Homeદે ઘુમા કેસનથ જયસૂૂર્યા બેસ્ટ ઈનિંગ : ઔર ફિર આતા હૈ જયસૂર્યા, બહોત મારા,...

સનથ જયસૂૂર્યા બેસ્ટ ઈનિંગ : ઔર ફિર આતા હૈ જયસૂર્યા, બહોત મારા, ધાગા ખોલ દિયા એકદમ

1996થી 2001ની સાલ જયસૂર્યાના નામે છે. સચિન તો રમતો જ હતો પણ જયસૂર્યા જ્યારે મેદાન પર આવતો ત્યારે આગ લગાવી દેતો હતો. સતત ચાર વર્ષ સુધી સૂર્યાના બેટીંગમાં ફાયર ફટકા ચાલું રહ્યા. ટેસ્ટમાં તેની બે ઈનિંગ્સ અદભૂત રહી જ્યારે વનડેમાં તેણે ભારત, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમોને પરેશાન કરી દીધી. સૂર્યાની આવી કેટલીક ઈનિંગોને ડ્રામેટિક સ્ટાઈલમાં જોઈએ.  

14 બોલ મેં રન ડબલ!!

1996નું વર્ષ હતું. વિધાતાએ શ્રીલંકા અને સૂર્યાના નામે લખેલું હતું. પાકિસ્તાનનું ફૈઝાબાદ ક્રિકેટ ગ્રાઊન્ડ. પ્રથમ દાવ ઈંગ્લેન્ડની ટીમે લીધો અને 235નો સારો એવો સ્કોર કર્યો. એ જમાનામાં 235 એટલે વાહ વાહ. અંગ્રેજોએ 8 વિકેટ ગુમાવી હતી અને સૌથી ઉચ્ચ સ્કોર હતો શ્રીમાન ફિલ ડેફ્રિટીસનો જેણે 67 રન બનાવ્યા હતા. ફૈઝાબાદમાં ઉપસ્થિત દર્શકો સૂર્યાના નામની ચીચીયારીઓ પાડતા હતા. બોલ ફેંકાતો અને સૂર્યા તેને પ્લેડ કરી દેતો હતો અથવા ખાલી કાઢી નાખતો હતો. ડ્રેસિંગ રૂમમાં પણ ખલબલી મચી ગઈ. રોજ જેનો સૂર્ય અહર્નિષ ઝળુંબતો હોય છે તે સૂર્યાને એકાએક શું થઈ ગયું ? પણ સૂર્યાના ‘પિતળ’ભેજામાં કંઈક અલગ ચાલી રહ્યું હતું. અંગ્રેજો ખુશ હતાં પણ તેમની ખુશીને હવે થોડી ક્ષણોમાં ગ્રહણ લાગવાનું હતું. શરૂઆતમાં ધીમું રમતો જયસૂર્યા આડો ફાટ્યો અને ઈંગ્લેન્ડનાં બોલરોનું ચરરર ચકડોળ ઘુમાવી દીધું. મેદાનમાં આતીશબાજી થવા લાગી. શાંત રહેલા દર્શકોમાં જોશનો સંચાર થયો. બોલ કરતાં પાછળ રહેલ જયસૂર્યા જ્યારે 50ના સ્કોર સુધી પહોંચ્યો ત્યારે બોલ ફક્ત 30 જ ઉપયોગમાં લીધા હતા. પણ ખરી ધમાચકડી તો હવે મચવાની હતી. બીજા 14 બોલમાં 32 રન કરી જયસૂર્યાએ કુલ 44 બોલમાં 82 રનનો માઉન્ટ ગોડવિન ઓસ્ટીન ઊભો કરી દીધો. સનથના અંધાધૂન ફાયરિંગે અંગ્રેજોને ગરમીની અનુભૂતિ કરાવી દીધી.

સિંગાપોરમાં સિક્સરોની રમઝટ

શ્રીલંકાએ હાલમાં જ 1996નો વિશ્વકપ જીત્યો હતો. હવે તેને એશિયાની બે ધરખમ ટીમ ભારત અને પાકિસ્તાન વિરૂદ્ધ સિંગાપોર કપ રમવાનો હતો. સૂર્યાની સામે પાકિસ્તાન હતું. અને પાકિસ્તાન હોય ત્યાં સૂર્યા તંબુ ફાડી નાખતો. તેને પાકિસ્તાનનો બોલિંગ અટેક સમજાઈ ગયો હતો. પાકિસ્તાનના રાક્ષસી બોલર એટલે વસીમ અક્રમ, વકાર યૂનસ, સકલૈન સહિતના. પણ સૂર્યાને એ કોઈ દેખાતા જ નહીં. આમિર સોહેલની એક ઓવરમાં 30 રન આવ્યા. મેચ પૂર્ણ થયો ત્યારે સ્થિતિ કેવી હતી ? શ્રીલંકાએ 349 રન બનાવ્યા હતા. જયસૂર્યાએ 48 બોલમાં 100 રન ફટકાર્યા. જેમાં 11 સિક્સરોનો સમાવેશ થાય છે. વિશ્વકપ બાદ વિશ્વકપના હીરો જયસૂર્યા દ્રારા મચાવાયેલો આ સૌથી મોટો તહેલકો હતો.

કોકાકોલા કપમાં આવેલ ‘સૂર્યા’ વાવાઝોડુ

કોકાકોલા કપ જયસૂર્યાના હાઈસ્કોર કરતાં ભારતના નિમ્ન સ્કોર માટે ખ્યાતિ પ્રાપ્ત છે. આ મેચમાં ભારત 54 રનમાં પવેલિયન પરત ફરી ગયું હતું. શ્રીલંકન ટીમની એ ખાસિયત છે કે એમના બોલર્સનો દિવસ હોય તો સામેની ટીમને 35-37 રનમાં પણ આઉટ કરી નાખે. વર્ષ 2001નું હતું. મેં મારા મામાને ઘરે આ મેચ જોયો હતો. પહેલીવાર સનથ જયસૂર્યાને જોયેલો. જયસૂર્યાએ આ મેચમાં 189 રન ઠોકી દીધા. મેદાન પર રીતસરનું સૂર્યા નામનું તોફાન આવ્યું હતું. બીજી બાજુ રસેલ આર્નોલ્ડે 52 રનની ઈનિંગ રમી. આ મેચમાં જયસૂર્યાની સામેની બાજુ વિકેટો ધડાધડ પડી રહી હતી, પણ જયસૂર્યાની સ્ટ્રાઈક આવતી ત્યારે ભારતીય બોલરોની પીટાઈ થઈ જતી. જયસૂર્યાએ વિકેટની જગ્યાએ રન પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેણે કરી બતાવ્યું. વનડે ક્રિકેટના ઈતિહાસમાં રમાયેલી કેટલીક મોટી ઈનિંગમાં જયસૂર્યાના 189 રનનો સમાવેશ થાય છે. મેચમાં જયસૂર્યા એક પાર્ટ ટાઈમ બોલરના હાથે આઉટ થયો, નહીં તો સઈદ અનવરનો રેકોર્ડ તોડી નાખેત અથવા તો બસ્સો રન ત્યારે જ ફટકારી દેત. ગાંગુલીએ બોલ ફેંક્યો. મારવા માટે ઉતાવળો થયેલ સૂર્યા બેટ ઊંચું કરી આગળ આવ્યો. બોલનું બેટ સાથે મિલન ન થયું અને વિકેટ કિપર વિજય દહિયાના હાથમાં આવી ગયો. સ્ટમ્પિંગ થઈ ગઈ.

ગજબ બેઈજ્જતી હૈ યાર

વનડે ઈનિંગોની તો ખૂબ વાત થઈ હવે ટેસ્ટની વાત કરીએ. 1998ની સાલ. 1996માં જયસૂર્યાએ જે ટીમને રગદોડેલ એ ઈંગ્લેન્ડ જ સામે હતી. શ્રીલંકા વિશ્વકપ બાદ ફુલ ફોર્મમાં અને ઈંગ્લેન્ડ બદલો લેવા ફુલ ફોર્મમાં. શ્રીલંકન ટીમે ત્રિકોણીય શ્રેણી જીતી લીધી અને હવે ઓવેલમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ એક ટેસ્ટ મેચ માટે આગળ વધી. ટેસ્ટના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે બેટીંગ લીધી અને 455 રનનો પહાડ ઊભો કરી દીધો. મેચમાં ગ્રીમ હિક અને જ્હોન ક્રોલે સેન્ચુરી ફટાકારી દુવિધા વધારી દીધેલી. ઔર ફિર આતા હૈ જયસૂર્યા. 278 બોલમાં 213 રન ફટકારી દીધા. શ્રીલંકાએ 591 રનનો વિશાળ સ્કોર ઊભો કરી દીધો. બાકીનો જાદુ મુરલીધરન કરી ગયો અને ઈંગ્લેન્ડની 65/9 વિકેટ લઈ લીધી. જયસૂર્યાની 213 રનની ધાકડ ઈનિંગે એ વાત સાબિત કરી દીધી કે તે ઈંગ્લેન્ડના હવામાનમાં પણ બેટ દ્રારા હવાબાણ કરાવી શકે છે!!

આદમી હૈ કિ ક્યા હૈ યે ?

નવી નવી વિશ્વકપ જીતેલી શ્રીલંકાની ટીમ સામે ટેસ્ટ મેચની સિરીઝ રમવા ભારત ગયું. 1997ની સાલ હતી. ભારતે ટોસ જીતી લીધો ને કોલંબોના આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં બેટીંગ માટે ટીમ ઉતરી. સચિને 143, નવજોત સિંહ સિદ્ધુ 111 અને મોહમ્મદ અઝરુદ્દીને 126 રન ફટકારી દીધા. વિશ્વાસ હતો કે શ્રીલંકાની ટીમ આટલા રન નહીં કરી શકે. ઓલ આઉટ થઈ જશે. બોલરો પોતાનું કૌવત બતાવશે, પણ ટીવી સામે બેસેલા અને પાનનાં ગલ્લે ઊભેલા લોકો જે વિચારતા હતાં એવું કંઈ થયું જ નહીં. પ્રેશરમાંથી બહાર નીકળતા જયસૂર્યાએ 340 અને રોશન મહાનામાએ 225 રન ફટકારી દીધા. બે લોકોએ મળીને 576 કરી નાખ્યા! જ્યારે દાવ ડિક્લેર કરવામાં આવ્યો ત્યારે શ્રીલંકાની ટીમનો સ્કોર 952/6 વિકેટ હતો. ભારતીય બોલરો પસ્ત થઈ ગયા હતા. સચિનની નબળી કેપ્ટનશીપ દેખાતી હતી. જયસૂર્યા એક અનુભવી ખેલાડી તરીકે ઉભર્યો. આ ટેસ્ટમાં વનડેની સ્ટાઈલમાં ફટાફટ બેટીંગ કરવાની જગ્યાએ મક્કમ મને અને ધીમે ધીમે રમ્યો. જેનો તેને ફાયદો પણ થયો. જયસૂર્યાના 340 રને તેને વિશ્વના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરોમાં જગ્યા અપાવી. જયસૂર્યા શ્રીલંકાનો એક એવો ખેલાડી બન્યો જેનો વનડે અને ટેસ્ટ બંન્નેનો હાઈસ્કોર ભારતની સામે જ છે અને તે તેની નિવૃતિ સુધી ‘અણનમ’ રહ્યો.

રેકોર્ડ તૂટી ગયો

1996ની સાલ. સિંગર કપ ફાઈનલ હતી. ક્રિકેટની દુનિયા એ જોવાની હતી જે તેમણે કોઈ દિવસ નહોતું જોયું. સામે શ્રીલંકાની નહીં પણ જયસૂર્યાની પરંપરાગત હરિફ એવી ટીમ પાકિસ્તાન. તેને ખૂદને ખબર નહોતી કે તે કેટલો મોટો પરચમ લહેરાવવાનો છે. પ્રથમ બોલથી જ જયસૂર્યાએ ફટકારવાની શરૂઆત કરી દીધી. તેને તો આ આતિશબાજીથી મળનારા પરિણામની ખબર જ નહોતી. એણે થોડી ક્ષણોમાં જ 17 બોલમાં 50 રન કરી 1 મે 1990ના રોજ ઓસ્ટ્રેલિયાના સિમોન.ઓ.ડોનેલ દ્રારા રચિત 18 બોલમાં 50 રનના કિર્તીમાનને ધ્વંસ કરી નાખ્યો. જયસૂર્યા 76 રનમાં આઉટ થયો. પાકિસ્તાનને હાશકારો થયો. આજે આ કિર્તીમાન 16 બોલમાં 50 રન સાથે ડિવિલિયર્સના નામે છે. જયસૂર્યાની કારકિર્દી તો લાંબી છે. પણ આ લેખ પરથી એ ચોક્કસ કહી શકાય કે આ માણસ ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન આમ બેઉનો દુશ્મન રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments