Team Chabuk-Gujarat Desk: જીવનને રમત સમજતા અને હથેળીમાં લઈ બાઈક રેસ કરતા યુવાનો માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાને લઈ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં રાજકોટ-જામનગર હાઈવે પર યુવાનો ધૂમ સ્ટાઈલમાં બાઈક રેસ કરી રહ્યા છે. એક જાગૃત કાર ચાલકે યુવાનોની રેસગીરી કેમેરામાં કેદ કરી લીધી હતી. જેમાં આગળ જતા એક્સેસને ગમખ્વાર અકસ્માત થતા એક યુવાન ઈજાગ્રસ્ત થયો હતો તો બેનું ઘટનાસ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે ગઈકાલે મોડી રાત્રે ચારથી પાંચ યુવકોએ બાઈક રેસ કરી હતી. એવામાં ત્રણની સવારીમાં રહેલું એક્સેસ વળાંક લેતા સમયે પડધરી સર્કલ પાસેના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. મૃતકોના નામ વિશાલ અને પિન્ટુ છે. જ્યારે અન્ય એક ભરત નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલે તાબડતોડ ખસેડવામાં આવ્યો હતો. તેની આંખ અને હાથ સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બનાવ રાત્રીના 12 વાગ્યાની આસપાસનો છે. પોલીસે મૃતક બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં આ યુવાનો આડેધડ બાઈક રાઈડિંગ કરી રહ્યા હતા. અન્ય વાહનચાલકોને તેમની રેસગીરી અડચણરૂપ થઈ રહી હતી. પૂરપાટ ઝડપે મોટા વાહનોને ઓવરટેક કરી પોતાની ઝડપનો પરચો બતાવી રહ્યા હતા. અંતે જોખમી રીતે વળાંક લેવા જતા બે યુવાનો મોતને ભેટ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હવે ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવી, સ્ટન્ટ કરનારા રોમીયોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. ત્યારે તેમના પર લગામ લગાવવાની જરૂરિયાત છે. આવા યુવાનો પોતે તો હથેળીમાં જીવ લઈ ચાલતા હોય છે, પરંતુ ધ્યાનપૂર્વક વાહન ચલાવનારાઓના જીવને પણ જોખમમાં મૂકતા જાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
