Team Chabuk-Gujarat Desk: તૌકતે વાવાઝોડું તીવ્ર ગતિથી ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે. જેમ જેમ તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે તેમ તેમ રાજ્યમાં વિવિધ જગ્યાએ તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. તંત્ર પણ વાવાઝોડાને લઈને સતર્ક થઈ ગયું છે. તૌકતે વાવાઝોડું રાજ્યની ઉત્તર દિશાના ઉત્તરીય-પશ્ચિમી કાંઠે પહોંચવાની શક્યતા છે. એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે 17 મેના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. જેની તીવ્રતા 185 કિલોમીટર પ્રતિકલાક પણ થઈ શકે છે.
મુખ્યમંત્રીની અપીલ
તૌકતે વાવાઝોડાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને બે દિવસ કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, અનિવાર્યતા જણાય તો જ ઘરની બહાર નિકળવું, રાજ્યમાં વાવાઝોડા સાથે અતિવૃષ્ટિની પણ સંભાવના. ફરજ પર હોય તેઓ જ ઘરની બહાર નીકળે.
સોમનાથમાં 100 જેટલા પરિવારનું સ્થળાંતર
સોમનાથ નજીક સમુદ્ર કિનારે ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા 100 જેટલા પરિવારને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના સાંસ્કૃતિક ભવનમાં આ પરિવારને હાલ આશ્રય આપવામાં આવ્યો છે. અત્યાર સુધી વેરાવળ તાલુકામાં ત્રણ હજાર જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અનેક સેવાભાવી સંસ્થાઓ તંત્રની સાથે મળીને મદદમાં જોડાઈ છે. ઓછામાં ઓછું નુકસાન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
દીવમાં વરસાદ
દીવમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. તીવ્ર હવાની સાથે ધીમી ધારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને નાથવા દીવ પ્રશાસન સંપૂર્ણ રીતે સજ્જ છે.દરિયા કિનારે નીચાણવાળા મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને 7 શેલ્ટર હોમની વ્યવસ્થા દીવ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. જેમાં 270ની આસપાસ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. કોવિડ-19ની ગાઈડલાઈનને ધ્યાને રાખીને લોકોને આરોગ્ય વિભાગ દ્વારા માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
ભરૂચમાં તંત્ર એલર્ટ
ભરૂચ જિલ્લામાં પણ તૌકતેના આગમન પહેલા અસર વર્તાવા લાગી છે. તૌકતે વાવાઝોડાને લઈ દરિયાઈ વિસ્તારમાં વાતાવરણ બદલાયું છે. સુવા અને દહેજના દરિયા કાંઠે પવનની ગતિમાં વધારો થયો છે. માછીમારો બોટની સલામતી માટે કિનારે આવી ગયા છે. પવનની ગતિમાં સતત વધારો થતાં તંત્ર એલર્ટ થઈ ગયું છે.
અંબાજીમાં વરસાદી માહોલ
યાત્રાધામ અંબાજીમાં પણ વાવાઝોડીની અસર જોવા મળી રહી છે. અંબાજી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. વરસાદી ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
મહુવાના 13 ગામને એલર્ટ કરાયા
ભાવનગર જિલ્લાના મહુવાના 13 ગામોને એલર્ટ કરાયા છે. NDRFની ટીમ કતપર ગામ પર સ્ટેન્ડ બાય છે. દરિયામાં મોજા ઉછળી રહ્યા છે. હાલમાં વરસાદી માહોલ છવાયો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહુવા તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાતે 4 બસોમાં મહુવાની સરકારી શાળામાં લોકોને આશ્રય અપાયો હતો.
રાજકોટ કલેક્ટરનું લોકોને સૂચન
રાજકોટમા તૌકતે વાવાઝોડાને લઈ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. કલેક્ટરે કહ્યું છે કે, કોવિડ હોસ્પિટલમાં પાવર બેકઅપની સુવિધા ઉભી કરવામાં આવી છે. ઓક્સિજન પ્લાન્ટથી હોસ્પિટલ સુધી પહોચાડવા માટે ગ્રીન કોરીડોર તૈયાર છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વાવાઝોડાના પગલે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. લોકો કોઝવે પુલિયા પરથી શક્ય હોઈ તો પસાર કરવાનું ટાળે, જાહેર માર્ગો પર લગાવવામાં આવેલ બોર્ડ ઉતારવાનું શરૂ કરવામાં આવ્યું છે. ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા તાલુકાના 34 ગામોના 420 લોકોનું સ્થળાંતર કરાયું છે. જામકંડોરણા તુલકાના બોરીયા ગામે કાચા મકાનો, ઝુપડપટ્ટીમાં રહેતા 13 પરિવારના 56 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત