Team Chabuk-Gujarat Desk: તારીખ 15 ને બુધવારના રોજ રાજકોટના દોઢસો ફૂટ રિંગરોડની પર ફોર્ચ્યુન હોટલ પાછળ ઉત્તર પ્રદેશના યુવાનની થયેલી હત્યાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી નાખ્યો છે. આ યુવાનનું નામ નિર્મોહી ઉર્ફે ભભૂતિ હોવાનું સામે આવ્યું છે. તેને તેના જ માસા કુંદને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. નિર્મોહી અને કુંદનની પત્ની વચ્ચે આડાસંબંધ ચાલી રહ્યા હતા. નિર્મોહીએ તેના માસાને કહ્યું હતું કે, ‘હું તો તેની સાથે જ જીવીશ.’ આખરે માસાનો બાટલો ફાટતા નિર્મોહીની હત્યા નીપજાવી નાખી હતી.
આ ઘટના બુધવારની રાત્રે બની હતી. ફોર્ચ્યુન હોટલની પાછળના ભાગે આવેલ ઈન્ડસ્ટ્રીઝ એરિયા ગેલઆઈ સોસાયટીના ખૂણા પાસે એક યુવાન દોડી રહ્યો હતો. દોડતા દોડતા તે એક કાર સાથે અથડાઈને ગબડી પડ્યો હતો. એકઠા થયેલા લોકોએ જોયું તો તેના ગળાના ભાગે છરીનો ઘા લાગ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પણ આખરે તેનું મોત થયું હતું. બીજા દિવસે ગુરૂવારના રોજ આ યુવાનની નિર્મોહી ચૌહાણના રૂપે ઓળખ થઈ હતી જે સોરઠીયા સમાજની વાડી સામે આવેલા કારખાનામાં કામ કરતો હોવાનું અને ત્યાં જ નાની એવી ઓરડીમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું.
તાલુકા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યાં હત્યારા તુરંત જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. હત્યાનો મુખ્ય સૂત્રધાર નિર્મોહીનો જ માસો કુંદન નીકળ્યો હતો. તેની સાથે તેના સાળા સહિત અન્ય બે લોકોને પકડી પાડ્યા હતા. આ હત્યાનું પગેરૂ પોલીસને એવી રીતે મળ્યું હતું કે નિર્મોહીની સાથે રહેતા લોકોની પોલીસે પૂછતાછ કરી હતી જ્યાં તેમણે તેના માસા કુંદન સાથે ઝઘડો થયો હોવાનું કહ્યું હતું, પોલીસે કુંદનની પૂછતાછ કરતા એ પોપટની જેમ બધુ બકી ગયો હતો.
બુધવારની રાતે નિર્મોહીને કુંદન તેનો સાળો અને અન્ય બે લોકો લઈ ગયા હતા. જ્યાં તેને તેની માસી સાથેના સંબંધો તોડી નાખવાનું કહેવામાં આવ્યું હતું પણ માસીના મોહમાં ચકચૂર નિર્મોહીએ હું તો તેની સાથે જ જીવીશ કહેતા આખરે ઝઘડો થયો હતો અને નિર્મોહીની હત્યા નીપજાવી નાખવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા