Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ થતાં ખેડૂતોએ હોંશે હોંશે વાવણી પણ કરી દીધી છે પરંતુ જુલાઈ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. અનેક જગ્યાએ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હવે ખેડૂતો માટે એક આશાનું કિરણ જાગ્યું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે 24 જુલાઈને શનિવારથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે (Rain forecast in Gujarat from today). ભારતીય હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 24 જુલાઈથી ગુજરાતમાં ચોમાસુ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે 24 જુલાઈને શનિવારના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દિવ-દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. આગામી 25,26 અને 27 જુલાઈએ કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તેમ જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ અને કચ્છમાં વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગનું માનવું છે.
મહત્વનું છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશન સક્રિય થતાં રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે આવા વિસ્તારમાં પણ સારો વરસાદ પડવાની આશા છે. 24 થી 26 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધી આટલો વરસાદ નોંધાયો
રાજ્યમાં આ વર્ષે ધાર્યા પ્રમાણે વરસાદ ન પડતાં જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. દર વર્ષની માફક જુલાઈ માસમાં આ વર્ષે વરસાદ પડ્યો નથી. રાજ્યમાં અત્યાર સુધી પડેલા વરસાદની વાત કરીએ તો, સરેરાશ 25.79 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ પંથકમાં 27.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 19.28 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 21.90 ટકા, સૌરાષ્ટ્રમાં 24.04 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.75 ટકા વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે જ્યારે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. હવામાન વિભાગનું માનવું છે કે આગામી સમયમાં લો પ્રેશરના કારણે રાજ્યભરમાં સારો વરસાદ થશે અને વરસાદની જે ઘટ છે તે પૂરી થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત