Homeગુર્જર નગરીએવું કોણે કીધું કે, ગુજરાતના મુખ્યમંત્રી નિષ્ફળ અને નબળા છે

એવું કોણે કીધું કે, ગુજરાતના મુખ્યમંત્રી નિષ્ફળ અને નબળા છે

ગોવાબાપાઃ ચાબુક આજે તો ઇન્જેક્શન ઉપર રાજકીય ધબાધબી બોલી ગઈ હો. ગુજરાતમાં ક્યાંય રેમડેસિવિર ઇન્જેક્શન ન મળતાં હોવાના આરોપો વચ્ચે પાટીલભાઉ 5 હજાર ઇન્જેક્શન કાઢી લાવ્યા અને જરૂરિયાતમંદોને વહેંચવા લાગ્યા. પરંતુ વિપક્ષે સો મણનો સવાલ કર્યો કે, મેડિકલ સ્ટોર, હોસ્પિટલો અને ખુદ સરકાર પણ જે ઇન્જેક્શન શોધવામાં લાગી છે એ પાટીલભાઉ ક્યાંથી શોધી લાવ્યા. વિપક્ષે તો સરકાર અને ભાજપ પર પ્રહારો પણ કર્યા.

વિપક્ષની વાત તો તને પછી કઉં પહેલા તો મુખ્યમંત્રીએ શું કહ્યું એ કહી દઉં. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાથ ખંખેરતા કહ્યું, મને ખબર નથી સીઆર પાટીલે ઇન્જેક્શન ક્યાંથી લીધા તે તેમને જ પૂછો. તો સામે પક્ષે સીઆર પાટીલે પણ કહ્યું કે ઇન્જેક્શન આપવામાં સરકારે કોઈ મદદ નથી કરી મેં મારા મિત્ર પાસેથી લીધા છે.

વિપક્ષનો વાર

સુરતમાં ભાજપ કાર્યાલયેથી રેમડેસિવિરના ઇન્જેક્શન વિતરણ કરાતાં હોવાના સમાચાર મળતાં જ સૂતેલું વિપક્ષ હળફ કરતું જાગ્યું હતું અને સરકાર અને ભાજપ સામે સવાલોનો મારો ચલાવ્યો હતો. જયરાજસિંહે તો શું શું કહ્યું એ ચાબુક તે લખી નાખ્યું. પણ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું એ તને કઉં. 

શક્તિસિંહે કહ્યું કે, આ ઘટના પરથી સાબિત થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નિષ્ફળ અને નબળા છે. આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ આરોગ્ય વિભાગને પત્ર લખીને રેમડેસિવિર ઇન્જેક્શન આપવા માગ કરી દીધી છે. પત્રમાં સી.જે ચાવડાએ લખ્યું છે કે સી.આર. પાટીલજીને 5 હજાર ડોઝની વ્યવસ્થા કરી આપી તો અમોને પણ 2500 જેટલા ડોઝની વ્યવસ્થા કરી આપો.

આ તરફ સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરોએ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો ઘેરાવ કર્યો હતો અને ‘ઇન્જેક્શન આપો નહીં તો રાજીનામું આપો’ના નારા લગાવ્યા હતા. આમ ઇન્જેક્શન મામલે પાટીલભાઉ અને સરકાર બરાબરની ભરાઈ ગઈ છે.

પાનના ગલ્લા ખુલ્લા રહ્યા

ચાબુક રાજકોટમાં શનિવાર અને રવિવાર પાનના ગલ્લા સ્વૈચ્છિક બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ આ નિર્ણયને આંશિક પ્રતિસાદ મળ્યો છે. આજે લગભગ જગ્યાએ ગલ્લા ખુલ્લા જ રહ્યા હતા. આની પાછળ બે કારણ જવાબદાર છે ચાબુક. એક તો એ કે રાજકોટમાં પાન-ફાકીના ચાહકો જેટલા છે એટલાં બીજે ક્યાંય નથી. જેથી ગલ્લા બંધ રહે જ નહીં. અને બીજું એ કે ગલ્લાધારકોને આવકની પણ ચિંતા હોય. જો બે દિવસ બંધ રાખે તો આવકમાં ગાબડું પડે.

લોકોમાં આ સવાલ થઈ રહ્યો છે

ચાબુક કોરોનાને કારણે હાલ પરિસ્થિતિ ભયજનક છે. રસ્તાઓ પર એમ્બ્યુલન્સો દોડી રહી છે. હોસ્પિટલથી લઈને સ્મશાન સુધી ઠેર ઠેર લાઈનો જોવા મળી રહી છે. ત્યારે આમ આદમીના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, અમારા મત લઈને આ કહેવાતા સેવકો ક્યાં સંતાઈ ગયા છે. ચૂંટણી ટાણે મીઠી મીઠી વાતો કરીને સેવા કરવાના વાયદા આપનારા ખરા ટાણે જ ગાયબ થઈ ગયા હોવાનું જનતાને લાગી રહ્યું છે.

ચૂંટણી મોકૂફ

હાલની પરિસ્થિતિમાં ચૂંટણી ન જ યોજાવી જોઈએ એ હવે છેક ચૂંટણીપંચને સમજાઈ ગયું અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખી દીધી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રજૂઆત બાદ અંતે ચૂંટણી પંચે નિર્ણય લઈને ચૂંટણી મોકૂફ રાખી દીધી છે. જેથી જનતાને તો હાશકારો થયો છે પરંતુ નેતાઓને પ્રચાર ખર્ચ માથે પડ્યો હોય એવું લાગી રહ્યું છે. ફરી જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારે એકડો ફરીથી ઘૂંટવો પડશે.

કોરોના કેવા કેવા ખેલ કરાવે છે

ચાબુક આ કોરોના તો માણસો પાસે કેવા કેવા ખેલ કરાવશે એ જ ખબર નથી.

‘કેમ શું થયું ગોવાબાપા ?’

તને તો ખબર છે ને ચાબુક હાલ હોસ્પિટલમાં વેઇટિંગ હોવાથી દર્દીઓને સારવારમાં અનેક તકલીફો પડી રહી છે. આથી સગા વ્હાલાને તકલીફ ન પડે તે માટે રાજકોટમાં સંકેત મહેતા નામનો વ્યક્તિ આઈપીએસ બની ગયો. કોરોના કંટ્રોલ રૂમમાં જઈને આ સંકેત મહેતા પોતાનું આઈકાર્ડ બતાવતો અને પોતે મહારાષ્ટ્ર કેડરનો આઈપીએસ હોવાનું કહીને રોફ જમાવતો. કંટ્રોલ રૂમમાં ફરજ પરનો સ્ટાફ માનપાન આપીને આ નકલી આઈપીએસને ખુરશી પર બેસાડતી. અને આ નકલી આઈપીએસ કંટ્રોલ રૂમમાંથી ડોક્ટરોને ફોન કરીને પોતાના સગા સંબંધીઓને સારી સારવાર મળે અને કોઈ તકલીફ ન પડે તે માટે ભલામણો કરતો. પરંતુ ચાબુક ખોટું લાંબું ન હાલે, પોલીસને શંકા જતાં આ મામલે ખરાઈ કરતાં સંકેત મહેતા નામનો આ યુવક નકલી આઈપીએસ અધિકારી બની રોફ જમાવતો હોવાની જાણ થઈ. હવે આ ભાઈની પોલીસે ધરપકડ કરી લીધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments