Team Chabuk-Gujara Desk: ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના નવા બંદર ખાતે ભારે પવન અને તોફાની સમુદ્રી મોજાના કારણે હજુ સુધી ગુમ ૬ માછીમારોને બચાવવા તંત્ર સતત ખડેપગે દિવસ રાત મહેનત કરી રહ્યું છે. આ ઘટનામાં કુલ ૮ લાપતા થયેલા માછીમારોમાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે. આમ, હજુ ૬ જેટલા લાપતા માછીમારોની શોઘખોળ માટે એનડીઆરએફ, કોસ્ટગાર્ડ, નેવી અને મરીન પોલીસની ટીમ સંયુકત રીતે કામ કરી રહી છે.
આ તારાજીનો તાગ મેળવવા સાંસદ રાજેશ ચુડાસમા નવાબંદર જેટી ખાતે પહોંચ્યા હતા. સાંસદે બંદરના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી સ્થાનિક માછીમાર સમાજના આગેવાનો પાસેથી નુકસાનીની વિગતો જાણી હતી. સાથે જ તેમણે રાજ્ય સરકાર દ્વારા તમામ મદદ માટે રજૂઆત કરવાનું જણાવ્યું હતું. બાદમાં રાહત- બચાવની કામગીરી કરી રહેલ તંત્રના મુખ્ય અઘિકારીઓ સાથે ચર્ચા કરીને માછીમારોની શોઘખોળની કામગીરી ઝડપભેર કરવા સૂચના આપી હતી.

નવાબંદર ખાતે બુધવારની મોડીરાત્રિના બે કલાક સુઘી ફુંકાયેલ ભારે તોફાની પવનના કારણે ૧૦ જેટલી ફિશીંગ બોટોએ જળસમાઘિ લેતા તેમાં રહેલ ૧૨ માછીમારો લાપતા બન્યા હતા. જેના પગલે ગઇકાલથી જ તંત્રએ કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર, વેસલ બોટ અને નેવીના ચોપર પ્લેન મારફત રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ચાર માછીમારોને જીવિત બચાવી લેવામાં આવ્યા હતાં. ઉપરાંત બચાવ કામગીરી વધુ તેજ બનાવવા માટે ગઇકાલ મોડી સાંજે ૨૫ સભ્યોની એનડીઆરએફની ટીમ નવાબંદર પહોંચી હતી.
NDRF, કોસ્ટાગાર્ડ, નેવી, મરીન પોલીસની ટીમોએ હેલીકોપ્ટર, વેસલ બોટ અને સ્પીડ બોટો મારફત લાપતા ૭ માછીમારો તથા પાંચ બોટોની રાતભર શોઘખોળ કરી હતી. જેમાં વ્હેલીસવારે નવાબંદરના માછીમાર રામુભાઈ દેવાભાઈ બાંભણીયા (ઉ.વ.૪૪)નો મૃતદેહ બંદરમાં જેટી પાસેથી મળી આવ્યો હતો. નવાબંદર ખાતે થયેલ આ તારાજીના કારણે માછીમારો, ફિશીંગ બોટો અને બંદરને થયેલ નુકસાનીની વિગતો એકત્ર કરવા માટે ફીશરીઝ વિભાગની ટીમએ પણ મુલાકાત લઈ કાર્યવાહી હાથ ધરી છે.
સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, આ સમગ્ર ઘટના ઉપર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત નજર રાખી રહ્યા છે. તેમજ ભારે પવન અને તોફાની સમુદ્રી મોજાને કારણે જે માછીમાર ભાઈઓને જે નુકસાન થયું છે. તેની સહાય ચૂકવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત પણ કરવામાં આવશે. તેમ રાજેશ ચુડાસમાએ ઉમેર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
