Team Chabuk-Gujarat Desk: દર્દ ક્યારેક દવાનું કામ કરે છે એ ન્યાયે કોરોના નિવારક તકેદારીઓ લેવાને લીધે, હાલમાં એ અને ઈ વાયરસ જે બહુધા ખાવા પીવાના પદાર્થોના દૂષિતીકરણને લીધે શરીરમાં પ્રવેશે છે, તેનાથી થતા એ અને ઇ પ્રકારના કમળા- હિપેટાઇટિસનું પ્રમાણ ઘટ્યું છે. એટલે કે કોરોનાથી બચવા માટે બહારનું ભોજન ટાળવું, વારંવાર હાથ ધોવા, શાકભાજી અને ફળોને ખૂબ સારી રીતે ધોઈને ઉપયોગમાં લેવા જેવી નિવારક તકેદારીઓ કમળો ઘટાડવામાં ઉપયોગી નીવડી છે એવી સંભાવના જણાય છે.
વાયરલ કમળો એ,બી,સી,ડી અને ઇ વાયરસના લીધે થાય છે. હિપેટાઇટિસ કે કમળો એટલે સાદી ભાષામાં યકૃત એટલે કે લીવરનો સોજો. જો તેની સમયસર ઉચિત અને પૂરતી સારવાર લેવામાં ન આવે તો તે લીવરની ગંભીર બીમારી અને હિપેટો સેલ્યુલર કેન્સર સુધી દોરી લઈ જઈ શકે છે.
વાયરલ કમળાનો રોગ અને તેમાં પણ બી અને સી પ્રકારના વાયરસથી થતો કમળો જાહેર આરોગ્ય માટે જોખમ સમાન છે. તેને અનુલક્ષીને વાયરલ કમળાથી બચવાની લોક જાગૃતિ કેળવવા દર વર્ષે 28મી જુલાઈએ વર્લ્ડ હિપેટાઇટિસ ડે એટલે કે વિશ્વ કમળા નિવારણ જાગૃતિ દિવસ તરીકે ઉજવણી વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રેરણાથી કરવામાં આવે છે. આ દિવસ કમળા માટે જવાબદાર બી પ્રકારના વાયરસ અને તેની રસીના શોધક નોબલ ઈનામ વિજેતા ડો. બરુચ બ્લૂમબર્ગનો જન્મ દિવસ છે અને તેમને આદર અંજલી આપવા તેની ઉજવણી કરવામાં આવે છે.
ભારત સરકારે બી અને સી પ્રકારના જોખમી કમળાના નિયંત્રણ માટે રાષ્ટ્રવ્યાપી નેશનલ વાયરલ હિપેટાઇટિસ પ્રોગ્રામ અમલમાં મૂક્યો છે તેવી જાણકારી આપતાં બરોડા મેડિકલ કોલેજના મેડિસીન વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. હિમાંશુ રાણા જણાવે છે કે, સયાજી હોસ્પિટલમાં તેના રોગ નિદાન માટે જરૂરી પરીક્ષણો, સોનોગ્રાફી, લોહીની તપાસ, સારવાર માટેની મોંઘી દવાઓ સહિત આ પ્રોગ્રામ હેઠળ વિનામૂલ્યે સારવારની સુવિધા ઉપલબ્ધ છે.
કમળાનો રિપોર્ટ કરાવ્યા પછી ઘણાં લોકો બોલાવવા છતાં હોસ્પિટલમાં આવતાં જ નથી, નિર્ધારિત સમય સુધી કાળજીપૂર્વક પૂરેપૂરી દવા લેતાં નથી તે અંગે ખેદની લાગણી વ્યક્ત કરતાં ડો.હિમાંશુ એ જણાવ્યું કે આ પ્રકારની બેદરકારી રોગને વકરાવે છે અને ઘણાં કિસ્સામાં જીવલેણ બને છે. 2020માં સયાજી હોસ્પિટલમાં બી વાયરસજન્ય કમળાના નિદાન માટે 17000 ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 377 અને સી વાયરસ થી થતા કમળાના નિદાન માટે 16000 ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 147 પોઝિટિવ કેસો મળ્યા હતા.
ઉપરોક્ત પ્રોગ્રામ હેઠળ સરકાર દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી રહી છે. હિપેટાઇટિસ સી માટે સોફોબુવિર અને અન્ય દવા સાથે તેના સમન્વયથી બનાવેલી અન્ય દવા, ડેકલાટાસવીર અને હિપેટાઇટિસ બી માટે મોંઘી રીબાવિરીન સહિત અન્ય ચાર દવાઓ સયાજી હોસ્પિટલમાં આપવામાં આવે છે. લગભગ દસેક હજારની કિંમતની દવાઓ, મોંઘા ટેસ્ટ અને સોનોગ્રાફી, એક હાઇ લેવલનો ટેસ્ટ જે બહાર ખાનગીમાં 5 હજાર રૂપિયાનો થાય તેના સહિત સારવાર વિનામૂલ્યે થાય છે ત્યારે લોકો કાળજીપૂર્વક આ સારવાર પૂરા સમય સુધી કરાવે એવી તેમની લાગણી છે.
સરકારે મોટા જિલ્લાઓમાં બે અને નાના જિલ્લાઓમાં એક મોટી સરકારી હોસ્પિટલોમાં આ કાર્યક્રમ હેઠળ કમળાની સારવારની વ્યવસ્થા કરી છે. વડોદરામાં સયાજી ઉપરાંત જી.એમ.ઈ.આર.એસ., ગોત્રી હોસ્પિટલમાં આ કાર્યક્રમ હેઠળ કમળાની સારવાર સેવા ઉપલબ્ધ છે.
કમળાના રોગના પ્રકારો અને તેના માટે જવાબદાર વાયરસોની જાણકારી આપતાં ડો.હિમાંશુ રાણા એ જણાવ્યું કે, એ અને ઈ પ્રકારનો કમળો મુખ્યત્વે ખાવા પીવાની ચીજોના દૂષિતિકરણથી થાય છે જેને પાણી ઉકાળી અને ઠંડુ પાડીને ઉપયોગમાં લેવું, બહારના ખાદ્ય પદાર્થો ટાળવા સહિતની ઉપર જણાવેલી તકેદારીઓથી ટાળી શકાય છે. હાલમાં તેનું પ્રમાણ સારું એવું ઘટયું છે. 2020માં એ પ્રકારના વાયરસથી થતા કમળા માટે 1500 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી 109 પોઝિટિવ અને ઇ પ્રકારના વાયરસથી થતા કમળાના નિદાન માટે 1400 ટેસ્ટમાંથી 156 પોઝિટિવ કેસો મળ્યા હતા.
તેમણે જણાવ્યું કે બી અને સી પ્રકારનો કમળો મોટેભાગે એકજ નીડલ અને સિરિંજ વાપરવા જેવી બેદરકારી,જેને આ રોગ થયો હોય તેની સાથે અસુરક્ષિત જાતીય સંપર્ક, સીધેસીધો રક્ત સંપર્ક જેવા કંટામીનેસનથી લાગતા ચેપથી થાય છે. તેઓ કહે છે કે સગર્ભા મહિલાઓને કમળાનો ચેપ ન લાગે તેની ખાસ કાળજી લેવી જરૂરી છે.
સયાજી હોસ્પિટલમાં હેલ્થ વર્કર ને હિપેટાઇટિસ બીની રસી નિવારક તકેદારીના રૂપમાં આપવામાં આવે છે. ત્રણ ડોઝની આ રસી નાના મોટા સહુ કોઈ લઈ શકે છે જે સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવે છે. શરીરના પોતાના એન્ટીબોડીઝના લીવર પર દુષ્પ્રભાવથી ઓટો ઈમ્યૂન પ્રકારનો, ડ્રગ ઇંડ્યુસડ અને પિત્તાશયની બીમારીથી થતો કમળો ખૂબ જૂજ કે નહીંવત પ્રમાણમાં થાય છે.
કોરોના સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.જણાવે છે કે હવે બાળકોના રસીકરણ પ્રોગ્રામમાં જ કમળા પ્રતિરોધક રસીનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. સયાજી હોસ્પિટલમાં તબીબો અને આરોગ્ય સેવકોની સલામતી માટે કોઈપણ પ્રકારની સર્જરી કરતાં પહેલા દર્દીનો હિપેટાઇટિસ ટેસ્ટ કરવામાં આવે છે.
ડો.હિમાંશુ રાણા જણાવે છે કે કમળો એ કોઈ ડરવા કે હતાશ થઈ જવા જેવો રોગ નથી. કાળજી સાથે રોગ નિદાન કરાવીને જરૂરી સારવાર પૂરા સમય સુધી કરાવવાથી રોગ મુક્ત થઈ શકાય છે. યોગ્ય પ્રકારના આહારનું સેવન કરવું સારવાર દરમિયાન જરૂરી છે. તેની સાથે ડોકટરની સલાહ પ્રમાણે જ દવાઓ લેવી જોઈએ અને સેલ્ફ મેડી કેસનથી બચવું જોઈએ. સયાજી હોસ્પિટલમાં અને સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે. તેની સાથે ખાનપાનમાં કાળજી અને સ્વચ્છતાની જાળવણી આ રોગથી બચાવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત