દિવાળી આવી રહી છે ત્યારે લોકો અત્યારથી જ પ્લાનિંગ કરી રહ્યાં છે કે પ્રવાસ માટે જવું તો જવું ક્યાં? હાલમાં કોરોના વાઈરસની મહામારીને કારણે લોકોમાં પણ મૂંઝવણ છે કે, પ્રવાસ દરમિયાન કોરોના સંક્રમણ તો નહીં થઈ જાય ને. આમ છતા પણ લોકો દિવાળી દરમિયાન પોતાનો પ્રવાસ યથાવત રાખી શકે છે એ પણ માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીને. ગુજરાતી લોકોનો તો દિવાળીને લઈને અલગ જ ઉત્સાહ હોય છે.
કહેવાય છે ને કે ગુજરાતીઓ ખાવાના તેમજ હરવા-ફરવાના બહુ શોખીન હોય છે. કોઈ તહેવાર આવ્યો એટલે છપ્પન ભોગ તૈયાર તો સાથે જ ફરવા માટે પણ હંમેશા તૈયાર. એવામાં દિવાળીમાં ફરવા જવાનું તો પાકું જ હોય. પરંતુ આ વર્ષે કોરોનાએ મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. એવામાં હવે એવું કયું સ્થળ છે જ્યાં મસ્તરામ થઈને હરીફરી શકાય ?
દિવાળીમાં ફરવા જવા માટે કચ્છનું સફેદ કેવું રહેશે? કચ્છના સફેદ રણમાં રણોત્સવ 12 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. રણોત્સવનું સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે ટેન્ટ સિટી. આ ટેન્ટ સિટી પૂરા 7500 ચોરસ મીટરમાં પથરાયેલું છે. સાથે કચ્છના સફેદ રણની ખુબસુરતી પણ ઉડીને આંખે વળગે તેવી છે. 12 નવેમ્બરથી શરૂ થઈને 28 ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓ કચ્છના સફેદ રણની મોજ માણી શકશે.
ટેન્ટ સિટીની ખાસ વાત એ છે કે અહીં તમને ફાઈવ સ્ટાર હોટલ જેવી જ સુવિધા મળી રહેશે. ટેન્ટ સિટીમાં તમને એર-કન્ડીશન્ડ તેમજ નોન- એરકન્ડીશન્ડ ટેન્ટસ મળી રહેશે. અંદરનો નજારો જોઈને તમે આલીશાન હોટલ પણ ભૂલી જશો. જોકે, અહીં રહેવું પ્રવાસીઓ માટે થોડું મોંઘુ છે. એટલે જ પ્રવાસીઓની પસંદગી માટે પોસાય તેવાં પેકેજના સંખ્યાબંધ વિકલ્પો પણ ઉપલબ્ધ છે.
કચ્છના આ આકર્ષિત સફેદ રણમાં સૂર્યાસ્તની ભવ્યતાની પણ અલગ જ મજા પ્રવાસીઓ માણી શકે છે. અહીં પ્રવાસ માટે આવ્યા એટલે કાળા ડુંગરની પણ મુલાકાત થઈ જાય.
કચ્છની ધરતી પર રણોત્સવ ક્યારથી શરૂ થયો ?
રણોત્સવના પ્રારંભની વાત કરીએ તો, વર્ષ 2009માં કચ્છના ધોરડો નજીક સફેદ રણમાં રણોત્સવની શરૂઆત કરાઈ હતી. ત્યારથી લઈને આ રણોત્સવ પોતાની ભવ્ય તૈયારીને કારણે આજે પણ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.
જોકે સરકાર દ્વારા વર્ષ 2013થી રણોત્સવનું સંચાલન ખાનગી કંપની સોંપાયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. સરકાર પાસે રણોત્સવનું સંચાલન હતું ત્યારે પ્રવાસીઓની સંખ્યા વધી રહી હતી, પરંતુ ખાનગી કંપનીએ રણોત્સવને પોતાના માટે એક કમાણીનું માધ્યમ બનાવી લેતા આ સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
પ્રવાસીઓ માટે આ રણોત્સવની મુલાકાત ખર્ચાળ પણ બની ગઈ છે. જેમાં પ્રવાસીઓ માટે પાયાની સુવિધાઓની પણ વ્યવસ્થા મળતી નથી. પરંતુ હા સામાન્ય માણસને છોડીને નેતાઓ તેમજ અધિકારીઓની મહેમાનગતિમાં કોઈ પ્રકારની ખામી રાખવામાં આવતી નથી. આ લોકોની રણોત્સવના પ્રવાસ દરમિયાન સારી રીતે સાચવણી તેમજ જાળવણી કરવામાં આવે છે.
આ રણોત્સવની મુલાકાત કચ્છમાંથી જ આવનાર કોઈ સ્થાનિક પરિવારને પણ પરવડે તેમ નથી. તો પછી બહારથી આવનાર પ્રવાસીઓની વાત તો દૂરની રહી! ગત વર્ષે રણોત્સવની 2 લાખ 49 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેનાથી સરકારને 1 કરોડ 79 લાખ 22 હજારથી વધુની આવક થઈ હતી. તો વરસાદના કારણે રણની ચમક થોડી ફિક્કી પડી હતી. આ વર્ષે વરસાદ તો નથી પરંતુ કોરોનાના કારણે લોકો આવવાનું ટાળશે તેવો અંદાજ છે.
રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને મળતા લાભ
પ્રવાસીઓને રણોત્સવ દરમિયાન રણપ્રદેશમાં ઊંટ પર ફરવું, કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતા ભુંગાઓમાં રાત્રિરોકાણ, કચ્છની સંસ્કૃતિના જન જીવનની પ્રત્યક્ષ ઝાંખી કરાવતા પ્રદર્શનો, કચ્છના સંગીત, તેમનું ભરતકામ, તેમની માટીકલા, કલાકરોના કસબનું નિદર્શન સાથે જ કચ્છની વાનગીઓનો સ્વાદ પણ મેળવી શકે છે.
એકવાર કચ્છમાં પ્રવાસ માટે આવ્યા પછી અહીં રણોત્સવની સાથે-સાથે આસપાસના કેટલાક એવા સ્થળો પણ આવેલા છે જેનો આનંદ પણ ઉઠાવી શકાય. જેમ કે, ભુજમાં આવેલા પ્રાગ અને દર્પણ મહેલ, કચ્છ મ્યુઝિયમ, માંડવી અને કચ્છની નજીક આવેલું ધોળાવીરા પ્રવાસન સ્થળ પણ જોવાલાયક સ્થળોમાંનું એક સ્થળ છે. તો કચ્છના રણમાં ફરતા-ફરતા હસ્તકલામાં માહિર એવા કસબીઓને કામ કરતા જોવાનો લ્હાવો પણ અલગ જ છે, ઉપરાંત તેમની પાસેથી કલાકૃતિઓની ખરીદી પણ કરી શકાય.