Team Chabuk Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. કોરોના ગુજરાતમાં નાબૂદી તરફ ગતિ કરી રહ્યો છે. રાજ્યમાં છૂટછાટ અપાવાનો દોર યથાવત છે. ગુજરાત સરકારે શાળા ખોલવાની મંજૂરી આપી છે. જો કે, શાળાઓ ખુલતાની સાથે જ વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે. બનાસકાંઠાના ડીસાની રામસણ પ્રાથમિક શાળાના 2 શિક્ષકો અને 9 વિદ્યાર્થીઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. શાળામાં વધુ સંક્ર્મણ ન ફેલાય માટે શાળાને એક સપ્તાહ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાલત સ્થિર છે. કોઈને કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી.
6થી 8 ધોરણના વિદ્યાર્થીઓને શાળાએ ઓફલાઈન શિક્ષણની છૂટ અપાઈ છે. જો કે, વાલીઓની સંમતિ ફરજિયાત છે. મોટાભાગના વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા સહમત બન્યા છે. સ્કૂલો પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી રહી છે. વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે અભ્યાસ કરાવી રહ્યા છે. સાથે જ વિદ્યાર્થીઓને માસ્ક પહેરવાનું પણ ફરજિયાત કરાયું છે. પહેલાં દિવસે મોટી સંખ્યામાં બાળકો સ્કૂલે પહોંચ્યા હતાં. બાળકોએ સ્કૂલે પહોંચીને ખુશી વ્યક્ત કરી હતી. સ્કૂલે પહોંચેલા બાળકોએ કહ્યું હતું કે, ‘ઓનલાઈન શિક્ષણમાં મજા નહતી આવતી. ક્યારેક નેટ જતું રહેતું તો ક્યારેક એક જ સમયે બે ભાઈનો ક્લાસ હોવાથી ક્લાસમાં બેસી શકાતું ન હતું.’
શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ
‘શાળા ખુલવાના સમચાર મળ્યા એટલે મેં તો મમ્પી-પપ્પાને કહી દીધુ તમે મને છૂટ આપજો. મારે સ્કૂલે જવું છે. મેં તેમને ખાતરી આપી હતી કે હું સ્કૂલમાં નિયમોનું પાલન કરીશ. મિત્રો સાથે રહીશ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખીશ અને મિત્રોને પણ ફરજિયાત તેનું પાલન કરાવીશ.’
-હેમાંગ, ધોરણ 8, અમદાવાદ
‘ઓનલાઈન અભ્યાસમાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. ક્યારેક મારે પ્રશ્ન હોય તો હું પૂછી ન હતો શકતો. નેટના કારણે. ક્યારેક કોઈ દાખલા સમજાતા ન હતા. ક્યારેક અંગ્રેજીનો ક્લાસ ચાલતો હોય તો તેમાં તો કઈ ટપ્પો જ પડતો ન હતો. હવે મિત્રો સાથે ભણવાની મજા આવે છે. આજે ક્લાસરૂમમાં બેસીને ભણવાની બહુ મજા આવી.’
-પ્રિયાંશુ, ધોરણ 7, રાજકોટ
બીજી તરફ પોરબંદરની શાળા શરૂ થતાની સાથે જ વિવાદમાં આવી છે. પોરબંદરના કૂતિયાણાના રેવદ્રા ગામે પ્રાથમિક શાળાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વિદ્યાર્થીઓ ક્લાસરૂમની સાફ-સફાઈ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ મુદ્દે તપાસના આદેશ પણ આપ્યા છે.
વીડિયોમાં ક્લાસરૂમમાં પાંચ વિદ્યાર્થિનીઓ દેખાઈ રહી છે. તમામના હાથમાં સાવરણી છે. સાવરણીથી તેઓ ક્લાસરૂમની સફાઈ કરી રહી છે. એક વર્ષથી બંધ પડેલા રૂમમાં કચરો અને ધૂળ પણ ખૂબ વધુ છે. જેના પરથી અનુમાન લગાવી શકાય કે વિદ્યાર્થિનીઓને ક્લાસ સાફ કરવામાં કેટલી મહેનત કરવી પડી હશે. સાથે જ સવાલો ઉઠી રહ્યા છે કે, જે હાથમાં શાળા સંચાલકોએ પુસ્તકો આપવા જોઈએ તે હાથમાં વિદ્યાર્થિનીઓને સાવરણી કેમ પકડાવી દીધા ?