Homeગુર્જર નગરીવડાપ્રધાને ભુજમાં 375 કરોડના ખર્ચે બનેલું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યૂઝિયમ ખુલ્લું...

વડાપ્રધાને ભુજમાં 375 કરોડના ખર્ચે બનેલું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યૂઝિયમ ખુલ્લું મૂક્યું

Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ-ભુજમાં ગુજરાત સરકાર દ્વારા રૂ.૩૭૫ કરોડ ના ખર્ચે  નિર્માણ પામેલા સ્મૃતિ વન ભૂકંપ મેમોરીયલ અને મ્યૂઝિયમનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે સ્મૃતિવન દુનિયાનું નજરાણુ બનશે. વડાપ્રધાને વર્ષ 2001ના ભૂકંપની આપદાને યાદ કરતા આ સ્મારકો પોતાના સ્વજનો ગુમાવનારા લોકોને અર્પિત કર્યા હતા. આ સ્મારક વેદના અને આફતને અવસરમાં બદલવાના કચ્છ-ગુજરાતના ખમીરનું પ્રતીક છે. વડાપ્રધાને આ સ્મારકને દુનિયાના આ પ્રકારના અન્ય સ્મારકોમાં શ્રેષ્ઠ ગણાવતા ભૂજીયો ડુંગર દેશ દુનિયામાં ગુંજતો થાય તે માટે લોક સહયોગ માગ્યો હતો.

સ્મૃતિ વનની મુલાકાતે ભૂકંપ સાથે સંકળાયેલી અનેક યાદો તાજી કરી છે તેમ જણાવતા વડાપ્રધાને મન ખૂબ ભાવનાઓથી આજે ભર્યું છે તેમ ઉમેર્યું હતું. ભૂકંપ વખતની સ્થિતિ વર્ણવતા એમના તત્કાલીન મુખ્યમંત્રી સમય કાળના સંદર્ભમાં વધુમાં કહ્યું કે, તે સમયે મેં અને મારી સરકારે ભૂકંપ પીડીતોની વચ્ચે જઈને સધિયારો આપી કચ્છના લોકોની ખમીરતાને યાદ અપાવી હતી. દિવાળી પણ ભૂકંપ પીડીતોની વચ્ચે પસાર કરી હતી. ભૂકંપ પછી કેટલાક લોકો એવું કહેતા હતા કે, કચ્છ ક્યારેય બેઠું નહિ થાય, પણ કચ્છીલોકોએ પોતાની મહેનત અને જુસ્સાથી આજે કચ્છની તસવીર બદલી નાખી છે.

ભૂકંપ વખતે મે કહ્યું હતું કચ્છ ફરી બેઠું થશે. આપણે આપત્તિને અવસરમાં બદલીને રહીશું. આજે એ સાકાર થયું છે. આ સંકલ્પ સિદ્ધ થયો છે તેના સંદર્ભમાં વડાપ્રધાને કહ્યું કે મને કચ્છના રણમાં ભારતનું તોરણ દેખાય છે. વડાપ્રધાને કચ્છના નવનિર્માણ માટે કચ્છના લોકોનો સંઘર્ષ, સરકારની પ્રતિબદ્ધતા, ગુજરાતના વિકાસની ગાથા અને  દુનિયામાં ભારતની થઇ રહેલી પ્રગતિ અંગે કચ્છની ધરતી પર થી સંકલ્પ સિદ્ધ કરતાં કહ્યું કે ૨૦૪૭માં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે.

અગાઉના વર્ષોમાં કચ્છમાં પાણીની અછત અને તેના પરિણામે પડતી મુશ્કેલીઓની વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ પાણીની તકલીફના કારણે કચ્છના પશુપાલકોએ પોતાના પશુઓ સાથે વારંવાર પલાયન કરવું પડતું હતું અથવા તો ક્યારેક પશુઓનો ત્યાગ કરવો પડતો હતો. આજે આ જ વિસ્તારમાં છેલ્લા ૨૦ વર્ષમાં દૂધ ઉત્પાદન ૩ ગણુ વધ્યું છે. સરહદ ડેરીમાં આજે દૈનિક ૫ લાખ લીટરથી વધુ દૂધ એકત્ર કરવામાં આવે છે અને ખેડૂતો વાર્ષિક ૮૦૦ કરોડની આવક તેમાંથી મેળવે છે. કચ્છમાં થયેલી ઉદ્યોગિક પ્રગતિની વાત કરતા પ્રધાનમંત્રીશ્રીએ કચ્છના સિમેન્ટ ઉત્પાદન પ્લાન્ટ, ખાવડાનો રિનયુએબલ એનર્જી પાર્ક, મુન્દ્રા અને કંડલા પોર્ટનું દેશના માલ પરિવહનમાં હિસ્સા વિશે સગૌરવ વાત કરી હતી.

અંજારના ચંદ્રાણી ગામમાં સરહદ ડેરીના આજે લોકાર્પિત થયેલા નવા આધુનિક પ્લાન્ટમાં દૂધમાંથી વિવિધ  ઉત્પાદનો બનાવી શકાશે, જેના પરિણામે કચ્છનાં ખેડૂતોની આવકમાં મોટો વધારો થશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે જે નર્મદાજીમાં સ્નાન કરવા માટે અગાઉ લોકોને યાત્રા કરવી પડતી હતી, એ નર્મદાજીના પાણી આજે કચ્છ સુધી પહોંચ્યા છે.

જે કચ્છના રણ વિસ્તારમાં સિંચાઈ યોજનાઓની કલ્પના પણ નહોતી કરી શકાતી, ત્યાં આજે નર્મદાના પાણી પહોંચતા હજારો હેક્ટર જમીન માટે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થઈ છે , જેણે કચ્છના હજારો ખેડૂત ભાઈઓ માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલ્યા છે. સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ થવાથી કચ્છના ખેડૂતો માટે આવેલા પરિવર્તનની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આજે ફળ ઉત્પાદનના મામલામાં કચ્છ ગુજરાતનો નંબર વન જિલ્લો બન્યો છે. કચ્છી માડુએ ‘મહેનતના ફળ મીઠા’ કહેવતને સાકાર કરી બતાવી છે.

પ્રાકૃતિક આપદાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતે કરેલી કામગીરીની વાત કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે  ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય હતું, જેના પગલે અન્ય રાજ્યોએ પણ આ પ્રકારના એક્ટ બનાવ્યા હતા, જે કોરોના કાળમાં અત્યંત ઉપયોગી નીવડ્યા  હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૧માં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે હું દિલ્લી હતો અને થોડા કલાકોમાં કચ્છ પહોંચી ગયો હતો. તે સંદર્ભમાં તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી બન્યા પછી અહીં કરેલા સેવાકાર્યો મને ખૂબ કામ લાગ્યા છે. ભૂકંપ બાદ કચ્છમાં થતાં સેવાકાર્યો જોવા વિદેશથી લોકો આવતા હતા. તેઓ કહેતા કે આવો સેવાભાવ ક્યાંય જોવા નથી મળ્યો. આ સામૂહિકતાની શક્તિ છે.

કચ્છ સાથે મારો જૂનો અને ખૂબ ગાઢ સંબંધ છે જણાવતા કચ્છના પુનઃ નિર્માણમાં મહાનુભાવોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કચ્છનો વિકાસ શૈક્ષિણક સંસ્થાઓ, રિસર્ચ સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે. ભૂકંપમાં કચ્છની જિલ્લા હોસ્પિટલ ધ્વસ્ત થઈ ગઈ હતી. આજે કચ્છમાં ભૂકંપપ્રૂફ હોસ્પિટલ અને ૨૦૦ દવાખાના છે. એક સમયે કચ્છની ધરતી સૂકી હતી. આજે અહીં નર્મદાનાં નીર પહોંચ્યા છે.

કચ્છ જિલ્લા એ પોતાની વિરાસતને ગૌરવભેર દેશ સમક્ષ મૂકી છે. ધોળાવીરાની નગર નિર્માણની વ્યવસ્થા આજે વિશ્વ વિરાસત બની છે. દુનિયાની સભ્યતા જ્યારે પ્રારંભિક તબક્કામાં હતી ત્યારે આપણા પૂર્વજોએ ધોળાવીરા જેવી આધુનિક સંસ્કૃતિ વિકસાવી હતી. આજે પણ ગુજરાતના સરદાર પટેલ તેમજ શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકો લોકો માટે આદર્શ બન્યા છે. કચ્છના પ્રવાસન સ્થળો, કચ્છના વિવિધ ઉત્પાદનો, કચ્છી કારીગરી વગેરેને કારણે આજે દેશ દુનિયામાં ‘કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા’ ની ચર્ચા છે. કચ્છ એ માત્ર એક સ્થાન નહીં પરંતુ સમૃદ્ધિનો માર્ગ ખોલતી જીવંત ચેતનાનો મનોભાવ છે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ રણ ઉત્સવ જેટલી જ તાકાત સ્મૃતિવનમાં હોવાનો લોકો સમક્ષ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કચ્છના છેવાડાના ગામ મોડકુબા સુધી નર્મદાના નીર પહોચાડી વડાપ્રધાને કચ્છના લોકોને નર્મદાનું નીર આપવાનું વચન પાળી બતાવ્યું છે. નર્મદા નીરના આગમનથી કચ્છના ૭ તાલુકા, ૧૮૨ ગામડાઓને પોણા ત્રણ લાખ સિંચાઇ વિસ્તાર તેમજ ૯૪૮ ગામોને પીવાનું પાણી પહોચતું થશે. અંદાજે રૂ. ૧૭૪૫ કરોડના ખર્ચે આજે ૧૪૩ કિ.મી. લાંબી બ્રાંચ કેનાલની ભેટ આપી વડાપ્રધાનશ્રીએ જે કહેવું તે કરવુંની વાત સાકાર કરી છે. કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે બનવાની સાથે નરેન્દ્ર મોદીએ માત્ર ૧૭ દિવસમાં જ નર્મદા બંધના દરવાજા મુકવાની પરવાનગી આપી પાણીદાર ગુજરાતની વિભાવનાને સાકાર કરવાની સાથે દાયકાઓ સુધી કચ્છને વિકાસથી વંચિત રાખનારાઓને પણ જડબાતોડ જવાબ આપ્યો છે.

મુખ્યમંત્રીએ વર્ષ ૨૦૦૧ના ગોઝારા ભૂકંપને યાદ કરતાં જણાવ્યું હતું કે, એ વિનાશકારી ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રૂ. ૩૭૫ કરોડના ખર્ચે નિર્મિત સ્મૃતિવન તેમજ વીરબાળ સ્મારક એ દિવંગતોને લોકમાનસમાં સદાય જીવંત રાખશે તેમ જણાવી આ વિકાસકામોની ભેટ કચ્છને વિશ્વભરમાં ઝળકાવશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય ૬ કામોનું ઈ-લોકાર્પણ તથા પાંચ કામોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં રૂ.૧,૭૪૫ના કરોડના ખર્ચે બનેલી કચ્છ શાખા નહેર, રૂ.૧,૧૮૨ના કરોડના ખર્ચે બનેલા નખત્રાણા અને ભુજ સબસ્ટેશન, રૂ. ૧૨૯.૨૨ કરોડના ખર્ચે બનેલો ચદ્રાણી ખાતેનો સરહદ ડેરીનો દૂધ ઉત્પાદન અને પેકેજીંગ પ્લાન્ટ, રૂ.૧૯૦ કરોડના ખર્ચે બનેલું ભુજનું પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, રૂ.૩૯ કરોડના ખર્ચે બનેલું ગાંધીધામ ખાતેનું ડો.બાબાસાહેબ આંબેડકર સંમેલન કેન્દ્ર, રૂ.૧૭.૫૦ કરોડના ખર્ચે આકાર પામેલું અંજાર ખાતેનું વીર બાળ સ્મારક એમ કુલ ૬ વિકાસકામોને તેમણે લોકર્પિત કર્યા હતા.

આ ઉપરાંત રૂ.૧,૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા ભુજ- ભીમાસર નેશનલ હાઇવે પ્રોજેકટ, રૂ.૪૩.૪૦ કરોડના ખર્ચે બનનારી ગાંધીધામની અન્ડરગ્રાઉન્ડ ડક્ટ, રૂ.૩૨.૭૧ કરોડના ખર્ચે માતાના મઢના પર્યટન વિકાસના કામો, ગાંધીધામ નગર પાલિકાના સ્વર્ણિમ જયંતિ અન્વયેના રૂ. ૨૨.૬૭ કરોડના તથા રૂ. ૩૦.૭૯ કરોડના બે કામો સહિત કુલ પાંચ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments