Team Chabuk-Gujarat Desk: તમે બર્ડ લવર હોવ અને નળ સરોવર તથા થોળ ખાતે પક્ષી દર્શનનું આયોજન આવતા શનિવાર-રવિવારની રજામાં કરવાનું વિચારતા હો, તો હાલ પૂરતું સ્થગિત રાખજો, કારણ કે નળસરોવર અને થોળ પક્ષી અભયારણ્ય ખાતે આગામી તા. ૫ અને ૬ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ બંને જળાશયોના પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. આ બંને દિવસ દરમ્યાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનીક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
દર બે વર્ષે પક્ષી ગણતરી
રાજ્યના વન વિભાગ દ્વારા દર બે વર્ષે એક વાર નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્ય ખાતે પક્ષી ગણતરી યોજવામાં આવે છે. ગત વર્ષે થયેલ પક્ષી ગણતરીમાં નળ સરોવર ખાતે પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. જ્યારે કચ્છમાં યોજાયેલ પ્રથમ પક્ષી વસ્તી ગણતરીમાં મોટી માત્રામાં પક્ષીઓ નોંધાયા હતા.
વર્ષ 2020માં પક્ષી ગણતરી
નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્ય ખાતે વનવિભાગ દ્વારા વર્ષ 2020માં પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણતરી માટે નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્ય વિસ્તારને અનુક્રમે ૪૦ અને ૮ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. ગણતરીમાં રાજ્યભરમાંથી ખાસ આમંત્રિત કરવામાં આવેલ પક્ષીવિદો ઉપરાંત વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મળી કુલ ૧૫૦થી વધુ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. ગણતરીના આંકડાઓની પ્રજાતિવાર નિષ્ણાંતો દ્વારા ચકાસણી બાદ, ડુપ્લિકેશન દૂર કરી પ્રજાતિવાર પક્ષીઓની સંખ્યાનો અંદાજ આખરી કરવામાં આવ્યો હતો.
નળ સરોવરમાં 131 પ્રજાતિના પક્ષી નોંધાયા હતા
આ ગણતરીમાં નળ સરોવરમાં ૧૩૧ પ્રજાતિઓના ૩,૧૫,૦૦૦થી વધુ પક્ષીઓ નોંધાયા હતા, જે અત્યાર સુધી યોજાયેલ ગણતરીઓમાં સૌથી વધુ હતા. જ્યારે થોળમાં ૮૭ પ્રજાતિઓના ૫૭,૦૦૦થી વધુ પક્ષીઓ નોંધાયા હતા. આ પૂર્વે વર્ષ-૨૦૧૮માં યોજાયેલ પક્ષી ગણતરીમાં નળ સરોવર ખાતે ૧૨૨ પ્રજાતિના ૧,૪૩,૦૦૦થી વધુ પક્ષીઓ તથા થોળ ખાતે ૯૨ પ્રજાતિના ૪૦,૦૦૦થી વધુ પક્ષીઓ નોંધાયા હતા. નળ સરોવર ખાતે રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા અભિયાન સ્વરૂપે પ્લાસ્ટીકના કચરાની સફાઇ અને વન્યજીવ વ્યવસ્થાપનના ભાગરૂપે કરવામાં આવેલ વન્યજીવ રહેઠાણ સુધારણાની કામગીરીના હકારાત્મક પરિણામ મળ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત