Homeદે ઘુમા કેસનથ જયસૂર્યા : जिसमे घुसना हो घुस ले, घुस मेरी जान तेरी...

સનથ જયસૂર્યા : जिसमे घुसना हो घुस ले, घुस मेरी जान तेरी कह के लूँगा

સનથ જયસૂર્યાનું ટીમમાં કામ શું હતું ? એ એક સ્પીનર હતો જેને પોતાની સ્પીન બોલિંગથી વિરોધી બેટ્સમેનોને રન બનાવતા અટકાવવા અને થઈ શકે તો વિકેટ લેવી. 1989ની સાલમાં ક્રિકેટ કારકિર્દીની શરુઆત કરનારા જયસૂર્યા વિશે ટીમના કોઈ ખેલાડીને ખબર નહોતી કે તે મારફાડ બેટીંગ કરી શકે છે. તેને એક કામચલાઉ બેટ્સમેન વિભાગમાં સ્થાન મળ્યું હતું. જેનું કામ હતું સાતમાં નંબર પર ઉતરી બેટીંગ કરવી. થાય તો વિકેટને ધ્વંસ થતા રોકવી.

ક્રિકેટ વિશ્વના કેટલાક ખેલાડીઓ છે. વિરેન્દ્ર સહેવાગ, એડમ ગિલિક્રિસ્ટ, ક્રિસ ગેલ… આ ત્રણે ઓપનરોની ખાસિયત તેની આક્રામક બેટીંગ છે. એ અટેકિંગ સ્ટાઈલ ક્રિકેટમાં લાવનારા જયસૂર્યા હતા.

પ્રથમ દસ ઓવરમાં બોલની ચામડી ઉતારી નાખતી બેટીંગ કરવામાં આવે તો બે વિકલ્પ ઊભા થાય. ખરાબ શોટ ફટકારવામાં બેટ્સમેન પોતાની વિકેટ ગુમાવી દે અને બીજું જો બેટ્સમેન ટકી ગયો, તો સામેની ટીમના છોતરા ઉખાડીને રાખી દે.

ક્રિકેટમાં પરિવર્તન તો પછીની વાત છે પણ જયસૂર્યાની આ બેટીંગ સ્ટાઈલ વિશ્વભરમાં પ્રખ્યાત બની ગઈ. પ્રથમ દસથી પંદર ઓવરમાં ઘાતક બેટીંગ કરવાથી બોલરોનો આત્મવિશ્વાસ ડગમગી જતો અને ટીમ અડધી મેચ ત્યાં જ જીતી જતી. આજે એ અટેકિંગ શૈલી T20I આવવાના કારણે વિસરાય ગઈ છે. બાકી તેની ઉત્પતિ જયસૂર્યાએ કરી હતી.

ક્રિકેટના ભગવાન સચિન તેડુલકર જેમને સનથ સાથે ઓપનિંગ કરવાની દિલથી ઈચ્છા હતી, તેમની મનોકામના IPLએ પુરી કરેલી. મુંબઈ ઈન્ડિયન્સ વતી આ બંન્ને ખેલાડીઓ ઓપનિંગમાં ઊતરતા તો જાણે ક્રિકેટ ચાહકોનું કોઈ મોટું સ્વપ્ન પૂર્ણ થતું હોય તેવું લાગતું. સચિને જયસૂર્યાની બેટીંગને જોતા કહેલું, ‘‘મેં ડોન બ્રેડમેનને કોઈ દિવસ બેટીંગ કરતાં નથી જોયા, પણ જયસુર્યાને જોયો છે. મારી પુરી કરિયરમાં મેં આનાથી સારો બેટ્સમેન કોઈ દિવસ નથી જોયો.’’

સચિનને જ 2003ની ફાઈનલમાં એક ચોગ્ગો ફટકાર્યા બાદ આઊટ કરનારા ગ્લેન મેક્ગ્રાએ જયસૂર્યા વિશે કહેલ, ‘એ દુનિયાના સૌથી ખતરનાક બેટ્સમેનોમાંથી એક છે. કોઈ વાર સચિન કરતાં તેને આઉટ કરવો અઘરો થઈ પડે છે.’ હવે જયસૂર્યાની રનસંગ્રામની અથથી ઈતિ વાર્તા જાણીએ.

અંડર-19 એ ખેલાડીઓ પેદા કરવાની યુનિવર્સિટી છે. જયસૂર્યા પણ તેમાંથી આવ્યો હતો. વર્ષ હતું 1988નું. જેમાં તેણે શ્રીલંકાની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એ જ વર્ષે પાકિસ્તાન સામે તેને શ્રીલંકાની-બી ટીમમાંથી ઉતારવામાં આવ્યો. એ તક ઝડપવામાં માહેર. પાકિસ્તાનમાં જઈને તેણે એવી ધમાચકડી મચાવી કે બે સેન્ચુરી ફટકારી દીધી.

પાકિસ્તાનના ઘાતક બોલરો!! જેના વિશે 90ના દાયકાના ક્રિકેટપ્રેમીઓને કહેવાનું ન હોય. તેમના ડાચા ખુલ્લાના ખુલ્લા રહી ગયા. પાકિસ્તાની ટીમની રમત જોવા આવેલા દર્શકો ટાલને નોતરું આપી રહેલા આ યુવા ખેલાડીની રમતને જોઈ ડઘાઈ ગયા. તેની પ્રતિભાના કારણે તેને મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે રમવાની તક મળી ગઈ.

પાંચમાં નંબર પર બેટીંગ કરવા માટે ઉતરેલ જયસૂર્યા ત્રણ રન પર પવેલિયન પરત ફરી ગયો. આ એ જયસૂર્યા બિલકુલ ન લાગ્યો જેણે પાકિસ્તાનનો દોરો ખોલી નાખેલ. જયસૂર્યા ભારતમાં હોત તો ક્યારનો પડતો મુકી દેવાયો હોત, કારણ કે ભારતમાં ટેલેન્ટની કમી નથી. એમાંય ક્રિકેટ! જયસૂર્યાનું આ નબળું ક્રિકેટ સતત ચાર વર્ષ સુધી ચાલ્યું. ત્યાં સુધી કે 28 ઓક્ટોબર 1993 સુધી તો તેનો હાઈએસ્ટ સ્કોર માત્ર 34 રન હતો.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેને પાકિસ્તાન વિરૂદ્ધ ત્રીજા નંબર પર ઉતારવામાં આવ્યો. આગળના ક્રમે તક મળતા જયસૂર્યાનો ખરા અર્થમાં સૂર્ય ઉગ્યો. એણે કારકિર્દીની પ્રથમ હાફ સેન્ચુરી ફટકારી દીધી. 58 રન ફટકાર્યા પછી બીજી મેચમાં પણ હાફ સેન્ચુરી ફટકારી. હવે ઉદય થશે તેવું ક્રિકેટ નિષ્ણાંતોને લાગતું હતું, પણ સૂર્યા માટે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાય. બીજી 14 મેચ સુધી તે કંઈ ઉકાળી ન શક્યો. હવે તો આ ખેલાડી પણ તૂટવા લાગ્યો હતો.

8 ડિસેમ્બર 1994ની તારીખ હતી. ફરી પાછી પાકિસ્તાનની ટીમ. આ વખતે પાકિસ્તાન શ્રીલંકા સામે રમવા ઘર આંગણે આવ્યું હતું. ત્રણ વનડે મેચની સિરીઝ. જયસૂર્યા આ તકને ગુમાવવા નહોતો માંગતો. સતત બદલતા બેટીંગ ક્રમથી તે ખૂદ ચિંતામાં હતો. તેને તો કોઈ બેટ્સમેન આઉટ થાય ત્યારે ખબર પડતી કે હવે મારે ઉતરવાનું છે. પાકિસ્તાન સામેના આ ત્રણે મેચમાં તેણે હાફ સેન્ચુરી ફટકારી દીધી અને ‘‘અભી હમ ઝિંદા હૈ’’ જેવા સંવાદને કેપ્ટનની સામે જીવંત કરી રાખી દીધો.

પાકિસ્તાન પછી સાઉથ આફ્રિકાનો પ્રવાસ. એમનું જ મેદાન હતું. જયસૂર્યા માટે આફ્રિકાના ગ્રાઊન્ડને ચાખવાની આ પ્રથમ તક હતી. સૂર્યાએ પોતાની કારકિર્દીની પાંચ વર્ષ પછી પ્રથમ સેન્ચુરી ફટકારી. એ પણ 140 રન. તેણે ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ કરી દીધું અને અર્જુન રણતુંગાની આંખમાં અચાનક ચમક આવી ગઈ.

1996નો વિશ્વકપ. ભારત,પાકિસ્તાન અને શ્રીલંકા યજમાન હતું. એશિયન ટીમો ઘર આંગણે જીતવા માટે એડીચોટીનું જોર લગાવવાની હતી. આ સન્માનનો સવાલ હતો. એશિયાની ત્રણ ટીમમાંથી ભારત અને પાકિસ્તાન એક એક વખત વિશ્વકપ જીતી ચૂકી હતી. હવે વારો હતો શ્રીલંકાનો! પણ કેવી રીતે ? ભારત અને પાકિસ્તાન બુકિઓમાં હોટ ફેવરિટ હતા. રહી વાત શ્રીલંકાની તો તેના જીતવાના ચાન્સિસ 29 ટકા હતા.

1996માં શ્રીલંકાના કોચ ડેવ વ્હોટમોર હતા. શ્રીલંકાની ટીમ મંડળી વાત માંડીને કરવા બેઠી કે કોઈ પણ ટીમને હરાવવા માટે વધારે રન જોઈએ. તો આ વધારે રન થશે કેમ? આ એ વખત હતો જ્યારે 40 ઓવર સુધી ટચૂક ટચૂક બેટીંગ કરી પ્રેક્ષકગણને ‘‘વનડે-દ્રવિડિયન’’ બેટ્સમેનો ઉંઘાડી દેતા. આવનારી છેલ્લી દસ ઓવરમાં બેટના ફાડા થઈ જાય તેવું રમવામાં આવતું.

મીટીંગમાં કેપ્ટન રણતુંગા આવ્યા અને તેમણે શતરંજનની કાતિલ ચાલ જેવી યોજના બનાવી. આ યોજના પર કોઈ વિશ્વાસ નહોતું કરી શકતું, કારણ કે ઓપનિંગમાં રોમેશ કાલૂવિતરણાની સાથે સનથ જયસૂર્યા હતો.

રણતુંગાની એ વાણીને જયસૂર્યાએ ઈન્ટરવ્યૂમાં આ રીતે કહી હતી, ‘‘મેનેજમેન્ટને લાગતું હતું કે હું સાતમાં નંબરની પોઝિશન માટે યોગ્ય નથી. મારો યોગ્ય રીતે ઉપયોગ નથી થઈ રહ્યો. રણતુંગા એન્ડ મેનેજમેન્ટને લાગ્યું કે મને સાતમાં નંબર પરથી ઓપનિંગમાં મોકલવામાં આવે. મારું કામ ઝડપથી રન બનાવવાનું હતું. જેથી આવનારા બેટ્સમેનો જ્યારે મેદાન પર ઉતરે તો તેમના પર પ્રેશર ન હોય.’’

અને ક્રિકેટની દુનિયામાં ઓપનિંગનો રંગ કાચિંડાની જેમ બદલી ગયો. જયસૂર્યા જાણે સાત જન્મનો બદલો લેવા મેદાનમાં ઉતર્યો હોય તેમ ફટકાબાજી કરવા લાગ્યો. જાણે છૂટ્ટો દોર ન આપી દીધો હોય. અર્જુન રણતુંગાનો આઈડિયા ફળિભૂત થઈ રહ્યો હતો. રોમેશ અને જયસૂર્યા વિરોધી ટીમની એવી પીદી લઈ નાખતા કે પંદર ઓવરમાં શાનદાર સવારી જેવો બોલિંગ અટેક ઝાંખો પડવા લાગતો. 1996ના એ વિશ્વકપમાં સૂર્યાએ 221 રન બનાવ્યા, 6 વિકેટ લીધી, સાત કેચ કર્યા અને વિશ્વકપનો ‘‘હલ્ક-હિરો’’ બની ગયો.

આ એ વિશ્વકપ હતો જ્યાંથી ક્રિકેટની દુનિયામાં પરિવર્તન આવ્યું. વિસ્ફોટક ખેલાડીઓને આગળના ક્રમે મોકલવામાં આવ્યા. પાકિસ્તાનમાંથી આફ્રિદી, ઓસ્ટ્રેલિયામાંથી ગિલિક્રિસ્ટ અને ભવિષ્યમાં ભારતમાંથી સહેવાગ અને વિન્ડીઝમાંથી ગેલે જન્મ લીધો. જયસૂર્યાની એ બેટીંગના કારણે આજે ક્રિકેટનો નકશો બિલકુલ બદલી ગયો છે. જો સૂર્યા તાબડતોડ ન રમ્યો હોત તો શક્ય છે વિશ્વ ક્રિકેટને બદલતા વાર લાગેત.

(ક્રમશ: જયસુર્યાની વિસ્ફોટક ઈનિંગ માટે દે ઘુમાકેમાં આગામી લેખ વાંચો)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments