Homeગુર્જર નગરીશું ભાવિ મતદાતાઓ પણ આમ આદમી પાર્ટીને જ સત્તા સ્થાને જોવા ઈચ્છે...

શું ભાવિ મતદાતાઓ પણ આમ આદમી પાર્ટીને જ સત્તા સ્થાને જોવા ઈચ્છે છે?

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વર્ષોથી ગુજરાતમાં ચૂંટણી હોય એટલે બે જ પક્ષોની ચર્ચા થતી હોય છે, ભાજપ અને કોંગ્રેસ. પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ને કોંગ્રેસને ટક્કર આપવા આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. દિલ્હીની કેજરીવાલ સરકારના કામોને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ જનતા વચ્ચે જઈ પ્રચાર કરી રહી છે.

જનતા માટે ત્રીજો વિકલ્પ બની ઉભરી રહી છે. નવી પાર્ટી છે. વર્ષોથી શાસન પર રહેલી ભાજપ સામે ટક્કર લેવું અઘરું પણ છે. છતાં હાલનો માહોલ જોઈને કહી શકાય કે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો તો બનશે જ. અહીં આમ આદમી પાર્ટીની વાત એટલા માટે થઈ રહી છે કે સુરતમાં આમ આદમી પાર્ટીને અનોખી રીતે સમર્થન મળ્યું છે. વાત એવી છે કે આમ આદમી પાર્ટીએ પાર્ટી ફંડ માટે જનતાને કરેલી અપીલ બાદ એક બાળક પોતાની પિગી બેંક લઈને આમ આદમી પાર્ટીની કાર્યાલયે રૂપિયા આપવા પહોંચી ગયો હતો.

મંથન રાખોલીયા નામનો બાળક પોતાની પિગી બેંક લઈને આપનાં કાર્યાલયે પહોંચ્યો હતો. ત્યાં તેણે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા, આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા અને અન્ય કાર્યકરોની હાજરીમાં પોતાની પિગી બેંકમાં રહેલા રૂપિયા પાર્ટી ફંડમાં આપી દીધાં હતાં. આમ તો મંથનની ઉંમર નાની છે પણ તેણે જે કાર્ય કર્યું છે તેના પરથી ચોક્કસ એવો વિચાર આવે કે શું ભાવિ મતદાતાઓ પણ આમ આદમી પાર્ટીને સત્તા સ્થાને જોવા ઈચ્છે છે ?

સુરતના કેટલાક દુકાનદારો પણ પાર્ટીને ખુલ્લુ સમર્થન આપ્યું હોવાનું સામે આવ્યું છે. આમ આદમી પાર્ટી સુરતના પ્રમુખ મહેન્દ્ર નાવડીયાના જણાવ્યા અનુસાર સુરતના વરાછા વિસ્તારના નાના દુકાનદારો દ્વારા આમ આદમી પાર્ટીને લેખિતમાં ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે અને બધા દુકાનદારો વતી એક લાખ રૂપિયાનું પાર્ટી ફંડ પણ આપવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટી ગુજરાતે પોતાના ફેસબુક પેઈજ પર આ દુકાનદારના સમર્થનનો લેખિત પત્રનો ફોટો પોસ્ટ કર્યો છે. આ પત્ર એક નિર્દોષ, દંડથી હેરાન થયેલા દુકાનદારના નામથી લખવામાં આવ્યો છે. પત્રમાં લખાયું છે કે, આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખશ્રી અમે સામાન્ય નાગરિક છીએ અને અમે ભાજપ સરકારથી કંટાળી ને કોંગ્રેસથી નિરાશ થઈને… અમે હું નાનો એવો ધંધો ચલાવું છું. મારી પાસેથી કોર્પોરેશન અને પોલીસવાળાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નામે દંડ ઉઘરાવેલો છે. હું બરોડા પ્રીસેજમાં દુકાન ચલાવું છું અને બધા જ દુકાનદારોને દંડ કરીને ખૂબ હેરાન કરવામાં આવેલા છે. તો અમે તમામ દુકાનદારો આમ આદમી પાર્ટીને ખુલ્લુ સમર્થન આપીએ છીએ અને ઈમાનદાર પાર્ટીને આગળ વધારવા માટે અમે પાર્ટીને બધા દુકાનદારો વતી 1 લાખ રૂપિયા ફંડ આપીએ છીએ અને અમને તમારા પર ખૂબ આશા છે. મફત શિક્ષણ, સારુ આરોગ્ય અને નાગરિક સુરક્ષા માટે અમે પાર્ટીની સાથે છીએ વધુમાં વધુ સાથ સહકાર અને મત આપીશું અને અપાવીશું. જય ભારત.

સુરત આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર નાવડીયાએ ચાબુક સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘સુરતના બરોડા પ્રીસેજના દુકાનદારોને મળવા માટે હું આજે સવારે જ ગયો હતો. તેઓએ પાર્ટીને સમર્થનની સાથે સાથે પાર્ટી ફંડ પણ આપ્યું છે.’ આમ આદમી પાર્ટીએ પાર્ટી ફંડ માટે લોકોને અપીલ પણ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આમ આદમી પાર્ટી લોકોને પાર્ટી ફંડ આપવા માટે અપીલ કરી રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દિલ્હીની શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થાના મુદ્દાને લઈને જનતા વચ્ચે પ્રચાર કરી રહી છે. દિલ્હી સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પણ પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે અને ગુજરાતની જનતા વચ્ચે દિલ્હી મોડેલની વાત કરી રહ્યા છે.

સુરત ભાજપનો ગઢ ગણાય છે. ત્યારે હાલ આમ આદમી પાર્ટી સુરત મનપાની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. સુરતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પરિણામ શું આવશે તે તો આવનારા દિવસોમાં ખ્યાલ આવી જ જશે, પણ આમ આદમી પાર્ટીના હાલના પ્રયાસોથી જનતાને લાગી રહ્યું છે કે હવે તેમની દુવિધાઓ સુવિધામાં બદલી જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments