અમરેલીથી યુગ અગ્રાવત : 4 ઓગસ્ટ 2020ના રોજ Amazone prime Video પર રિલીઝ થયેલી સુર અને સંગીતમય વેબસિરીઝ એટલે Bandish Bandits. સૌપ્રથમ તો આપણે એનું નામ સમજીએ. Bandish એટલે હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકમાં કરેલું કમ્પોઝિશન. Bandit એટલે નિયમવિરુદ્ધ, ગેરકાનુની. આ વેબ સિરીઝમાં હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક અને પૉપ મ્યુઝિકનો સમન્વય કરેલો છે. મુળ આ સિરીઝના પાત્રો કંઈક હટકે કરવા માટે પરંપરાથી થોડો વિરુદ્ધ ગયા હોવાથી આ સિરીઝનું નામ Bandish Bandits.

આ વેબસિરીઝમાં Music સાથે મોટિવેશન છે. આ વેબસિરીઝમાં પરંપરા છે, પ્રેમ છે,પીડા છે,પસ્તાવો છે. આ વેબસિરીઝમાં સંબંધોના તાણાવાણા છે તો સાથે સાથે સરસ મજાના ક્લાસિકલ અને પૉપ ગાણા છે. આ વેબસિરીઝમાં સુખ છે. દુઃખ છે. હાસ્ય છે. આંસુ છે. આ વેબસિરીઝમાં વિરહની વેદના છે તો મિલનની મીઠાશ પણ છે.
અને સૌથી મહત્વની વાત આ વેબ સિરીઝમાં શંકર અહેસાન લોયે આપેલું સરસ મજાનું હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક છે સાથે સાથે જાવેદ અલીનો અવાજ છે.
આ વેબસિરીઝનો હીરો શાસ્ત્રીય સંગીતમાં પૂર્ણ છે,પણ પ્રસિદ્ધ નથી, હીરોઇન પ્રસિદ્ધ છે પણ સંગીતમાં પૂર્ણ નથી. આમ પૂર્ણ અને અપૂર્ણના મિલન થકી સંપૂર્ણ સુધી જવાના પ્રયત્નનું નામ એટલે Bandish Bandits.

સિરીઝનો હીરો રાધે એક એવો વ્યક્તિ છે જે પોતાના પરિવારમાં ક્યારેય કોઈને ના નથી પાડી શકતો. એનો આત્મવિશ્વાસ થોડો ડગેલો છે. ક્લાસિકલ સંગીત શીખવું એ એનું પેશન છે. બીજી બાજુ સિરીઝની હિરોઇન તમન્ના એક અલ્લડ શહેરી છોકરી છે. જેનામાં આત્મવિશ્વાસ છે. એ પોતાના નિર્ણયો જાતે કરે છે.
વેબસિરીઝનો પ્લોટ
પંડિતજી (નસીરુદ્દીન શાહ) એ એક હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકના ખૂબ સારા જાણકાર હોવાની સાથે સાથે પોતાની પરંપરા અને નિયમોમાં ખૂબ માને છે. પંડિતજી માટે સંગીત એ સાધના છે. તે સંગીતના નામે થતા ઘોંઘાટથી નફરત કરે છે. પોતાની આ પરંપરાના ઉત્તરાધિકારી તરીકે પંડિતજી કોઈપણ વ્યક્તિને બહુ જલ્દી પસંદ કરતા નથી અને જેને પસંદ કરે છે એણે એમની પરંપરા અને મર્યાદાનું ચુસ્તપણે પાલન કરવું પડે છે.
જો એ વ્યક્તિની આ બાબતે સહેજ પણ ચૂંક થાય તો તેને શિષ્ય તરીકેનો હક અને સંગીત છોડવું પડે છે. પંડિતજીનો પૌત્ર એટલે આ સિરીઝનો હિરો રાધે એમનો શિષ્ય બનવા માંગે છે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાના લીધે એને નોકરી કરવી પણ જરૂરી છે. માટે એ રિયાઝનો સમય ઓછો કરીને નોકરી ચાલુ કરે છે અને એના શહેરમાં આવેલી એક ગાયક કલાકાર તમન્નાના પ્રેમમાં પડે છે.

રાધેના ક્લાસિકલ સંગીત પ્રત્યેના પ્રેમના કારણે પંડિતજી એને શિષ્ય બનાવીને એને ઉત્તરાધિકારી બનાવવા માટેની જાહેરાત કરે છે પરંતુ જે દિવસે ગન્ડા બંધનની વિધિ એટલે કે ગુરુ ધારણ કરવાની વિધિ હોય છે એ દિવસે તમન્નાની ભૂલના કારણે રાધે 10 મિનિટ મોડો પડે છે.
સમયપાલનના ચુસ્ત આગ્રહી એવા પંડિતજી એને ઉત્તરાધિકારી બનાવવાની ના પાડે છે. રાધે દુઃખી થઈ જાય છે. પંડિતજીને વિનવણી કરે છે પણ તે એકના બે થતા નથી. છેવટે રાધેના કાકા દ્વારા રાધેને ખબર પડે છે કે જો રાધે પ્રાયશ્ચિત કરે તો પંડિતજી એને ફરીથી શિષ્ય બનાવે.

રાધે પ્રાયશ્ચિત કરવા બાબતે પંડિતજી સાથે વાત કરે છે. પંડિતજી પ્રાયશ્ચિત કરવા માટે બહુ આકરી શરત મૂકે છે. રાધે રાત દિવસ રિયાઝ કરી. મહેનત કરી અને એ પરીક્ષા માટે તૈયારી કરે છે. પોતાની મહેનત અને લગનના કારણે રાધે એ પરીક્ષામાં પાસ થઈ જાય છે. પંડિતજી એને પોતાના ઉત્તરાધિકારી તરીકે સ્વીકારે છે. એનો રિયાઝ ચાલુ થઈ જાય છે. પણ અચાનક વાર્તામાં વળાંક આવે છે રાધેને એના પિતાએ 1.5 કરોડ રૂપિયાની લોન લીધી હોય છે એના વિશે ખબર પડે છે જો એ લોન ભરાય નહીં તો બેન્ક વાળા એની હવેલીની હરાજી કરશે એવું એને જાણવા મળે છે.
રાધે પોતાના પરિવારને બરબાદ થતા બચાવવા માટે શું કરવું શું ન કરવું એ વિશે વિચારતો હોય છે ત્યાં અચાનક એના પરિવારને એક બીજો ઝટકો લાગે છે અને રાધેની એક રોમાંચક સફર શરૂ થાય છે. હવે આગળ શું થાય છે એ તમારે જાણવું હોય તો આ વેબ સિરીઝ જોવી જ રહી…!!( બધું થોડું કાંઈ હું કહી દઉં..)
એક્ટિંગ-વેક્ટિંગ
દરેક એક્ટરે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. પંડિતજી તરીકે નસીરુદ્દીન શાહનો અભિનય ખુબ સરસ છે. મોહિનીના પાત્રમાં શીબા ચઢ્ઢાએ જાજરમાન વ્યક્તિત્વ સાથે અભિનયના ઓજસ પાથર્યા છે. દિગ્વિજયના પાત્રમાં અતુલ કુલકર્નીનો અભિનય પણ જબરદસ્ત છે. રાધેના પાત્રમાં રિત્વિક ભૌમિક અને તમન્નાના પાત્રમાં શ્રેયા ચૌધરીએ પણ સારું કામ કર્યું છે.

આ વેબ સિરીઝમાં હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકના જુદા જુદા રાગોને લઈને સરસ મજાના ગીતો રજુ કર્યા છે. ખાસ તો સંગીત સમ્રાટ સમારોહમાં ગવાયેલ કેસરિયા બાલમ, શૃંગારરસના ભાવ સાથે ગવાયેલ ઠુમરી લબ પર આયે… વિરહભાવ સાથે ગવાયેલ ગીત એરી સખી રંગ રંગ અને છેલ્લે રાગ મલ્હારમાં ગરજ ગરજ નામનું ગીત હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરાવે છે.
હવે વાત કરીએ આ વેબસિરિઝ જોઈને જીવનમાં શુ ઉતારવું?
1. તમારા કામ માટે પેશન રાખો. તમે સપનું જોયુ છે તો એને પુરૂ કરવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરો.
2. પરંપરામાં માનો પણ પરંપરાને જડ રીતે ના વળગી રહો. સમયની સાથે પરંપરાને પ્રવાહી બનાવો, કારણકે જે નદીની જેમ વહી જાણે છે એ વ્યક્તિ જ સાગરની વિશાળતાને પામી શકે છે.
3. અપના ટાઈમ આયેગાની નીતિ રાખવા કરતા અપના ટાઈમ આ ગયા હૈ એવું માનીને મહેનત કરવી જોઈએ.
5. Everything is fair in love and war આ નિયમને નાતે, આ સિરીઝના પાત્રો જેમકે પંડિતજી, દિગ્વિજય એ સામ, દામ, દંડ, અને ભેદની નીતિનો સારો ઉપયોગ કર્યો છે. પણ આપણી આ નીતિ કોઈનું જીવનના બગાડે એ જોવું પણ જરૂરી છે.
6. તમને એમ લાગે કે તમારાથી કંઈક ભૂલ થઈ છે. કોઈકનું દિલ દુભવ્યું છે તો એની માફી માંગી લો. ગમે એટલા વર્ષો થયા હોય તમે ઉંમરમાં નાના હોય કે મોટા હોય પણ પોતાની ભૂલ સ્વીકારી સામેવાળાની માફી માંગી લો. એમ કરવાથી મનનો બોજ પણ હળવો થશે.
7.સફળતાના ક્યારેક શોર્ટ કટ નથી હોતા. કોઈપણ ક્ષેત્રમાં મહારત હાંસલ કરવા માટે મહેનત કરવી જરૂરી છે.
8.પોતાના પરિવારથી વિશેષ બીજું કંઈ નથી. જો તમારો પરિવાર તમારી સાથે હશે તો તમે જિંદગીની કોઈપણ જંગ આસાનીથી જીતી શકશો. પરિવાર તમને મુશ્કેલીઓ સામે લડવા માટેનું પ્રેરકબળ પૂરું પાડશે.
9.જીવનમાં મિત્રો જરૂરથી રાખો.તમારા સુખ-દુઃખ, હાસ્ય-રુદન, તમારી સફળતા-નિષ્ફળતાને એની સાથે વહેંચો. એ તમને ફ્રેશ રાખશે, નવા નવા આઈડિયા આપશે અને સૌથી મહત્વ મિત્ર તમને મોટીવેટ કરશે. એની સાથેની ધીંગામસ્તી તમને થોડીવાર માટે આ દુન્યવી પલોઝણમાંથી છોડાવીને તમને તરોતાજા કરી દેશે.
10.તમારી અંદર પડેલી ક્ષમતાને ઓળખો. તમે શું કરી શકો એમ છો એ વિશે તમારાથી વધુ બીજું કોઈ નહીં જાણી શકતું હોય. માટે તમારામાં રહેલી ક્રિએટિવિટીને ઓળખો એને બરાબર માંજો અને જીવનમાં કંઈક નવું કરવા, આ દુનિયાને કંઈક નવું આપવા માટે હર હંમેશ તૈયાર રહો.