Homeગુર્જર નગરીવેરાવળ બંદરે 10 નંબરનું સિગ્નલ લગાવાયું, જાણો ક્યું સિગ્નલ ક્યારે લગાવાય છે

વેરાવળ બંદરે 10 નંબરનું સિગ્નલ લગાવાયું, જાણો ક્યું સિગ્નલ ક્યારે લગાવાય છે

Team Chabuk-Gujarat Desk: ગુજરાત તરફ તૌકતે વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના આગમન પહેલાં દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. વિવિધ બંદરે ભયજનક સિગ્નલ લગાવી દેવાયા છે. ગીર સોમનાથના વેરાવળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. 10 નંબરનું સિગ્નલ આવનારા સમયમાં ભારેથી અતિભારે પવન ફૂંકાવાની તીવ્ર શક્યતા દર્શાવે છે.

આ તરફ ભરૂચના દહેજ બંદરે પણ 4 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. અહીં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા કુલ 2470થી વધુ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે. ભરૂચ જિલ્લાના કેલોદ ગામે કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. પવનના કારણે મકાનના છાપરાં પણ ઉડ્યા છે. ગંધાર ગામે સ્થળાંતરણ કરાયેલા મીઠાના અગરિયાઓને પ્રાથમિક શાળામાં આશરો અપાયો છે.

જામનગરના તમામ બંદરો પર 8 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. તૌકતે વાવાઝોડાના કારણે જામનગર જિલ્લાના નવા બંદર સહિત તમામ બંદરો પર 8 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ સિગ્નલ લગાવાયું છે. આ તરફ દીવમાં પણ વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. દીવમાં ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે.

દેવભૂમિ દ્વારકાના ઓખા બંદરે પણ 8 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા 8 નંબરનું સિગ્નલ લગાવી માછીમારો અને સામાન્ય લોકોને સિગ્નલની મદદથી ચેતવણી આપી છે. ઓખા બંદર પર તોફાની હવા ફૂંકાવા લાગી છે.

રાજ્યના 17 જિલ્લાઓમાંથી એક લાખથી વધુ લોકોને સ્થળાંતર કરીને અન્યત્ર ખસેડાયા છે. તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે આજે રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. આ વાવાઝોડું 155 થી 165 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ટકરાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાના પગલે વિવિધ બંદરે ભયજનક સિગ્નલો લગાવી દેવાયા છે.

ક્યું સિગ્નલ ક્યારે લગાવાય છે ?

સિગ્નલ નંબર-01

જ્યારે પવનની ગતિ એકથી પાંચ કિલોમીટરની હોય ત્યારે એક નંબરનું સિગ્નલ લગાવાય છે. બહુ ગંભીર પવન નથી હોતો.

સિગ્નલ નંબર-02

પવન 6થી 12 કિલોમીટરની ઝડપે ફૂંકાતો હોય ત્યારે બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-03

આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવન 13 થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાતો હોય.

સિગ્નલ નંબર-04

ચાર નંબરનુ સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય ત્યારે લગાવાય છે.

સિગ્નલ નંબર-05

બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવનની ગતિ 30 થી 39 કિલોમીટરની હોય છે.

સિગ્નલ નંબર-06

જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-07

જ્યારે પવનની ઝડપી 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

સિગ્નલ નંબર-08

દરિયામાં કે દરિયાકાંઠે ફૂંકાઈ રહેલા પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-09

જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-10

જ્યારે દરિયામાં ફૂંકાતા પવનની ગતિ 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર -11

સમુદ્રમાં ફૂંકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-12

જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે.

મોટાભાગે 11 નંબર સુધીના જ સિગ્નલ ભારતમાં લગાવાય છે. ક્યારેક જ 12 નંબરનું સિગ્નલ લગાવાય છે. 1946માં પવનની ગતિને ધ્યાને લઈને કુલ 17 નંબર સુધીના સિગ્નલો રાખવાનું નક્કી કરાયુ હતું. પરંતુ મોટે ભાગે ભય સુચક સિગ્નલનો વપરાશ 12 નંબર સુધીનો જ કરાતો હોય છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments