Homeગુર્જર નગરીવાહ રે... 1 હજાર રૂપિયામાં ઓનસ્પોટ રજિસ્ટ્રેશન પણ થઈ જશે અને વેક્સિન...

વાહ રે… 1 હજાર રૂપિયામાં ઓનસ્પોટ રજિસ્ટ્રેશન પણ થઈ જશે અને વેક્સિન પણ મળી જશે

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં સરકાર દ્વારા ઝડપથી વેક્સિનેશન થાય તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલ 18 થી 45 વર્ષના લોકોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ ગુજરાતમાં વેક્સિનેશન માટે જાણે બે નિયમો હોય તેવું લાગી રહ્યું છે. આ વાત સ્પષ્ટ થઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક જાહેરાત પરથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે કે આવતીકાલે એટલે કે 27 મેના રોજ શહેરની એપોલો હોસ્પિટલ દ્વારા જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન યોજવામાં આવશે.

એપોલો હોસ્પિટલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી વેક્સિનેશન ડ્રાઈવ યોજે તેમાં કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ જે પદ્ધતિથી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન યોજાવાની છે તેનાથી એપોલો હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્નેની કાર્ય પદ્ધતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, એપોલો હોસ્પિટલ દ્વારા જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન પેઈડ હશે અને એ પણ એક ડોઝના 1 હજાર રૂપિયા. વેક્સિન દીઠ લાભાર્થીએ 1 હજાર રૂપિયા ચાર્જ ચુકવવો પડશે. અહીં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે રાજ્ય સરકાર દ્વારા વેક્સિનના ડોઝનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. સરકારે કહ્યું છે કે, ખાનગી હોસ્પિટલમાં કોઈ વ્યક્તિને વેક્સિન લેવી હોય તો 250 રૂપિયામાં વેક્સિન મળશે. જેમાં 150 રૂપિયા વેક્સિન ચાર્જ અને 100 રૂપિયા વહીવટી ચાર્જ. આમ કુલ 250 રૂપિયામાં ખાનગી હોસ્પિટલમાં વેક્સિન મળશે તેવી જાહેરાત ખુદ રાજ્ય સરકારે કરી છે.

આથી જો રાજ્ય સરકારે જ 250 રૂપિયા વેક્સિનના ભાવ નક્કી કર્યા હોય તો એપોલો હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી વેક્સિનના 1 હજાર રૂપિયા કેમ ? શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એપોલો હોસ્પિટલને કોઈ લાભ પહોંચાડવા માટે આ પ્રકારની ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન યોજવા પરવાનગી આપી છે.

હવે બીજી વાત, આ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં રાજ્ય સરકારના વધુ એક નિયમનો ઉલાળિયો થવાનો છે. બે દિવસ પહેલા ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં જઈને જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં 18 થી 45 વર્ષના લોકોએ વેક્સિન લેવા માટે પ્રી-રજિસ્ટ્રેશન કરાવવું જ પડશે. ઓનસ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને કોઈને વેક્સિન આપવામાં નહીં આવે. ત્યારે એપોલો હોસ્પિટલ દ્વારા યોજનારી આ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં તમામ લોકોનું ઓનસ્પોટ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. શું ગુજરાતમાં બે અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે ?

એક તરફ રાજ્યમાં અન્ય લોકોને પ્રી-રજિસ્ટ્રેશન કરીને વેક્સિન લેવામાં અનેક પ્રકારની મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે એપોલો હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે યોજાનાર આ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં 1 હજાર રૂપિયા લઈને ઓનસ્પોટ રજિસ્ટ્રેશન પણ કરી દેવામાં આવશે અને વેક્સિન પણ આપી દેવામાં આવશે.

આ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં વેક્સિન, સ્ટાફ અને અન્ય વ્યવસ્થા એપોલો હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે અન્ય જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. આ વેક્સિનેશન સવારે 9 કલાકથી સાંજના 5 વાગ્યા સુધી યોજાનાર છે. જેમાં દરરોજ અંદાજે 1 હજાર લોકોને વેક્સિન આપવામાં આવશે. વેક્સિન લેવા આવનારે 1 હજાર રૂપિયાનું પેમેન્ટ કેશ/કાર્ડ/પેટીએમ દ્વારા કરવાનું રહેશે.

ધ ચાબુકના સવાલ

સરકારે વેક્સિનના 250 રૂપિયા નક્કી કર્યા છે તો એપોલો હોસ્પિટલ 1 હજાર રૂપિયા કેમ વસૂલી શકે ?

વેક્સિનના વધુ ભાવ લેવા પાછળનું કારણ શું ?

ગુજરાતમાં ઓનસ્પોટ રજિસ્ટ્રેશનનો નિયમ લાગુ નથી તો અહીંયા ઓનસ્પોટ રજિસ્ટ્રેશનની પરવાનગી કેમ ?

શું ગુજરાત સરકારે બનાવેલા નિયમો એપોલો હોસ્પિટલને લાગુ નથી પડતાં ?

શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એપોલો હોસ્પિટલને કોઈ લાભ કરાવવા ઇચ્છે છે ?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments