Team Chabuk-Gujarat Desk: આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. ઠેર ઠેર રક્ષાબંધનની ખુશીથી ઉજવણી થઈ રહી છે ત્યારે ભાવનગર જિલ્લાના એક પરિવાર માટે રક્ષાબંધનનો પર્વ માતમમાં ફેરવાઈ ગયો છે. ભાવનગર જિલ્લામાં આજે એક કરુણાંતિકા સર્જાઈ છે. આજે રક્ષાબંધનના પર્વે જ ભાઈને રાખડી બાંધી પરત ફરી રહેલા બહેનને અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતમાં બહેનનું મોત નિપજ્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે. રક્ષાબંધનના ખુશીના તહેવારના દિવસે જ બહેનનું મોત થતા પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે.
આજે રક્ષાબંધનનો તહેવાર હોય પાલિતાણા તાલુકાના નવાગામ-બડેલી ગામે રહેતા દલપતભાઈ રાઠોડ અને તેમના પત્ની દેવુબેન આજે વહેલી સવારે પોતાના ઘરેથી મોટર સાયકલ પર રંધોળા ગામે પોતાના ભાઈને ત્યાં રાખડી બાંઘવા માટે ગયા હતા. જ્યાં રાખડી બાંધ્યા બાદ દલપતભાઈ અને દેવુબેન પોતાના ગામ તરફ આવવા નીકળ્યા હતા. ત્યારે સિહોર-સોનગઢ હાઈવે પર ઈકો કારના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા દંપતી પટકાયું હતું. જેમાં દેવુબેનને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો દલપતભાઈને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે. આમ પતિની નજર સામે જ પત્નીનું મોત થયું હતું.
આ અકસ્માતને પગલે અન્ય વાહન ચાલકો રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા અને આધેડને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ સોનગઢ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક મહિલાની લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે શિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત સર્જનાર કાર ચાલક વાહન મૂકીને નાસી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે જ બહેનનું મોત થતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત