Team Chabuk-Gujarat Desk: કામના સ્થળે મજબૂરીનો લાભ લઈને અવાર નવાર યુવતીઓ સાથે દુષ્કર્મના બનાવો બનતા રહે છે. આવો વધુ એક બનાવ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં બન્યો છે. કેશોદમાં એક યુવકે પોતાની માતા-પિતાની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતીને પોતાનો શિકાર બનાવી છે. આ અંગે યુવતીએ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે એક શાળાના સંચાલકના પુત્રએ પોતાના માતા-પિતાની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતીને શિકાર બનાવીને બે વખત દુષ્કર્મ આચર્યું છે.
યુવતીનો આરોપ છે કે, આ યુવકે બે વખત દુષ્કર્મ આચરી, ખોટું બહાનું બતાવીને યુવતીને ડોક્યુમેન્ટ લઈને લગ્નનું પ્રમાણપત્ર પણ બનાવી લીધું છે. આ અંગે કેશોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ આગળ વધારી છે.
બનાવની વિગતે વાત કરીએ તો કેશોદના ઉમિયાનગર વિસ્તારમાં રહેતી એક યુવતી કેશોદના ડી.પી. રોડ પર આવેલી વી.વી.એકેડમી નામની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. આ શાળાના સંચાલક મનસુખભાઈ આંકોલાના પુત્ર અભિષેક આંકોલાએ માતા-પિતાની શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીનો ગેરલાભ લઈ તેની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. પ્રથમ વખત યુવતીને મોટરસાઈકલમાં બેસાડીને કેશોદ અક્ષયગઢ તરફ વાડી વિસ્તારમાં લઈ જઈને યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહીશ તો નોકરીમાંથી કાઢી મૂકીશ તેવી ધમકી આપીને યુવતીને શિકાર બનાવી હતી.
ત્યારબાદ બીજી વખત અભિષેક આંકોલાએ પોતાની શાળાની ઉપર આવેલા પોતાના ઘરના રૂમમાં લઈ જઈને યુવતીની એકલતાનો લાભ લઈને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે આરોપી અભિષેક આંકોલાએ કહ્યું હતું કે, તારા ડોક્યુમેન્ટ શાળામાં આપવાના છે. તેથી યુવતીએ ડોક્યુમેન્ટ આપ્યા હતા. આરોપીએ આ ડોક્યુમેન્ટ લઈને તેનું મેરેજ સર્ટિફિકેટ પણ બનાવી દીધું હતું.
આરોપીએ યુવતી પર ગત તારીખ 17 નવેમ્બર 2020 અને તે બાદ પણ શિક્ષિકા યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ભોગ બનનાર યુવતીએ સાત મહિના બાદ હિંમત ભેગી કરીને કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વધુ તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત