132 વર્ષના ક્રિકેટ ઇતિહાસમાં દક્ષિણ આફ્રિકા માટે આંગળીના ટેરવે ગણાય તેટલા જ અશ્વેત ક્રિકેટરો છે. પરંતુ તેમાંથી એક એવો ક્રિકેટર છે, જેણે દક્ષિણ આફ્રિકા માટે 100 ટેસ્ટ મેચ રમી અને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું. આ ક્રિકેટરનું નામ છે મખાયા એન્ટિની. મખાયા એન્ટિની દક્ષિણ આફ્રિકાનો ત્રીજો સૌથી સફળ ફાસ્ટ બોલર છે. ક્રિકેટની જેમ તેનું જીવન પણ રસપ્રદ છે. ગાયો ચરાવતો આ ખેલાડી ક્રિકેટની દુનિયામાં આકાશમાં ઉડ્યો છતાં જમીન સાથે જોડાયેલો રહ્યો. મખાયા એન્ટિનીની કેટલીક એવી વાતો છે જે જાણીને તમારી આંખો પહોળી અને મોઢું ખુલ્લું જ રહી જશે.
1970મા ICCએ રંગભેદની નીતિને કારણે દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ પર પ્રતિબંધ મૂક્યો. આ પ્રતિબંધ વર્ષ 1991 એટલે કે 21 વર્ષ સુધી રહ્યો. જ્યારે દક્ષિણ આફ્રિકા સરકારે રંગભેદની નીતિ બદલી ત્યારબાદ 10 નવેમ્બર 1991ના રોજ દક્ષિણ આફ્રિકાની ટીમ ફરીથી ક્રિકેટના મેદાન પર ઉતરી. રંગભેદની નીતિમાં સુધારાના કારણે ઘણા અશ્વેત ખેલાડીઓને પણ દક્ષિણ આફ્રિકાની ટીમ માટે રમવાની તક મળી. એમાંથી ઉડીને આંખે વળગે એવું એક નામ મખાયા એન્ટિની.
મખાયા એન્ટિનીએ 1998માં દક્ષિણ આફ્રિકાની ટીમમાં પ્રવેશ મેળવ્યો. આ પહેલાં તેનું જીવન જરા પણ સરળ નહોતું. પૂર્વના કેપમાં આવેલા અમિંગિ ગામમાં માખાયાનું બાળપણ પશુઓની જેમ પસાર થયું હતું. મખાયા પશુઓને ચરાવવા જતો એ પણ ખુલ્લા પગે. ગમે તેટલી ગરમી કે ઠંડી હોય પશુઓને ચરાવવા જવું જ પડે. ગરમીમાં તેના શરીરની ચામડી બળી જતી અને પગમાં છાલા પડી જતા. ઠંડીમાં થીજી જતો. પણ મખાયા એમ હાર માની લેવાવાળો બાળક ન હતો. મખાયા અને તેના મિત્રએ ગરમી-ઠંડીથી બચવા વચલો રસ્તો શોધી કાઢ્યો. પશુ ચરાવવા જાય એટલે બંને ગાયના ગોબર કરવાની રાહ જોતા. ગાયોના ઘણમાં જે કોઈ ગાય ગોબર કરે ત્યાં આ બંને પહોંચી જતાં અને છાણમાં પગ નાખી દેતા. ઠંડીમાં આ નુસખો તેને બહુ કામ આવ્યો, કારણ કે ગોબરમાંથી તેને ગરમાહટ મળી રહેતી. આવી કપરી સ્થિતિનો સામનો કરીને આવેલા મખાયાને જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન મળ્યું ત્યારે તેની ખુશીનો પાર ન હતો. બળબળતો તાપ અને કળકળતી ઠંડી, જે માણસે ખુલ્લા પગે સહન કરી હોય તેના પગમાં જ્યારે પગરખા આવે એ ખુશી જ અલગ હોય છે. એને શબ્દોમાં ન કંડારી શકાય.
મખાયા ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. નાનપણથી જ ક્રિકેટ રમવાનો ખુબ શોખ. તેમાં પણ બોલિંગ કરવી તેને ખુબ ગમે. 15 વર્ષનો થયો ત્યાં સુધીમાં લંબાઈ એક સરેરાશ ટીનએજ કરતાં વધી ગઈ. છતાં તેના પગમાં હજુ ચંપલ ન હતા જોવા મળતા. આ જ સમયે એક કિસ્સાએ તેનું જીવન બદલી નાખ્યું.
બન્યું એવું કે, મખાયા તેના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. એ વખતે વાયુવેગે દડા ફેંકતા મખાયા તરફ ક્રિકેટ બોર્ડના અધિકારીનું ધ્યાન પડ્યું. સાથે જ તેના ખુલ્લા પગ પણ જોયા. મખાયાની બોલિંગથી પ્રભાવિત થયેલા આ અધિકારીએ તેને કપડાં અને બુટ લઈ આપ્યા. એટલું જ નહી તેને કિંગ વિલિયમ ટાઉનમાં પ્રેક્ટિસ કરવાની જગ્યા પણ અપાવી દીધી.
આ પછી એન્ટિનીના નસીબ અને રમતે તેને ફરીથી સાથ આપ્યો. આ વખતે ડેવલપમેન્ટ પ્રોગ્રામના એક અધિકારી, ગ્રેગ હેએ મખાયાને રમતા જોયો અને ક્રિકેટમાં આગળ વધારવાનો નિર્ણય લીધો. ગ્રેગ હેએ પણ મખાયાને એક જોડી જૂતા ભેટ આપ્યા અને કડક સુચના પણ આપી કે, ‘આ જૂતા મેદાન બહાર કે પશુઓને ચરાવવા જતી વખતે ન પહેરવા.’
હવે મખાયાની ગાડી પાટા પર ચઢી ગઈ હતી. બે વર્ષ બાદ તેને દક્ષિણ આફ્રિકાની અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું અને તે ઇંગ્લેન્ડ અને ભારતના પ્રવાસે ગયો. 20 વર્ષની ઉંમરે તેને દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું. આમ, એન્ટિની આફ્રિકન ટીમમાં સામેલ થનારો પ્રથમ અશ્વેત ક્રિકેટર બન્યો. જો કે, સફળતાનું પહેલું પગથિયું ચઢ્યો ત્યાં જ એક વધુ મુશ્કેલી આવીને ઊભી રહી.
હજુ દક્ષિણ આફ્રિકા તરફથી રમતા મખાયાને એક જ વર્ષ થયું હતું. એવામાં તેના પર બળાત્કારનો ગંભીર આરોપ લાગ્યો.
21 વર્ષીય વિદ્યાર્થિનીએ તેના પર દુષ્કર્મનો કેસ દાખલ કરી દીધો. આ આરોપને ત્યારે મખાયાએ પાયા વિહોણો ગણાવ્યો. મખાયાએ કહ્યું કે, તેણે વિદ્યાર્થિનીને પોતાની કારમાં માત્ર લીફ્ટ આપી હતી. જો કે, સ્થાનિક કોર્ટે મખાયાને દોષી માન્યો. જેના કારણે મખાયા 1999ના વર્લ્ડ કપમાં રમી ન શક્યો. પણ મખાયા અટકવાનો ન હતો. દુષ્કર્મ કેસમાં તેણે એ જ વર્ષે ગ્રેહામટાઉન હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા. ચુકાદો તરફેણમાં આવ્યો. હાઈકોર્ટે નિર્દોષ જાહેર કરતા તે રાષ્ટ્રીય ટીમમાં પરત ફર્યો. ત્યારબાદ તેણે પાછુ વળીને કદી ન જોયું.
મખાયા એન્ટિની સફળતાની સીડીઓ સર કરી રહ્યો હતો, પરંતુ ગાયના ગોબરનું ઋણ ક્યારેય નથી ભૂલ્યો. એન્ટિનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તે હંમેશાં તેની કીટ બેગમાં પ્લાસ્ટિકના પેકેટમાં ગાયનું છાણ રાખતો.
તેણે કહ્યું હતું કે, “મારી આખી કારકિર્દી દરમિયાન, મારી પાસે હંમેશાં ગોબરનો ટુકડો હતો, તે મારું ‘લકી ચાર્મ’ હતું. જેના કારણે હું હંમેશાં જમીન સાથે જોડાયેલો રહેતો. જ્યારે પણ મને મેદાનમાં સારા પ્રદર્શનની જરૂર હતી ત્યારે હું તેને કિસ કરતો. તે હંમેશાં મારા માટે કામ કરતું. જો તમે ઇચ્છો તો મારા આંકડા જોઈ શકો છો.”
આંકડાની વાત નીકળી જ છે તો એક કિસ્સો કહી દઉં.
મખાયા લોર્ડ્સના મેદાનમાં ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનારો એક માત્ર આફ્રિકી ખેલાડી છે. 2003માં દક્ષિણ આફ્રિકાની ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસે ગઈ હતી. શ્રેણીની બીજી ટેસ્ટ લોર્ડ્સના મેદાન પર રમાઇ રહી હતી. પરંતુ એન્ટિની તે દિવસે કંઈક બીજું વિચારીને મેદાનમાં ઉતર્યો હતો. આફ્રિકાએ પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડને 173 રનમાં ઘૂંટણીએ પાડી દીધું.
ઇનિંગમાં મખાયાએ 75 રન આપીને 5 વિકેટ ઝડપી. પરંતુ તે જ સમયે ગ્રીમ સ્મિથની બેવડી સદીના કારણે લોકોનું ધ્યાન મખાયા પરથી હટી ગયું. ચારે તરફ માત્ર સ્મિથ દ્રારા દાખવાયેલી અદભૂત રમતની ચર્ચા થતી હતી. પરંતુ બીજી ઇનિંગમાં ફરી એકવાર એન્ટિની બાંયો ચડાવી મેદાનમાં ઉતર્યો અને ફરી પાંચ વિકેટ ઝડપી. આમ, 10 વિકેટ લઈ લોર્ડ્સની દીવાલ પર પોતાનું નામ અમર કરી દીઘું. મખાયાના આ રેકોર્ડ છતાં અંગ્રેજી મીડિયાએ એન્ડ્રુ ફ્લિટોફની સંપૂર્ણ પ્રશંસા કરી. જેણે બીજી ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારી હતી.
આ ઐતિહાસિક પ્રદર્શન બાદ મખાયા એન્ટિનીએ કહ્યું હતું, ‘હું ખૂબ ભાવુક છું. ઘણું ગૌરવ અનુભવું છું. આ ક્ષણે મને ફક્ત એવું જ લાગી રહ્યું છે કે હવે હોમ ઓફ ક્રિકેટમાં ‘એન્ટિની’ નામ હંમેશાં રહેશે. એક દિવસ મારા બાળકો લોર્ડ્સની દીવાલ પર મારું નામ જોશે. સાથે જ હું બધા અશ્વેત યુવાન છોકરાઓ વિશે વિચારું છું જેઓ આનાથી પ્રેરાશે. અને વિચારશે કે તેઓ કંઈ પણ કરી શકે છે. મને આનંદ છે કે આ દીવાલ પર દક્ષિણ આફ્રિકાનું નામ આવ્યું છે. હું ઈચ્છું છું કે દરેક દક્ષિણ આફ્રિકન તેના માટે ગર્વ અનુભવે.’
થોડા જ વર્ષોમાં એન્ટિનીનું જીવન સાવ બદલાઈ ગયું હતું. તે એક સફળ ક્રિકેટર બની ગયો હતો. છતાં તે તેની કીટમાં ગાયનું છાણ રાખતો હતો. એન્ટિનીનો પ્રેમ માત્ર ગોબર સાથે જ નહોતો. પોતાની જાતને મોર્ટીવેટ કરવા તે હંમેશાં પોતાના પેશાબનો ઉપયોગ પણ કરતો. થોડું વિચિત્ર છે, પણ આ હકીકત છે. એક ઇન્ટરવ્યૂમાં તે આ વાતનો સ્વીકાર કરતાં કહે છે,
‘ઘણા લોકો આ વિશે નથી જાણતા, પરંતુ રમતના એક સેશનમાં સારું પ્રદર્શન ન કરી શકતો ત્યારે ટોઈલેટમાં જઈ મારા હાથ પર પેશાબ કરતો પછી હાથને ચહેરા પર રગડતો. આનાથી હું આગળની રમત અને સ્પેલ માટે તૈયાર થઈ જતો.’
મખાયા એન્ટિનીએ આફ્રિકન ટીમ માટે કુલ 101 ટેસ્ટ મેચ અને 173 વન ડે રમી છે. ટેસ્ટ મેચમાં 390 વિકેટ ઝડપી છે. મખાયા એન્ટિની શૉન પોલોક અને એલન ડોનાલ્ડ બાદ દક્ષિણ આફ્રિકા માટે 300 વિકેટ લેનાર ત્રીજા બોલર બન્યો હતો. પોતાની કારકિર્દીની છેલ્લી મેચ તે ભારત સાથે રમ્યો. 2011માં એન્ટિનીએ ભારત સામે ટી-20 રમીને ક્રિકેટને અલવિદા કહ્યું. આફ્રિકાના આ ખુશમિજાજી બોલરને આજે પણ લોકો યાદ કરે છે.