ્રિજ, ત્રણ કન્વેયર બેલ્ટ અને ૮ ચેક-ઇન કાઉન્ટર્સ (ભવિષ્યમાં બીજા ૧૨ ચેક-ઇન કાઉન્ટર્સ બનાવવામાં આવશે) નો સમાવેશ થાય છે. આ સાથે જ, આ એરપોર્ટ અદ્યતન ફાયર ફાઇટિંગ અને ફાયર એલાર્મ સિસ્ટમથી સજ્જ હશે.

એર ટ્રાફિક કંટ્રોલર (A.T.C), ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન ઉપરાંત ૫૨૪ એકરમાં ફેલાયેલા સિટી સાઇડ એરિયામાં લેન્ડસ્કેપિંગ, કાર, ટેક્સી અને બસ પાર્કિંગની સુવિધાઓ બનાવવામાં આવી છે. એરપોર્ટની ગેલેરી ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઝલક પૂરી પાડે છે. આ ગેલેરી રણજીત વિલાસ પેલેસ, દાંડિયા અને રાજ્યના લોકનૃત્યોની કલાથી શણગારવામાં આવી છે.

શું છે ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ ?

ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ એટલે એવા એરપોર્ટ્સ જે શૂન્યમાંથી સર્જિત થયા હોય એટલે કે ગ્રાઉન્ડ ઝીરોમાંથી બનાવવામાં આવ્યા હોય. વિકાસ પ્રક્રિયાના ભાગ રૂપે, ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ ઘણીવાર પર્યાવરણીય બાબતોને ધ્યાનમાં લે છે અને આસપાસના વાતાવરણ પર તેમની અસર ઘટાડવાનો પ્રયાસ કરે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments