Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોનાના કેસને લઈને સતત રાહતના સમાચાર આવી રહ્યા છે. દિન પ્રતિદિન ઘટી રહેલા કોરોના કેસના કારણે રાજ્યભરમાં શિક્ષણકાર્ય ફરી શરૂ કરવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ઘટી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈને રાજ્ય સરકારે રાજ્યભરમાં બાળમંદિર, પ્રિ-સ્કૂલ અને આંગણવાડીઓ ખોલવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની જાહેરાત કરી છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બાળમંદિર, પ્રિ-સ્કૂલ અને આંગણવાડીઓ શરૂ થશે. 17મી ફેબ્રુઆરીથી એટલે કે આગામી ગુરુવારથી કોરોનાની SOP પ્રમાણે બાળકો સ્કૂલ અને બાળમંદિરે જઈ શકશે. શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું કે, વાલીઓની સંમતિ સાથે રાજ્યભરમાં બાળમંદિર, પ્રિ-સ્કૂલ શરૂ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું હતું. રાજ્યમાં હાલ પ્રાથમિક, માધ્યમિક સ્કૂલો અને કોલેજો ચાલું છે. સ્કૂલો અને કોલેજોમાં SOP ગાઇડલાઇનનું પાલન થઈ રહ્યું છે. આ ઉપરાંત તેમણે બાલમંદિર એટલે કે પ્રિ-સ્કૂલ મુદ્દે પણ વાત કરી હતી.
મહત્વનું છે કે કોરોના વાઈરસની દેશમાં એન્ટ્રી થતાં વર્ષ 2020માં સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી. પરંતુ એક વર્ષમાં જ કોરોનાની સ્થિતિ ફરી વણસતાં 18 માર્ચ, 2021માં ચાર મહાનગરોમાં ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરી ઓગસ્ટમાં સ્કૂલો ખોલવામાં આવી હતી. પરંતુ ડિસેમ્બર 2021માં ત્રીજી લહેર શરૂ થતા જાન્યુઆરી 2022માં સ્કૂલો બંધ કરવામાં આવી હતી. જો કે 16 માર્ચ, 2020 બાદ પ્રથમ વખત પ્રિ-સ્કૂલ અને બાળમંદિર ખુલવા જઈ રહ્યા છે.
પ્રિ-સ્કૂલ ખોલવાની જાહેરાત કર્યા બાદ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ યુક્રેન કટોકટી મામલે કહ્યું કે, ગુજરાતના ફસાયેલા વિદ્યાર્થીઓ પર રાજ્ય સરકારની નજર છે. તેમજ તે માટે સરકાર મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
