Homeગુર્જર નગરીરાજકોટઃ 23 વર્ષીય પુત્રના મૃત્યુ બાદ પિતાએ પુત્રની ત્વચાનું દાન કર્યું, રાજકોટ...

રાજકોટઃ 23 વર્ષીય પુત્રના મૃત્યુ બાદ પિતાએ પુત્રની ત્વચાનું દાન કર્યું, રાજકોટ સિવિલમાં ત્રીજું સ્કીન ડોનેશન

Team Chabuk-Gujarat Desk: મૃત્યુ બાદ ચક્ષુદાન અને અન્ય અંગોના થતાં દાનની સાથે હવે ત્વચા દાન અંગે પણ જાગૃતિ આવી રહી છે. રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય (પી.ડી.યુ.) સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી સ્કીન બેન્કમાં છેલ્લા ૩૦ દિવસમાં ત્રીજું સ્કીન ડોનેશન આવ્યું છે. આ અનુદાનિત ત્વચા અનેક દર્દીઓની પીડા ઘટાડવામાં મદદરૂપ થશે.

સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે, જીત જેન્તીભાઈ ચુડાસમા (ઉ.૨૩)નું ૨૨મી મેના રોજ અવસાન થયું હતું. યુવાન પુત્રના મૃત્યુની કપરી ઘડીમાં પણ પિતા જેન્તીભાઈ ચુડાસમાએ સ્વર્ગસ્થ પુત્રનું અંગદાન કરવાનો નિર્ણય કરીને જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો. શ્રી ઉમેશભાઈએ પી.ડી.યુ. હોસ્પિટલ ખાતેની સ્કીન બેન્કનો સંપર્ક કરતાં, સ્કીન બેન્કની નિષ્ણાત ટીમ તાત્કાલિક જેન્તીભાઈના ઘરે પહોંચી ગઈ હતી અને સ્કીન હાર્વેસ્ટ કરીને ડોનેશનમાં મેળવી હતી. સ્વ. જીત ચુડાસમાના સ્કીન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓ ઝડપથી રીકવર થશે તથા ટ્રોમા દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસીંગ માટે પણ સ્વ.જીતની ચામડીનો ઉપયોગ કરી શકાશે. પુત્રના મૃત્યુની કપરી સ્થિતિમાં પણ અંગદાનનો ઉમદા નિર્ણય કરીને લોકહિતના કામમાં ઉપયોગી થવા બદલ સમગ્ર પરિવારને બિરદાવવામાં આવ્યો હતો.

doctor plus

જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, જેન્તીભાઈ ચુડાસમા ઘણા સમયથી ટ્રસ્ટના સંપર્કમાં હતા. એમણે અગાઉ ચક્ષુદાન-અંગદાનનું ફોર્મ પણ ભરેલું હતું. પરંતુ તેમના પુત્રનું મૃત્યુ થતાં સવારે ૩.૩૦ કલાકે ફોન આવ્યો હતો અને જીતના ચક્ષુદાન-અંગદાન માટેનો નિર્ણય જણાવ્યો હતો. તેમને સ્કીન ડોનેશન માટે પણ સમજાવતા તેઓ તૈયાર થયા હતા. એ પછી સિવિલ હોસ્પિટલની સ્કીન બેન્કનો સંપર્ક કરતાં, ત્યાંની ટીમ તત્કાલ દોડી આવી હતી અને સ્કીન હાર્વેસ્ટ કરી હતી.

જીતના પિતા જેન્તીભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, મારા પુત્ર જીતનું મૃત્યુ થયું પણ અન્ય લોકોની પીડા ઘટાડી શકાય તે હેતુથી તેના અંગદાનનો નિર્ણય કર્યો હતો. અન્ય લોકોને પણ અંગદાનની પ્રેરણા મળે તેવા પ્રયાસો હું સતત કરતો રહું છું.

પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આવેલી સ્કીન બેન્કમાં થયેલું આ ત્રીજું સ્કીન ડોનેશન છે. પી.ડી.યુ. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. આર.એસ.ત્રિવેદી અને હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. મોનાલી માકડિયા સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે લોકો સજાગ થાય તે માટે પ્રયત્નશીલ છે.

નોંધનીય છે કે, સ્કીન બેન્કની નિષ્ણાત ટીમ ચક્ષુદાનની જેમ મૃતકના ઘરે કે હોસ્પિટલે જઈને સ્કીન ડોનેશન સ્વીકારે છે. આ માટે ૨૪ કલાક હેલ્પલાઈન મોબાઈલ નંબર ૭૨૧૧૧,૦૨૫૦૦ સક્રિય છે, જેના પર કોલ કરી શકાય છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments